ભુજઃ ભુજમાં એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમને થાપ આપી રૂા. ૪૦ હજારની લાંચની રકમ સાથે કારમાં નાસી છૂટેલા વાયોર પોલીસ મથકના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેકટર ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ઈન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલે આખરે આત્મસમર્પણ કર્યું હતું. બે દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં એસીબી દ્વારા તેમને ભુજની કોર્ટમાં રજૂ કરી વધુ ચાર દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અદાલતે રીમાન્ડ અરજી નામંજૂર કરીને આરોપી પીએસઆઇએ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
એસીબીના જણાવ્યા અનુસાર, સરકારી પંચોની હાજરીમાં આરોપી પોલીસ કર્મીએ અરજદારને પોતાની કારમાં બેસાડીને રૂા. ૪૦ હજારની લાંચ સ્વીકારી હતી. તે દરમિયાન એસીબીની ટ્રેપની ગંધ આવી જતાં તેઓ લાંચની રકમ સાથે કાર ભગાવી ફરાર થઈ ગયા હતા. રીમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં પોતે કોઈ રકમ લીધી ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું, જેના કારણે ખાસ રસાયણયુક્ત પાઉડરવાળી ચલણી નોટો હજુ સુધી રિકવર થઈ શકી નથી.
ટ્રેપની આ ઘટના બાદ એજન્સી દ્વારા આરોપી પીએસઆઇના નિવાસસ્થાન અને બેંક લોકરની પણ સઘન જડતી લેવામાં આવી હતી, પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી નથી.
(ઉત્સવ વૈદ્ય)