કામિની શ્રોફ
મહેસાણા જિલ્લાની વડનગર સહિત અન્ય સ્થળોની મુલાકાત દરમિયાન એક વાત ઊડીને આંખે વળગી કે ધર્મસ્થાનકોમાં માનવ મહેરામણ ઉમટે છે એ સામે કલાત્મક સ્થાનકોમાં નગણ્ય હાજરી જોવા મળે છે. ટૂરિઝમનો એકંદર વિકાસ થયો એની બદલે રિલિજિયસ ટૂરિઝમ વિકસ્યું એમ કહેવું વધુ યોગ્ય કહેવાય.
વડનગરના મુકામ દરમિયાન મંદિર-દેરાસરમાં સહેલાણીઓની જે સંખ્યામાં આવનજાવન જોઈ એની સરખામણીએ કલાત્મક સ્થળો પર એકદમ પાતળી હાજરી જોવા મળી. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ હોય એ આવકાર્ય છે, પણ ઈષ્ટદેવની આરાધના સાથે માનવ સમાજની પેદાશ ગણાતી સંસ્કૃતિ સાથે સમન્વય રહે એ પણ જરૂરી છે. ધર્મ આધ્યાત્મિક જીવનના વિકાસમાં તો કલા માનવજીવનના સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ચીનના વિદ્વાન અને પ્રવાસી હ્યુ - એન - સંગના વર્ણન અનુસાર આનંદપુર (વડનગર જૂનું નામ)માં બૌદ્ધ તેમ જ વૈદિક સંપ્રદાયનું પ્રાધાન્ય હતું. અહીં કલ્પસૂત્રની વાચના થયો હોવાનો ઉલ્લેખ પણ છે. આમ આ નગરમાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન વિદ્વત્તાનો ત્રિવેણી સંગમ થયો હતો. આ જ નગરમાં નાની મોટી મસ્જિદો પણ છે. ટૂંકમાં આ નગર સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. વડનગરની નોંધપાત્ર બાબતમાં કલાક્ષેત્રોનો પણ સમાવેશ છે એ હરખ થાય એવી વાત છે.
વિસામો વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ આજના સામાજિક જીવનની વાસ્તવિક કરુણતા છે. ત્રસ્ત અને તરછોડાયેલા જ વડીલો વૃદ્ધાશ્રમમાં હોય છે એવું નથી. સ્વેચ્છાએ આવનારા સુધ્ધાં છે, પણ એમની ટકાવારી ઘણી ઓછી છે, નજીવી કહી શકાય. મહેસાણા જિલ્લામાં ઘણા વૃદ્ધાશ્રમ છે. વડનગર મહેસાણા જિલ્લામાં છે અને અહીં નિરાધાર, એકલવાયા વડીલોને આશરો આપતી સંસ્થાઓમાં એક છે શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ સંચાલિત `વિસામો વૃદ્ધાશ્રમ', જે 16 ફેબ્રુઆરી, 2021ના વસંત પંચમીના દિવસથી શ્રી દામોદરદાસ મૂલચંદદાસ મોદી સેવાશ્રમના નવા નામથી ઓળખાય છે.
દામોદરદાસ મૂલચંદદાસ મોદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતાશ્રીનું નામ છે અને આ સેવાશ્રમનું સંચાલન સોમાભાઈ દામોદરદાસ મોદી (નરેન્દ્ર મોદીના મોટા ભાઈ) પરિવાર કરે છે એવો ઉલ્લેખ પિતાશ્રીની પ્રતિમા નીચે કરવામાં આવ્યો છે. અમે મુલાકાત લીધી ત્યારે સત્તાવાર રીતે વાતચીત કરી શકનારી વ્યક્તિ હાજર ન હોવાથી વધુ જાણકારી મળી નહીં. રિક્ષાચાલકે આપેલી માહિતી અનુસાર આ સેવાશ્રમ સંચાલન અને સે વા માટે ખ્યાતિ ધરાવે છે.
કીર્તિ તોરણ
દેલવાડા, રાણકપુર અને બીજા દેરાસરની મુલાકાત લઈએ ત્યારે એના બાંધકામની કલાત્મકતાથી મુગ્ધ થઈ જવાય. જોકે, આ ધર્મસ્થાનકો સિવાય પણ કેટલાંક સ્થળ છે જે કલાકારીગીરીના ઉત્તમ નમૂનામાં સ્થાન ધરાવે છે. વડનગરસ્થિત કીર્તિ તોરણ આ પંક્તિમાં બિરાજે છે. બૌદ્ધસ્તૂપો હોય ત્યાં તોરણ કલાત્મક પ્રવેશદ્વાર તરીકે જોવા મળે છે. હિન્દુ સ્થાપત્યમાં પ્રવેશદ્વાર ઉપરાંત વિજયના સંભારણા તરીકે પણ તોરણ બનાવતા હતા. વડનગરના આ તોરણને શૌર્ય તોરણ પણ કહેવામા આવે છે.
