માવજી મહેશ્વરી
એ સરળ સ્ત્રીને એ વિચાર પણ નહોતો આવ્યો કે તેના ખોળામાં રમતી બાળકી મોટી થઈ પોતાના બાપ વિશે પૂછશે ત્યારે પોતે શો જવાબ આપશે...
મારી કિસ્મત તો જુઓ કે હું એક જગ્યાએ જન્મી, બીજી જગ્યાએ આંખો ખોલી અને ક્યાંક ત્રીજી જ જગ્યાએ મોટી થઈ. નો ડાઉટ કે આજે મારી ઓળખ અને સ્ટેટ્સ છે તે બિલકુલ મારા પપ્પાના થકી છે. જો પપ્પા મક્કમ ન રહ્યા હોત, તો હું ક્યાં હોત તે વિચારે ધ્રુજી જાઉં છું. અમે કોટાથી જયપુર આવી ગયા. જયપુરમાં અમને કોઈ ઓળખતું નહોતું.
`એક મિનીટ. તમારા મમ્મીનાં દેખીતાં લગ્ન તો થયા નહોતા. તો કોઈએ મમ્મીની પ્રેગ્નન્સી બાબતે કોઈ સવાલ નહોતો કર્યો?'
`સનત મારો જન્મ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ વિચિત્ર છે. વાસ્તવમાં મારા નાનાને કોઈ પરિવાર જ નથી. મારા નાનાની મા એમને આંગળિયાત લાવી હતી. એમની મા સાથે લગ્ન કરનાર પુરુષે પછી મારા નાનાને કાઢી મૂક્યો હતો. મારા નાના રખડી રવડીને મોટા થયા. એ બિકાનેર બાજુના છે. મારી નાની પુસ્કરની છે. એક મેળામાં બંનેની આંખો મળી અને નાના નાનીને ભગાવી ગયા હતા. એટલે નાનીને પણ કોઈ પરિવાર નથી. સમજાય છે કે આ બધું કેમ થયું? નહીંતર કંઈ એમ કોઈ છોકરી નવ મહીના ખુલ્લી ફરી શકે?'
`તમે છેલ્લે ક્યારે તમારા નાના નાનીને મળ્યા છો?'
`ઘણાં વર્ષ થયાં. જોકે કોઈને ખબર નથી કે હું એમને મળી છું. હવે અમારી વચ્ચે કોઈ કોન્ટેકટ પણ નથી. વળી મારા બેય મામા પરણી ગયાં છે, એમને ત્યાં છોકરા છે. હવે સંબંધ રાખવો એમના માટે મુશ્કેલી પેદા કરે તેમ છે. મારા પપ્પા અમને મુંબઈ લઈ આવ્યાં પછી એ પરિવાર સાથે લગભગ નાતો રહ્યો જ નથી એમ કહીએ તો ચાલે. જોકે મારા પપ્પાએ નાના નાનીને તે વખતે જ કહી દીધુ હતું, હું ગંગાને મુંબઈ લઈ જાઉં છું, પણ તમે કદી મુંબઈ આવતાં નહીં.
મારી મમ્મી સારૂ થઈને નાના નાનીએ એ શરત સ્વીકારી લીધી હતી. મમ્મીએ પણ મુંબઈ આવ્યા પછી કદી મારા પપ્પાને કહ્યું નહોતું કે તેને માવતરે જવું છે. એ જુદી માટીની સ્ત્રી હતી. રાજસ્થાન જેવા ભાવુક પ્રદેશની, ઓછું ભણેલી સ્ત્રી જ્યારે કોઈ મોટા ઘરની વહુ બનીને આવે ત્યારે બે સ્થિતિ થાય. કાંતો એ છકી જાય અથવા મુંઝાઈ મરે. મારી મમ્મી છકી જાય તેવી નહોતી. એ માલેતુજાર ઘરની એટીકેટ અને વ્યવ્સ્થાઓમાં મૂંઝાતી. ત્યાં પપ્પા સિવાય એને પડખે કોઈ જ નહોતું.'
`તમે કેવી રીતે મુંબઈ પહોંચ્યાં?'
