Sat Jul 18 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ભારતમાં બધી ટ્રેનો હાઈડ્રોજન પર કેમ ના દોડાવી શકાય?

2026-07-18 07:44:24
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી એ સાથે જ ભારત વિશ્વમાં હાઈડ્રોજન ટ્રેન ચલાવતા સીલેક્ટેડ દેશોની યાદીમાં આવી ગયો.  હરિયાણાના જીંદગીથી સોનીપતના રૂટ પર દોડનારી આ ટ્રેનને 89 કિમી.નું અંતર કાપતાં 2 કલાક લાગશે. 10 કોચવાળી આ ટ્રેન 14 સ્ટેશનો વચ્ચે મહત્તમ 75 કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડવાની છે પણ દરેક સ્ટેશને બે-ત્રણ મિનિટ ઊભી રહેશે તેથી બે કલાકમાં પહોંચશે. 

મોદીએ હાઈડ્રોજન ટ્રેનની શરૂઆતને ભારતની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે કેમ કે, ભારત હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી ટ્રેન શરૂ કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. જર્મની, ફ્રાન્સ, સ્વિડન અને ચીનમાં અત્યારે હાઇડ્રોજન ટ્રેનો ચાલી રહી છે એવો દાવો સરકાર દ્વારા કરાયો છે જ્યારે ઈન્ટરનેટ પર સર્ચ મારો તો સાત-આઠ દેશોમાં હાઈડ્રોજન ટ્રેન દોડતી હોવાની માહિતી અપાય છે. આ મુદ્દો મહત્વનો નથી પણ મહત્ત્વની વાત એ છે કે, જે પણ દેશોનાં નામ અપાય છે એ બધા વિકસિત દેશો છે તેથી ભારત પણ વિકસિત દેશોની ક્લબમાં આવી ગયું છે. 

ભારત પણ વિકસિત દેશોની હરોળમાં આવી ગયો એવું બતાવવા માટે હાઈડ્રોજન ટે્રનની સિદ્ધિનાં ગુણગાન ગાવામાં કંઈ ખોટું નથી પણ પ્રેક્ટિકલી હાઈડ્રોજન ટે્રનનો વિકલ્પ ભારત માટે બહુ ફાયદાકારક નથી. તેનું કારણ ભારતીય રેલવેનો વ્યાપ અને બ્રોડગેજ લાઈનોમાં લગભગ 100 ટકા ઈલેકિટ્રફિકેશન છે.  એક સમયે ભારતમાં ટ્રેનોનાં એન્જિન ડીઝલ પર દોડતાં ને ઈલેક્ટ્રિસિટી પર ચાલતી ટ્રેનો બહુ ઓછી હતી. ઘણે ઠેકાણે તો સ્ટીમ એન્જિન પર ચાલતી ટ્રેન એટલે કે આગગાડી પણ ચાલતી હતી. 

ડૉ. મનમોહનસિંહની સરકારના સમયમાં ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે રેલવેના નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન કરવાનો નિર્ણય લેવાયો પછી ધીરે ધીરે ડીઝલ એન્જિનોની બાદબાકી થતી ગઈ. અત્યારે પહાડી વિસ્તારોમાં કે પછી બ્રોડગેજ ના હોય એવી લાઈનો સિવાય ભારતમાં બહુ ઓછી રેલવે લાઈન એવી બચી છે કે જેનું ઈલેક્ટ્રિફિકેશન નથી થયું. 

ડૉ. મનમોહનસિંહની સરકાર વખતે રેલવેના ઈલેક્ટ્રિફિકેશનનું કામ ધીમી ગતિએ થયું ને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેમાં જબરદસ્ત તેજી આવી એવું સરકારી આંકડા કહે છે. ડૉ. મનમોહનસિંહના શાસન દરમિયાન એટલે કે 2004થી 2014 વચ્ચે દરરોજ 1.42 કિલોમીટર લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન થયેલું. તેની સામે મોદીના શાસનમાં દરરોજ 15 કિલોમીટર લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન થયું છે. તેના કારણે અત્યારે બ્રોડગેજ લાઈનમાંથી 99.6 ટકા એટલે કે લગભગ 100 ટકા નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે. મતલબ કે, બ્રોડગેજ લાઈનો પર હવે ડીઝલ એન્જિનો જોડાવવાની જરૂર નથી. 

અત્યારે દેશમાં રાજસ્થાન, તમિલનાડુ, કર્ણાટક, આસામ અને ગોવા એ પાંચ રાજ્યોમાં જ કેટલાક સાવ નાના નાના રૂટનું ઈલેક્ટ્રિફિકેશન બાકી છે. એ સિવાય આખા દેશમાં બ્રોડગેજ લાઈનોનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું હોવાથી વીજળીથી ચાલતી ટે્રનો દોડાવી શકાય છે. ભારતમાં કુલ રેલવે માર્ગની લંબાઈ 1.32 લાખ કિલોમીટર છે ને તેમાંથી લગભગ 50 ટકા એટલે કે 64 હજાર કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે તેથી બ્રોડગેજ સિવાયના રૂટ પર પણ ડીઝલ એન્જિનથી ચાલતી ટ્રેનો દોડાવવાની જરૂર જ ના પડે એ દિવસો દૂર નથી. 

