અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો 26 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે તેમ છતાં હજુ 4 તાલુકા કોરાધાકોર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 26.02 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 3.42 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા, પૂર્વ મધ્યમાં 18.68 ટકા, સૌરાષ્ટ્રમાં 28.9 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 36.71 ટકા વરસાદ વરસ્યો છે.
કયા તાલુકા છે કોરાધાકોર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા કોરાધાકોર છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 0.31 ટકા વરસાદ પડ્યો છે. ભુજમાં 0.42 ટકા, નખત્રાણામાં 0.82 ટકા જ વરસાદ વરસ્યો છે.
અમદાવાદની શું છે સ્થિતિ
અમદાવાદ શહેરમાં 10.90 ટકા, બાવળામાં 8.07 ચકા, દસ્ક્રોઈમાં 8.63 ટકા, દેત્રોજ-રામપુરામાં 22.11 ટકા, ધંધુકામાં 56.93 ટકા, ધોલેરામાં 16.52 ટકા, ધોલકામાં 9.04 ટકા, માંડલમાં 24 ટકા, સાણંદમાં 20.15 ટકા તથા વિરમગામમાં 23.01 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 19.95 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 9.64 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.
23 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે. 21થી 23 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં થોડી વધુ જગ્યાઓ પર વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ યથાવત્ રહેશે.