Sat Jul 18 2026

Logo

અંબાલાલની ધમાકેદાર આગાહી: જાણો રાજ્યમાં ક્યારથી જામશે અષાઢી માહોલ?

2026-07-18 08:24:06
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે છતાં રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા નથી. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં ટૂંક સમયમાં જ ફરીથી સારો વરસાદ શરૂ થશે. અંબાલાલની આગાહી મુજબ, હાલ વીજળીવાળા વાદળો ઓછા હોવાથી 20 જુલાઈ સુધી રાજ્યમાં ફક્ત હળવો વરસાદ પડશે. 21 જુલાઈથી વાતાવરણ બદલાશે અને વરસાદનું જોર ઘટશે. 22 થી 30 જુલાઈ વરસાદની એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડશે.

ક્યા વિસ્તારોમાં પડશે વધુ વરસાદ

અંબાલાલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.  સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્ર અને જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલના કહેવા પ્રમાણે, 17 જુલાઈ પછી અક્ષતરા નક્ષત્ર બેસી ગયું છે અને 20 જુલાઈ પછી જે વરસાદ આવશે તેનું પાણી ખેતીના પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

રાજ્યમાં 31 ટકા વરસાદની ઘટ

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. , રાજ્યમાં અત્યાર સુધી માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 9.64 ઇંચ  વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 3 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધારે, સાત તાલુકામાં 1 ઇંચથી વધારે અને 84 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ, સોજીત્રામાં 1.97 ઇંચ, ઘોઘંબામાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1.42 ઇંચ, પલસાણામાં 1.42 ઇંચ, વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, બારડોલીમાં 0.98 ઇંચ, સિનોરમાં 0.87 ઇંચ, બરવાળામાં 0.83 ઇંચ, પારડીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.