Sat Jul 18 2026

Logo

ભાત ભાત કે લોગઃ ગર્લ્સ ટુ બાય: ગરીબી-લાલચ ને મહત્ત્વાકાંક્ષાના આ છે બધા ખેલ

2026-07-18 08:46:17
Author: Jwalant Nayak
Article Image

જ્વલંત નાયક

બેરોજગારી અને ગુનાહિત પ્રવૃત્તિઓને એકબીજા સાથે સાંકળીને જોવામાં આવે છે. જ્યાં બેરોજગારી વધુ હોય ત્યાં આજીવિકા માટે વલખાં મારતા યુવાનો ગુનાખોરી તરફ ધકેલાય અને પછી એ વિષચક્ર સતત ચાલતું રહીને આખા સમાજને ભરડો લે.  જોકે અતિ પ્રચલિત એવી આ માન્યતા આપણે ધારીએ છીએ એટલી હદે સાચી નથી. આર્થિક સમૃદ્ધિ આવ્યા પછી પણ માણસની ગુનાહિત માનસિકતા અને બીજાનું શોષણ કરવાની પરપીડનવૃત્તિ ઘટતી નથી. બલકે ક્યારેક તો આવી પ્રવૃત્તિઓ આર્થિક સમૃદ્ધિ વધતા ચરમસીમાએ પહોંચી હોય એવા દાખલા ઠેર ઠેર જોવા મળશે.

કહે છે કે વેશ્યાવૃત્તિ એ દુનિયાનો સૌથી જૂનો વ્યવસાય છે. તમે ગમે તે કરો, પણ માનવનું અસ્તિત્વ છે ત્યાં સુધી પૃથ્વીના પટ પરથી વેશ્યાવૃત્તિ નાબૂદ થવી દુષ્કર છે. વેશ્યાવૃત્તિને રિફાઈન્ડ કરવા છતાં અત્યંત ક્રૂર સ્વરૂપ એટલે ગ્લેમરના અંચળા હેઠળ થતી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી. ગરીબ મહિલાઓ અને બાળકો જબરદસ્તી વેશ્યાવૃત્તિમાં ધકેલાય એ સમજી શકાય. જ્યારે ભૂખે ન મરતી હોય એવી મિડલ ક્લાસ (અને ક્યારેક તો શ્રીમંત સુધ્ધાં) માનુનીઓ તો ગ્લેમરની ચમકદમકના ચક્કરમાં આ ક્ષેત્રેમાં પ્રવેશી જાય છે. પોલેન્ડ અને મિડલ-ઈસ્ટ દેશો વચ્ચેનું કથિત કનેક્શન આનું મોટું ઉદાહરણ છે.

એક સમયે મધ્ય-પૂર્વના શ્રીમંત આરબ દેશોની સેક્સ માર્કેટમાં આફ્રિકા અને બીજા ગરીબ એશિયન દેશોમાંથી આવતી યુવતીઓનું પ્રમાણ વધુ હતું. ગોરી ચામડીને નામે રશિયા-યુક્રેનની મહિલાઓ દેખાતી. આ પરિસ્થિતિ વિશે કોઈને ઝાઝી નવાઈ પણ નહોતી, પણ હવે એ વાત જગજાહેર થઇ રહી છે કે મિડલ-ઈસ્ટના શ્રીમંત આરબોને પૂર્વીય યુરોપના સુખી-સમૃદ્ધ ગણાતા દેશોમાંથી પણ આવી જોઈતી `સેવા' પ્રાપ્ત થાય છે. 2021 પછી આ મામલે પોલેન્ડનું નામ વારંવાર લેવાતું રહે છે.

થોડા સમય પહેલા એપ્સ્ટીન ફાઈલ્સ મામલે આખી દુનિયા ઉપર-નીચે થઇ ગઈ. આવું જ એક સ્કેન્ડલ દુબઈને નામે ય ચડ્યું છે, જેના વિષે ખાસ ચર્ચા નથી થઇ. પણ 2021માં આવેલી એક પૉલિશ ફિલ્મ આ જ સ્કેન્ડલ પર આધારિત હોવાની વાત ઊડી. ફિલ્મનું અંગ્રેજી નામ છે `ગર્લ્સ ટુ બાય'. નામ પરથી જ ખ્યાલ આવશે કે ફિલ્મમાં એવી છોકરીઓની વાત હતી જેમને ખરીદી શકાય! ફિલ્મ કંઈ ખાસ સામાજિક ઉદ્દેશ સાથે બનાવવામાં નહોતી આવી, બલકે એક મનોરંજક મસાલા ફિલ્મ જેવી જ એ ફિલ્મ છે. પણ એમાં પોલેન્ડની ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ચાલતો સેક્સ ટે્રડ બરાબર હાઈલાઈટ થઇ ગયો.

