Sat Jul 18 2026

Logo

તસવીરની આરપારઃ આધુનિક યુગમાં માટીકલા

2026-07-18 09:34:00
Author: Bhatti N
Article Image

ભાટી એન.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓટોમેશન અને ડિજિટલ ટેક્નોલોજીના આ યુગમાં જીવનની ગતિ સતત વધી રહી છે. આજે કોમ્પ્યુટર પણ ઘણી વખત જૂનું લાગે છે અને 24 કલાક મોબાઇલ હાથમાં હોવા છતાં સમય ઓછો પડે છે. આવા આધુનિક સમયમાં પણ હજારો વર્ષ જૂની માટીકલા માત્ર જીવંત જ નથી, પરંતુ નવી ટેક્નોલોજી સાથે વધુ સમૃદ્ધ બની છે. 

એક સમય હતો જ્યારે કુંભાર (પ્રજાપતિ) સમાજના કારીગરો હાથથી ચાકડા પર ગોળા, તાવડી, પાટીયું, કુયડી, ઘડા અને દીવા બનાવતા હતા. લાકડાં અને છાણાની ભઠ્ઠીમાં વાસણો પકવાતા હોવાથી ધુમાડો પણ ઘણો થતો. આજે એ જ કલા આધુનિક મશીનો, મોલ્ડ અને ગેસ ભઠ્ઠીઓ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે.

ભારતીય સંસ્કૃતિમાં માટીકલાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના હડપ્પા અને મોહેંજો-દડોમાંથી મળેલાં માટીનાં વાસણો, રમકડાં અને મૂર્તિઓ સાબિત કરે છે કે આપણા પૂર્વજો માટીકલામાં ખૂબ જ નિપૂણ હતા. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કુંભાર (પ્રજાપતિ) સમાજે આ પરંપરાને પેઢી દર પેઢી જાળવી રાખી છે. એક સમયે ઘરના દરેક કામ માટે માટીનાં વાસણો અનિવાર્ય હતા. માટીના ઘડા પાણી ઠંડું રાખતા, માટીની તાવડીમાં બનતી રોટલીનો સ્વાદ અલગ જ ગણાતો અને દીવડા દરેક તહેવારની શોભા વધારતા.

માટી ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખભાઈ પ્રજાપતિ જણાવે છે કે આજે માટીકલામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. હવે હાથના ચાકડા ઉપરાંત મોલ્ડ અને પ્રેસ મશીન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વાસણો તૈયાર થાય છે. 

આધુનિક ગેસથી ચાલતી ભઠ્ઠીઓમાં વાસણો પકવાતા હોવાથી ઉત્પાદન પણ વધી ગયું છે અને ધુમાડા જેવી પ્રદૂષણની સમસ્યા પણ લગભગ નથી. આજની માટીકલા માત્ર પરંપરાગત વાસણો સુધી સીમિત રહી નથી; માટીનું ફ્રિજ, વોટર ફિલ્ટર, નોન-સ્ટિક તવી, બોટલ, બાઉલ, થાળી, વાટકી, પ્યાલા, ડેકોરેટિવ ટાઇલ્સ, ગાર્ડન પોટ્સ અને અનેક ઉપયોગી તેમ જ કલાત્મક ઉત્પાદનો આજે વિશ્વભરમાં લોકપ્રિય બની રહ્યા છે.

આધુનિક યુગમાં પરંપરા અને ટેક્નોલોજીનું સુંદર સંયોજન જ માટીકલાની સાચી ઓળખ બની રહ્યું છે. પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે લોકો ફરીથી કુદરતી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વળી રહ્યા છે.
 
માટીનાં વાસણો સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ભારતીય સંસ્કૃતિ ત્રણેયનું સંરક્ષણ કરે છે. એટલા માટે કહી શકાય કે AI અને આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ માટીકલાની મહેક ક્યારેય ઓછી થવાની નથી. સમય સાથે બદલાતી આ કલા આજે માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતીક બની રહી છે.