જૂનાગઢઃ થોડા દિવસ પહેલાં ગીરનાર પર્વત ઉપર 50 પગથિયેથી 12 વર્ષીય છોકરાને સિંહ ઉપાડી ગયો હતો. જંગલમાંથી બાળકનાં હાડકાં મળ્યા હતા. નજર સમક્ષ જ વ્હાલસોયાને સિંહે લઈ જતાં પરિવારજનોએ ચીસાચીસ કરી હતી. જે બાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના થોડા અવશેષો હાથ લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગીરનારની મુખ્ય સીડીની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ આજથી ગીરનાર પર જવું હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગીરનાર ચઢતાં દરેક લોકોએ તેમની સાથે કોઈપણ એક ID પ્રૂફ રાખવું પડશે.
જાણો કઈ રીતે કરાવી શકાશે રજિસ્ટ્રેશન ?
ગીરનારમાં આજથી ઈન - આઉટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે મુજબ અહીં આવતાં દરેક લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ક્યુઆર કોડ સ્કેન કરવો પડશે અથવા https://Register.bhavnathtemple.com લિંક ઓપન કરીને જરૂરી વિગતો ભરવી પડશે. જેમાં નામ, મોબાઈલ નંબર ખાસ લખવા પડશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ દરમિયાન એક ID પ્રૂફ પણ રાખવું પડશે અને તેની વિગત પોર્ટલમાં સબમિટ કરવી પડશે. જે બાદ પોર્ટલ પર ઈન ઓપ્શન સિલેક્ટ કરીને એન્ટ્રી કન્ફર્મ કરો, ત્યાર બાદ પોર્ટલ ફરીથી ઓફન કરી આઉટ ઓપ્શન પર ક્લિક કરો. આ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેમની પાસે સ્માર્ટફોન નથી અથવા ઓનલાઈન ફોર્મ ભરતા નથી આવડતું તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં હાજર સરકારી અને વન વિભાગનો સ્ટાફ સ્થળ પર જ ઓફલાઈન રજિસ્ટ્રેશન બિલકુલ મફત અને સરળતાથી કરી આપશે.
ક્યાં ID પ્રૂફ ચાલશે ?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગીરનાર પર જવા માટે રજિસ્ટ્રેશન કરાવનારા દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ID પ્રૂફ રાખવું પડશે. જેમકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા અન્ય પુરાવાઓ. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
રોપવે થી જતા યાત્રિકોને પણ લાગુ પડશે?
આ નવી રજિસ્ટ્રેશન વ્યવસ્થા ગીરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે. એટલે કે નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય તમામ લોકોને લાગુ પડશે.