પોલેન્ડ આજે યુરોપની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાય છે. અહીં બેરોજગારીનો દર લગભગ 3 ટકા આસપાસ છે, જે યુરોપમાં સૌથી નીચા દરો પૈકીનો એક છે. 2026માં પોલેન્ડનો GDP વૃદ્ધિ દર આશરે 3.5 ટકા રહેવાનો અંદાજ છે, જે ઘણા યુરોપિયન દેશોની સરખામણીએ સારો છે. આ વૃદ્ધિમાં ઘરેલુ વપરાશ અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા મળતા રોકાણોનો મોટો ફાળો છે. ટૂંકમાં પોલેન્ડ એક એવો દેશ છે જ્યાં ગરીબીને કારણે પ્રજાએ લોહીના વેપારમાં ધકેલાવું પડે એવી સ્થિતિ બિલકુલ નથી.

આવા માહોલ વચ્ચે હવે વાત કરીએ પોલેન્ડની ગ્લેમર ઇન્ડસ્ટ્રીની. ગ્લેમર ઇન્ડસ્ટ્રી એટલે ફિલ્મો, ટીવી શોઝ, મોડેલિંગ વગેરેની ચમકદમકવાળી દુનિયા. બોલિવૂડથી માંડીને હોલિવૂડ સુધી આ ઇન્ડસ્ટ્રી ન કરવાં જેવાં કામ માટે કુખ્યાત છે. આ ઇન્ડસ્ટ્રી સાથે પ્રોપોગેન્ડાથી માંડીને હવાલા કૌભાંડ કે જાસૂસી સહિતની કથાઓ-સત્યઘટનાઓ જોડાયેલી છે અને પૉલિશ ગ્લેમર ઇન્ડસ્ટ્રી પણ એમાંથી બાકાત નથી.

એપ્સ્ટીન ફાઈલ્સ વખતે ય પોલેન્ડ સંબંધિત કેટલીક માહિતી, સંપર્કો અને સંભવિત લીડ્સ મળી હતી. તેના આધારે પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે તપાસ માટે વિશેષ ટીમ બનાવી. પોલેન્ડના પ્રોસિક્યુટરોએ 2009થી 2019 દરમિયાન પોલેન્ડના નાગરિકોને ખોટા રોજગારના બહાને વિદેશ લઈ જઈને જાતીય શોષણ કરાતું હોવાની શંકાના આધારે સત્તાવાર તપાસ શરૂ કરી છે. આ તપાસ હજુ ચાલુ છે. મોડેલિંગ અથવા ટેલેન્ટ રિક્રૂટમેન્ટના નામે પોલેન્ડમાંથી યુવતીઓની ભરતી કરીને એપસ્ટીનના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી કે નહીં, એ અંગે પણ તપાસ ચાલુ છે. એમાં હજુ સુધી અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી.

હવે એ જાણો કઈ રીતે સર્જાય છે આ આખો ઘટનાક્રમ?

આ વિશે તપાસ સમિતિઓ ખાસ કશું ઉકાળી શકતી નથી, એનો અનુભવ બધાને છે જ. પણ સરકારે આવું કશુંક કરવું પડે એ જ દર્શાવે છે કે બધું સમુંસૂતં નથી. મોડેલિંગ કે ફિલ્મ સહિતના ગ્લેમર્સ ફિલ્ડમાં નસીબ અજમાવવા માટે હજારો છોકરીઓ તૈયાર હોવાની. અમુક વચેટિયાઓ જેમાં ઘણી મોડેલિંગ કંપનીઝ પણ સામેલ છે  સુંદર છોકરીઓ પાસે પોર્ટફોલિયો મગાવે છે. 

એની આર્થિક સ્થિતિ કેવી છે અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છવાઈ જવા માટે એ કઈ હદે જઈ શકે છે, એ તમામ વાતનો તાગ કાઢી લેવાય છે અને પછી કોઈક મોટી ઇવેન્ટ અથવા કોઈક મોડેલિંગ એસાઈન્મેન્ટના ભાગ તરીકે આવી છોકરીઓને મિડલ-ઇસ્ટના કોઈ દેશમાં મોકલવામાં આવે છે. ત્યાંની ચમકદમક અને નાણાંની રેલમછેલથી આકર્ષાઈને કેટલીક ક્નયાઓ સ્વેચ્છાએ તૈયાર થઇ જાય તો કેટલીક ક્નયાઓ સાથે વળી પાસપોર્ટ ખોવાઈ જવાથી માંડીને સામાન ચોરાઈ જવા સુધીની `ચોક્કસ ઘટનાઓ' બને. અંતે યુવતીએ કાયદાના ડરે કે અજાણ્યા મુલકમાંથી બહાર નીકળવા માટે થઈને ય ઘણા કોમ્પ્રોમાઈઝ કરવાનો વારો આવે.

ખેર, એપ્સ્ટીન ફાઈલ્સના ઘટનાક્રમથી માંડીને ગર્લ્સ ટુ બાય જેવી ફિલ્મો સાબિત કરે છે કે સ્ત્રીઓને નર્કમાં ધકેલવાના અનેક રસ્તા છે. અને દર વખતે ગરીબી જ જવાબદાર નથી હોતી. મહત્ત્વાકાંક્ષા અને લાલચ પણ જવાબદાર હોય છે.