`આજે મારા પપ્પા અને મમ્મીની સ્ટોરી વિશે વિચાં છું તો મને બેય તરફ માન જાગે છે. મારા પપ્પા પૈસાદાર હતા તેમ છતાં તેમણે મારી માને છોડી નહોતી દીધી અને મારી માએ કદી કોઈ જીદ્દ કરી નહોતી.'
`પેલી ટેલીફોનવાળી ઘટના પછી તમારા દાદાએ તમારા પપ્પાને કંઈ પુછ્યું નહોતું?'
`દાદા એલર્ટ થઈ ગયા હતા. એમણે તો મારા નાનાને જેટલા રૂપિયા જોઈતા હોય તેટલા આપી લપમાંથી જાન છોડાવી લેવાનું કહી દીધેલું. મે તમને કહ્યું ને કે સામાન્ય રીતે ઝવેરીઓના ઘરમાં ન હોય તેવી કેટલીક બાબતો મારા ઘરમાં હતી. તમને નવાઈ લાગશે. રાતે દાદા અને મારા પપ્પા બેય ડ્રીન્ક સાથે લેતા. બે પેગ પેટમાં જાય એટલે મારા પપ્પાની જીભ છુટી જતી. એ મારી અને મારી મમ્મીની લવારીએ ચડી જતા. પણ દાદા પાકા ખેલાડી હતા. એમને બીક હતી કે મારી મમ્મી ગમે ત્યારે મને લઈને મુંબઈ આવી જશે.
મારા પપ્પાને મારી મમ્મીનું ખેંચાણ એવું ને એવું જ હતું. એ ખેંચાણ જ એમને રાજસ્થાન લઈ આવતું. એટલે એકવાર મારા દાદા અને પપ્પા બેય સામસામે આવી ગયેલા. પપ્પાને દલીલો કરવી, ઝગડવું ગમે નહીં. એમણે કંટાળીને કહી દીધું, હું ગંગાને નહી મૂકું. તમને ન ગમતું હોય તો હું કાયમ માટે રાજસ્થાન ચાલ્યો જાઉં. દાદા જમાનાના ખાધેલ હતા. તેમણે પપ્પાને ગંભીરતાથી કહ્યું કે, તારે ત્યાં જે કરવું હોય તે કરજે, પણ એ વાતની અહીં કોઈને ખબર ન પડવી જોઈએ. અને એ છોકરી તારી છે એવું કહેવાની એ લોકોની હિમત ન થવી જોઈએ.'
`તમારા દાદાને કદી તમારૂં મોં જોવાની ઈચ્છા નહોતી થઈ?'
`લે કેવી વાત કરો છો? એ તો એમ જ સમજતા હતા કે મારા પપ્પા એક નંબરના મૂર્ખ છે. એમને એ વાતની બીક હતી કે ક્યાંક મમ્મી કોર્ટમા દાવો ન કરે કે હું મોહનલાલની પત્ની છું. એક યોગાનુયોગ હતો કે મારા જન્મ પછી પપ્પાને ધંધામાં મોટી સફળતાઓ મળવા લાગી. એમણે એમ જ માની લીધું કે આ બધું મારા આવવાને કારણે થયું છે. સનત હું અમુક અંશે નાસ્તિક છું. તેમ છતાં ભાગ્યમાં માનુ છું. આ બધા ભાગ્યના ખેલ છે. એવું નહોત તો હું મુંબઈ કદી પહોંચત નહીં અને તમે આજે મને મળ્યા ન હોત.
નશીબ એક પછી એક પાસાં નાખતું જતું હતું. મારી મમ્મીએ મન મનાવી લીધું હતું કે તેણે બસ આમ જ જિંદગી કાઢવાની છે. એ સરળ સ્ત્રીને એ વિચાર પણ નહોતો આવ્યો કે તેના ખોળામાં રમતી બાળકી મોટી થઈ પોતાના બાપ વિશે પૂછશે ત્યારે પોતે શો જવાબ આપશે. મારી માને આવા વિચાર શા માટે નહોતા આવ્યા તે હવે સમજાય છે.'
