રાજકોટઃ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલી હુડકો ચોકડી પાસે એક કાળજું કંપાવનારી દુર્ઘટના બની હતી. અહીં આવેલા 'ઉત્તમ સોફા' નામના એક કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં તેણે આખું કારખાનું પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ગંભીર અકસ્માત દરમિયાન કારખાનાની અંદર આવેલા શૌચાલયમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો, જેને ફાયર બ્રિગેડની ટીમે ધુમાડાના ગોટેગોટા વચ્ચે જીવના જોખમે બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક કારખાનાના માલિકના જમાઈ હોવાનું સામે આવ્યું છે. જેનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી
આગ લાગવાની ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને સવારે 10:14 વાગ્યે કોલ મળતાની સાથે જ નજીકના કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. ફાયર વિભાગની 2 ગાડી દ્વારા તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.
ટોઇલેટમાં ફસાયેલા માલિકના જમાઈનું મોત
કારખાનાની અંદર એક વ્યક્તિ ફસાયો હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે અત્યંત બહાદુરીપૂર્વક ધુમાડાની વચ્ચે કારખાનાની અંદર પ્રવેશ કર્યો હતો. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે, ફસાયેલો વ્યક્તિ અંદરના શૌચાલય (ટોયલેટ)માં ભરાઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમે તે વ્યક્તિને ભારે જહેમત બાદ ગંભીર હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જો કે ગૂંગળામણના કારણે વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
‘ધુમાડાના કારણે બહાર ન નીકળી શક્યા’
DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, સોફા બનાવવાનું કારખાનું છે, જે ભાડે આપેલું હતું. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી. ઘટનામાં 30 વર્ષના જે ભાઈનું મૃત્યુ થયું છે, તે કારખાનાના ઓનરના જમાઈ હતા. એ વોશરૂમ માટે ગયેલા હતા આગના કારણે જે ધુમાડો થયો એના લીધે બહાર ન નીકળી શક્યા. એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
20થી 30 મિનિટમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો
રાજકોટ ફાયર વિભાગનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમ. કે. જુનેજાએ જણાવ્યું કે, કોલ મળતા જ અમારી ટીમે તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ટોયલેટમાં ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આગ બુઝાવવામાં અંદાજે 20થી 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.