હવે મોદી સરકારે પોતે અબજોનું આંધણ કરીને રેલવેનું રેલવેના ઈલેક્ટ્રિફિકેશનનું કામ કરાવ્યું છે ત્યારે તેને કોરાણે મૂકીને હાઈડ્રોજન પર ચાલતી ટ્રેનો દોડાવવાની મૂર્ખામી ના જ કરે ને? હાઈડ્રોજન કરતાં ઈલેક્ટ્રિસિટી પર ચાલતી ટ્રેન સસ્તી પડે છે અને વધારે સ્પીડે ભાગે છે એ પણ હાઈડ્રોજન ટ્રેન તરફ નહીં વળવા માટેનું એક કારણ છે. અત્યારે ચાલુ થયેલી હાઈડ્રોજન ટ્રેન મહત્તમ 75 કિલોમીટરની સ્પીડે ભાગે છે જ્યારે ઈલેક્ટ્રિસિટી પર ચાલતી ટ્રેન રમતાં રમતાં કલાકના 120 કિલોમીટરની સ્પીડે ભાગે છે. 

રેલવે તો વંદે ભારત સહિતની ટ્રેનોને કલાકના 180 કિલોમીટરની સ્પીડે ભગાવવા માગે છે જ્યારે હાલની હાઈડ્રોજન ટ્રેનની મહત્તમ સ્પીડ 110 કિલોમીટર જ છે. ભારત પાસે હાઈડ્રોજન સારા પ્રમાણમાં છે પણ આખા દેશમાં ટ્રેનો દોડાવી શકાય એટલો હાઈડ્રોજન સતત મળતો રહે કે કેમ તેમાં શંકા છે. હાઈડ્રોજનનું વીજળી જેવું નથી કે સ્વિચ પાડો એટલે વીજળી મળવા માંડે. હાઈડ્રોજનના ટ્રાન્સપોર્ટેશન માટે પણ ખાસ વ્યવસ્થા કરવી પડે ને તેમાં પણ ખર્ચ વધી જાય. આ બધાં કારણોસર હાઈડ્રોજન ટ્રેન શો-પીસ તરીકે બરાબર છે પણ ભારતીય રેલવેમાં છવાઈ જાય એ શક્ય નથી. બહુ બહુ તો નાના નાના રૂટ પર કે હેરરીટેજ રૂટ પર હાઈડ્રોજન ટ્રેનો દોડાવી શકાય, બાકી સુપરફાસ્ટ ટ્રેનો હાઈડ્રોજન પર ના દોડી શકે. 

મોદી સરકારે રેલવેના ઈલેક્ટ્રિફિકેશનનું કામ સુપર સ્પીડે કરાવીને સારું કામ કર્યું છે એ જોતાં ખરેખર તો નવા રસ્તા અપનાવવાની કે અજમાવવાની પણ જરૂર નથી. જરૂર માત્ર પૂરતા પ્રમાણમાં વીજળી પેદા થયા કરે ને ટ્રેનોને મળતી રહે એવી વ્યવસ્થા કરવાની છે. વીજળી પેદા કરવા માટે કોલસા કે ડીઝલનો ઉપયોગ થાય છે તેના કારણે પ્રદૂષણની સમસ્યાઓ થાય છે એ સાચું પણ મોદી સરકાર પ્રદૂષણ ઘટાડીને વીજળી પેદા કરવાની દિશામાં પણ કામ કરી જ રહી છે. 

સોલાર એનર્જી, વિન્ડ પાવર વગેરે રિન્યૂએબલ ક્લીન એનર્જીનું પ્રમાણ વધારીને એ જોખમ પણ ઘટાડાઈ રહ્યું છે. હમણાં ઓસ્ટ્રેલિયા સાથે કરેલા કરારના કારણે સતત યુરેનિયમ મળતું રહે તો પરમાણુ ઊર્જા પણ જંગી પ્રમાણમાં પેદા થશે તેથી વીજળીની બહુ સમસ્યા નથી. ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી માંડીને માલની હેરફેર સહિતનું બધું રેલવે પર નિર્ભર છે એ જોતાં ભારતમાં બીજા અખતરા કરવા જેવા પણ નથી. 

દુનિયામાં ઘણા દેશો પાસે હાઈડ્રોજન ટ્રેન છે પણ કોઈ દેશે હાઈડ્રોજનને મુખ્ય ફ્યુઅલ નથી બનાવ્યું. જર્મનીએ 2018માં દુનિયાની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવી હતી પણ તેનો ઉપયોગ વધાર્યો નથી. શરૂઆત કરી હતી એ એક જ રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડાવાય છે. અમેરિકામાં 2025માં હાઈડ્રોજન ટ્રેન શરૂ કરાઈ પણ પ્રદૂષણની સમસ્યા ખરાબ છે એ એક જ રૂટ પર દોડાવાય છે. 

જાપાને 2022માં હાઈડ્રોજન ટ્રેનનો ટ્રાયલ રન ચલાવ્યો પણ નિયમિત રીતે ઉપયોગ નથી કરાતો. ચીનમાં બે રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડે છે જ્યારે કેનેડામાં તો માલસામાનની હેરફેર માટે જ હાઈડ્રોજન ટ્રેન વપરાય છે. દક્ષિણ કોરિયાએ પણ હાઈડ્રોજન ટ્રેનના ટ્રાયલ રન કર્યા છે પણ હજુ ચાલુ કરી નથી. 

આ બધા દેશો હાઈડ્રોજન ટ્રેન તરફ નથી વળતા તેનું કારણ વધારે ખર્ચ અને ફ્યુઅલની મર્યાદિત ઉપલબ્ધતા જ છે. ભારત પણ આ વાસ્તવિકતાને સ્વીકારીને હાઈડ્રોજન ટ્રેન તરફ બહુ નહીં વળે. શો-પીસ જેવા પાંચ-સાત રૂટ પર ચલાવાશે પણ રેલવેની આખી સિસ્ટમ હાઈડ્રોજન ટ્રેનથી ચાલે એવું કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો નહીં જ બને.