Sat Jul 18 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ દયા ડાકણને ખાય

2026-07-18 10:24:42
Author: Jaywant Pandya
Article Image

જયવંત પંડ્યા

થોડા સમય પહેલાં જર્મનીના સ્ટડ શહેરમાં માતા અને બાળકો માટેના એક કલ્યાણ કેન્દ્રમાં થયેલા ગોળીબારમાં છ સમાજસેવકનાં મૃત્યુ થયાં અને અનેક લોકો ઘાયલ થયા. જર્મન અધિકારીઓ મુજબ, શૂટર મૂળ તુર્કીનો છે. યુરોપમાં સામાન્યત: આવી વ્યક્તિની ઓળખ (પંથીય) છતી નથી કરાતી, પરંતુ સોશ્યલ મીડિયા પર દાવો છે કે ગોળીબાર કરનાર મુસ્લિમ છે. જર્મનીના મીડિયા મુજબ, અપરાધી `મીરી ક્લેન' નામના સંગઠન સાથે જોડાયેલો હતો. આ સંગઠન લેબેનીઝ, સીરિયાઈ અને તુર્કી મૂળના લોકોની એક મોટી સિન્ડિકેટ છે. આ સંગઠનનું નામ જર્મનીમાં સંગઠિત અપરાધ સાથે જોડાયેલું છે.

જર્મનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા અપરાધો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તેને `શરણાર્થીઓ દ્વારા અપરાધ'માં ખતવી દેવાય છે તો ક્યાંક તેને `સંગઠિત ગેંગ દ્વારા અપરાધ'માં. સાચી વાત ક્યાંય બહાર નથી આવતી કે તુર્કી, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ઇત્યાદિ દેશોમાંથી જેમના પર દયા ખાઈને શરણ આપવામાં આવ્યું તેવા મુસ્લિમો જ હવે `કાંડુ આપો તો હાથ પકડશું' જેવો ખેલ કરી રહ્યા છે.

હમણાં 28 જૂન 2026ના એક અહેવાલ પ્રમાણે, જર્મનીના નૂનબર્ગમાં મહિલાઓ, છોકરીઓનું યૌન શોષણ કરવા અને તેમને ડ્રગ્સના ધંધામાં ફસાવવાના આરોપસર બે પાકિસ્તાની નાગરિકો ઉપરાંત ચાર સીરિયાઈની જર્મન પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓ નૂનબર્ગ રેલવે મથક આસપાસના વિસ્તારમાં છોકરીઓ અને મહિલાઓનો વિશ્વાસ જીતતા હતા. પછી તેમને ડ્રગ્સની લત લગાડી તેમનું યૌન શોષણ કરતા હતા અને તેમને ફસાવી ડ્રગ્સના ધંધામાં લગાડતા હતા.

આ તરફ, બ્રિટનમાં વર્ષોથી ચાલતી આવતી `ગ્રૂમિંગ ગેંગ'ની સમસ્યા પર એક દળદાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 219 પાનાંના આ રિપોર્ટને `રેપ ગેંગ ઇન્ક્વાયરી રિપોર્ટ' નામ અપાયું છે. આ રિપોર્ટ વાંચતા કમકમાટી છૂટે તેવું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે દાયકાઓથી દેશનાં અલગ-અલગ શહેરોમાં સંગઠિત ગેંગ દુર્બળ અને અલ્પવયસ્ક છોકરીઓને નિશાન બનાવતી રહી છે. આ ગેંગમાં 87 ટકા મુસ્લિમો છે. તેમનો શિકાર મોટા ભાગે શ્વેત બ્રિટિશ છોકરીઓ હતી. આ કોઈ છૂટોછવાયો અપરાધ નથી, આ સમગ્ર દેશમાં ફેલાયેલું એક સંગઠિત નેટવર્ક છે જે વર્ષોથી ચાલ્યું આવે છે.

`ગ્રૂમિંગ'નો અર્થ થાય છે તૈયાર કરવું. બ્રિટનના રિપોર્ટમાં આ જિહાદીઓની મોડસ ઑપરેન્ડી (અપરાધ કરવાની રીત) પર પ્રકાશ પડાયો છે. તે પણ ભારતમાં થતી લવ જિહાદ જેવો જ છે. પહેલાં છોકરી સાથે મિત્રતા કરવી, પછી પ્રેમમાં ફસાવવી, પછી ભેટ-સોગાદો આપવી, પછી સિગરેટ અને નશાની કુટેવ પાડવી. 