આશરે 40 ફૂટ ઊંચાઈનો કીર્તિસ્તંભ રાતા અને પીળા પથ્થરમાંથી બનાવેલો છે. તેમાં સુંદર કલાકારીગરી અને ઝીણવટપૂર્વકનું કોતરણી કામ જોવા મળે છે. થાંભલાઓ પર સુંદર કોતરણી છે. સ્તંભની કુંભીમાં ગજરાજ હાથીઓની હાર કોતરેલી છે. વાનરોને વિવિધ મુદ્રામાં ચીતર્યા છે અને સૌથી મોખરે બ્રહ્માને તેમના વાહન હંસ સહિત કોતર્યા છે. ગુજરાતની શિલ્પકલા પ્રાચીન કીર્તિસ્તંભો ઉપરથી જાણી શકાય છે. લગભગ 13 મીટરની ઊંચાઈ ધરાવતું કીર્તિતોરણ અનેરી ભાત પાડે છે.
અદભુત શિલ્પ સ્થાપત્યની દુનિયામાં કોઈપણ જાતના ટેકા વિના કે રક્ષણ સિવાય સૈકાઓ વીતી ગયા છતાં અડીખમ ઊભેલા સોલંકીયુગનાં તોરણો વિશ્વવિખ્યાત બની ગયાં છે. બોર્ડ પર અંગ્રેજીમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ કીર્તિસ્તંભ વિજયી કમાન કે વિજયી તોરણો છે જે સોલંકી શાસકોએ સ્થાપિત કર્યા હતા. છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન વડનગર પર થયેલી ચડાઈ - આક્રમણમાં આ વિજયી તોરણો ચમત્કારિક રીતે હેમખેમ રહી શક્યાં છે.
લટેરી વાવ
અંગ્રેજીમાં `સ્ટેપવેલ' અને આપણી ભાષામાં વાવ એટલે પગથિયાવાળો પાણીનો કૂવો. ભૂગર્ભ જળ સુધી પહોંચવા અને પાણી સંગ્રહવા માટે આ વાવ બનાવવામાં આવતી. ગુજરાતમાં અડાલજની વાવ, રાણી કી વાવ (પાટણ) અને દાદા હરિની વાવ (અમદાવાદ) વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્યો છે. વડનગરની લટેરી વાવ એ ઐતિહાસિક અને પ્રાચીન સ્થાપત્યનો એક નાનો પણ અદ્ભુત નમૂનો છે.
જળસંરક્ષણ વારસાનું પ્રતીક એવી આ વિવિધ વાવ માત્ર પાણીના સંગ્રહ માટે જ નહીં, પરંતુ પ્રાચીન કાળમાં સભાખંડો અને આરામગૃહ તરીકે પણ ઉપયોગમાં લેવાતી હતી એવો ઉલ્લેખ છે. લટેરી નામ પાછળની વાયકા એક સ્થાનિકે જણાવી. જૂના જમાનામાં આ વાવની આસપાસ લીમડા અને વડનાં ઘટાદાર વૃક્ષો હોવાથી લોકો અહીં આરામ કરવા લટાર મારવા આવતા અને એટલે વાવનું નામ લટેરી પડી ગયું.
ઝણઝણિયો કૂવો
આજે અનેક સગવડ-સુવિધા વચ્ચે રહેતા અનેક લોકો માટે કૂવો એટલે જમીનમાંથી પાણી કાઢવા માટે ખોદેલો ખાડો એવી વ્યાખ્યા પૂરતો સીમિત રહી ગયો છે. મુંબઈના ઈતિહાસમાં રુચિ ધરાવતા લોકો ચર્ચગેટના ક્રોસ મેદાન નજીક આવેલા ભીખા બહેરામના કૂવાથી પરિચિત હશે. આપણી સંસ્કૃતિમાં પાણીની પરબ, જળાશય, કુંડ કે કૂવા બંધાવવા પુણ્યનું કાર્ય કહેવાયું છે. વિક્રમ સંવતના ચોથા સૈકાથી કૂવાઓ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા હોવાની નોંધ છે. કૂવો નામ પડતા જૂનાગઢનો નવઘણ કૂવો કે મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો યાદ આવી જાય.
વડનગરનો ઝણઝણિયો કૂવો પણ ખાસ્સો જાણીતો છે અને એની એક કુદરતી અજાયબીને કારણે સંશોધકો અને સ્થપતિઓને એની મુલાકાત લેવાનું આકર્ષણ રહે છે. કૂવાના પરિસરમાં પ્રવેશતા પહેલા એક બોર્ડ દેખાય છે જેમાં ઝણઝણિયા કૂવાની જાણકારી વિશ્વની આઠમી અજાયબી તરીકે આપી છે. પીળી રેતીના પથ્થરમાંથી બનેલો 3.3 મીટર (અંદાજે 11 ફૂટ) વ્યાસ ધરાવતો કૂવો ઈજનેરી કૌશલ્યની ઘટના છે. તેના અદૃશ્ય ભૂગર્ભ ઝરણામાંથી સતત મધુર ધ્વનિ સંભળાય છે. એ અવાજ ઝણઝણ પ્રકારે સંભળાતો હોવાથી એનું નામ ઝણઝણ કૂવો- ઝણઝણિયો કૂવો પડી ગયું.