Sat Jul 18 2026

Logo

ભારતમાં કોરોનાનો આતંક ફરી શરૂ, આ રાજ્યમાં 4નાં મોત, જાણો કેટલા કેસ

2026-07-18 11:29:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો આતંક ફરી શરૂ થયો છે. આંધ્રપ્રદેશમાં 4નાં મોત થયા છે, જ્યારે 20 દિવસના ગાળામાં 12 કેસ નોંધાયા છે.

આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા પ્રમાણે, જે 4 દર્દીનાં મોત થયા છે તેઓ પહેલાથી  ગંભીર બીમારીઓ જેમ કે હાઈપર ટેન્શન, ડાયાબિટીસ અને કિડનીની સમસ્યાથી પીડાતા હતા. દેશમાં હાલ 339 એક્ટિવ કેસ છે, જેમાંથી 12 આંધ્ર પ્રદેશમાં છે. કડપામાં 8, ગુંટૂરમાં 2, વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં 1-1 કેસ નોંધાયો છે.

આંધ્રપ્રદેશમાં આ વર્ષે કોરોનાનો પ્રથમ કેસ 26 જૂનના રોજ કડાપા જિલ્લામાં સામે આવ્યો હતો. ત્યારબાદ 1 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે વધુ 11 કેસ નોંધાયા છે. સંક્રમિત લોકોમાંથી બે વ્યક્તિઓની ઓળખ પહેલાથી જ કોરોના સંક્રમિત દર્દીઓના નજીકના સંપર્કમાં આવેલા લોકો તરીકે થઈ હતી.

કોરોનાના કેસમાં મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે

કમિશનરે જણાવ્યું કે 1 જુલાઈથી અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોવિડ-19ના 339 કેસ નોંધાયા છે. રાજ્યોના આંકડામાં કેરળ સૌથી આગળ છે, જ્યાં 115 કેસ સામે આવ્યા છે. કર્ણાટક 64 કેસ સાથે બીજા અને મહારાષ્ટ્ર 43 કેસ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય તમિલનાડુમાં 39, આંદામાન-નિકોબાર અને દિલ્હીમાં 18-18, તેમજ રાજસ્થાનમાં 12 કેસ નોંધાયા છે, જ્યારે બાકીના કેસ અન્ય રાજ્યોમાં સામે આવ્યા છે.

ભારતમાં કોરોનાનો ક્યારે નોંધાયો હતો પ્રથમ કેસ

કોરોના વાયરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો. 11 માર્ચ, 2020ના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી, 2020ના રોજ નોંધાયો હતો. કેરળના ત્રિશૂરની એક મેડિકલ સ્ટુડન્ટ વુહાનથી પરત ફર્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ફેબ્રુઆરી 2020માં કેરળમાં વધુ બે કેસ નોંધાયા હતા. માર્ચથી કોરોના દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાવા લાગ્યો હતો.  25 માર્ચ, 2020ના રોજ ભારત સરકારે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ પહેલાં એરપોર્ટ પર સ્ક્રીનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ક્વોરન્ટાઈન જેવા પગલાં લેવામાં આવ્યા હતા.

કર્ણાટકમાં પણ સાવચેતી

કોરોનાના નવા કેસોને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના પડોશી રાજ્ય કર્ણાટકમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. તુમકુરુ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે  જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં કોવિડ-19ના કેસો સામે આવ્યા છે.  તુમકુરુ જિલ્લાના કેટલાક તાલુકાઓ, જેમ કે પાવાગડા, આંધ્રપ્રદેશની સરહદને અડેલા છે. તેથી આગોતરા પગલાં તરીકે સાવચેતીના ઉપાયો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

કોરોનાના અનેક વેરિઅન્ટ આવી ચૂક્યા છે

અત્યાર સુધીમાં કોરોના વાયરસના હજારો વેરિઅન્ટ સામે આવી ચૂક્યા છે. તેમાંથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કેટલાક મુખ્ય વેરિઅન્ટને ખાસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જેમાં આલ્ફા (Alpha), બીટા (Beta), ગામા (Gamma), ડેલ્ટા (Delta) અને ઓમિક્રોન (Omicron) નો સમાવેશ થાય છે. ઓમિક્રોનના પણ સમય જતાં ઘણા સબ-વેરિઅન્ટ, જેમ કે JN.1, XFG અને NB.1.8.1 સામે આવ્યા છે.