રિપોર્ટમાં કહેવાયું છે કે 11થી 13 વર્ષની છોકરીઓને શાળાની બહારથી, દેખભાળ ગૃહો અને રસ્તા પરથી ટૅક્સીમાં લઈ જવાતી હતી. પછી તેમને ઘર, ફ્લૅટ, હોટલ અને રેસ્ટોરન્ટમાં લઈ જવાતી હતી. એક વાર ફસાય પછી અનેક પુરુષો વારંવાર તેના પર બળાત્કાર કરતા હતા. તેમનો વીડિયો બનાવવામાં આવતો, તેમને બ્લૅમેઇલ કરવામાં આવતી અને તેમને સતત ભયમાં રાખવામાં આવતી. તેમને  મુસ્લિમ બનવા વિવશ કરાતી. એટલું જ નહીં, પીડિતાઓને અલગ-અલગ શહેરમાં લઈ જઈ વેચી નાખવામાં આવતી!

આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત પીડિતાઓની સંખ્યાની છે. ઓછામાં ઓછી 2.5 લાખ શ્વેત છોકરીઓ આ પ્રકારના અપરાધોનો શિકાર થઈ છે. માત્ર બળાત્કાર, ડ્રગ્સ પૂરતા જ આ અપરાધો સંકળાયેલા નહોતા. તેમાં માનવ ચોરી, યાતના, ગર્ભાવસ્થા, બળજબરીથી ગર્ભપાત, બળજબરીથી મુસ્લિમ બનાવવા અને આજીવન માનસિક આઘાત લાગે તે બધાનો તેમાં સમાવેશ થતો. 

પોલીસ, સામાજિક સેવાઓ, શાળા, હૉસ્પિટલ અને સ્થાનિક પ્રશાસનને અનેક વાર ચેતવણીના સંકેત મળ્યા હતા. અનેક કિસ્સામાં તો બાળકીઓ પર થયેલા અત્યાચારના પુરાવા પણ હતા, તોય કાર્યવાહી ન થઈ! આવા અપરાધીઓને બચાવવા રાજકીય પક્ષો આગળ આવી જતા હોય છે. બ્રિટનના લેફ્ટ-લિબરલ પક્ષ- લેબર પાર્ટીનાં મુસ્લિમ સાંસદ આયેશા હઝારિકાએ `ટાઇમ્સ રેડિયો' પર બચાવ કરતાં કહ્યું કે `કેટલાક અપરાધીઓના કારણે પૂરા સમુદાયને બદનામ કરવા માગે  છે... આવા અપરાધ અટકાવવામાં પોલીસ અને સામાજિક સેવાઓની ભારે નિષ્ફળતા નીવડી  છે.

ફ્રાન્સમાં પરિસ્થિતિ જુદી છે. ત્યાં ફૂટબૉલની મૅચમાં હાર થાય તો શરણાર્થીઓ  ભારે  તોડફોટ કરી હિંસા કરે છે. જીત થાય તો પણ આવી હિંસા કરે છે ! ગઈ 30 મે 2026એ પૅરિસમાં યુઇએફએ લીગમાં પૅરિસ સેઇન્ટ જર્મેઇન (પીએસજી)નો આર્સેનલ પર વિજય થયો તે પછી જે હુલ્લડો થયાં તેમાં 200 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. 

આ હુલ્લડો 75 શહેરોમાં ફેલાયાં. 15 નગરોમાં લૂંટફાટ થઈ. સેંકડો કારોને આગમાં ભસ્મીભૂત કરી દેવામાં આવી. દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. આ હુલ્લડો માટે 900 લોકોની ધરપકડ કરવામાં આવી. જો આ લોકોનું વિશ્લેષણ કરવામાં આવે તો તે આફ્રિકી મૂળના ફ્રેન્ચ લોકો છે. તેમણે ફ્રાન્સની ઉદાર સંસ્કૃતિને અપનાવી જ નથી. 

2019માં આવી જ હિંસા થઈ હતી તે વખતે એવું કારણ અપાયું કે પીએસજી ટીમની હાર થઈ તેથી આ હિંસા થઈ, પરંતુ 2026માં તો પીએસજી જીતી. તોય હિંસા! જ્યાં સુધી બધા દેશ મત બેંકનું રાજકારણ છોડી આવા ત્રાસવાદીઓને નાથવા એકમત નહીં થાય ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું અવિરત ...