`પણ સોનલ કોઈ સ્ત્રી આટલી હદે ભોળી કે સરળ હોઈ શકે?'
`હું એટલે તો મારા પપ્પાને માફ કરી દેવા તૈયાર છું. મારા પપ્પાએ મારી માના ખાતામાં તેમણે તે સમયે ખાસ્સી કહી શકાય એવી રકમ નાખી દીધેલી. એટલું જ નહીં મમ્મી અને મારા માટે એકદમ ઉંચી બ્રાંડના કપડાં અને ચીજ વસ્તુઓ આવતી. જે પુરુષ આટલું કરતો હોય તે વિશે સ્ત્રીને નબળો વિચાર ન આવે. વળી મારી માએ પોતાની કિસ્મતને સ્વીકારી લીધી હતી. તેમ છતાં બાકાયદા એમના ઘરમાં પત્ની બનીને રહેવાનું લખાયું હતું. કુદરતે એકાએક બાજીને પલટાવી. મારા કમલામાંનું મૃત્યુ થયું.'
`કોઈ એક્સીડેન્ટ કે બીજું કંઈ?'
`આમ જોઈએ તો એક એક્સીડેન્ટ હતો. કમલામા શ્રીનાથજીના પરમ ભક્ત હતા. શ્રીનાથજીને તેઓ હાજરા હજુર સમજતા. ઘરમાં શ્રીનાથજીનું એક અલગ મંદિર બનાવડાવેલું, જે આજે પણ છે. કમલામા માત્ર આસ્થાળુ નહોતા. એમની આસ્થા અંધશ્રદ્ધાની હદે હતી. એમને ભગવાન જાત જાતના આદેશો કરતા અને એ પ્રમાણે ઘરમાં પૂજાઓ થતી. મારા પપ્પા રંગીન તબિયતના માણસ. એમને કમલામાની આ ભક્તિ તરફ છૂપો અણગમો હતો. કદાચ એટલે જ લગ્ન પછી મનોમન એ કમલામાથી દૂર થઈ ગયા હતા.
એક દિવસ વહેલી સવારે કમલામાએ ઘરમાં બધાને જગાડ્યા. એમણે કહ્યું, શ્રી નાથજી રાતે કહી ગયા છે કે જલ્દી નાથદ્વારા પહોંચો. તમે બધા તૈયાર થઈ જાવ. આપણે નીકળવું પડશે. મારા પપ્પાએ જ નહીં, દાદાએ પણ અચાનક જવાની બાબતે નારાજી દર્શાવી. કમલામાએ સંભળાવી દીધું, ભગવાનનો હૂકમ છે. જો તમારે ન માનવો હોય તો ભોગવજો. તમે નહીં ચાલો તો હું ડ્રાઈવરને લઈને નીકળી જઈશ. દાદાને કમલામાંની જીદ્દની ખબર હતી. તેમણે મારા પપ્પાને સમજાવી લીધા.'
`એક મિનિટ આખી કથામાં તમારા દાદીની વાત જ ન આવી.'
`એ હોય તો આવે ને? મારા ઘરમાં સ્ત્રીઓ અધવચ્ચે જ ઉકલી ગઈ છે. મારા દાદી પણ ઝાઝું જીવ્યા નહોતા. જાણે મારા પપ્પાના લગ્ન જોવા જીવ્યા હોય તેમ પપ્પાના લગ્નના બાર મહીના પછી એ મરી ગયા હતા. જોકે એમને આર્થરાઈટ્સનો પ્રોબ્લેમ હતો.'
`તમારા દાદાએ ખાસ્સા વર્ષો પત્ની વગર એકલા કાઢ્યા એમ જ ને?'
`હા, પત્ની વગર કાઢ્યા પણ એકલા નહીં. એટલું ખરૂં કે એમણે પપ્પા જેવી ભૂલો કરી નહોતી. દાદીને યુવાનીથી જ આર્થરાઈટસના કારણે સાંધાઓની પીડા રહેતી. એથી દાદાએ એક જ સંતાનથી સંતોષ માન્યો હતો. કંઈક મારી દાદીએ પણ પોતાના પતિની જરૂરતો સમજી આંખ આડા કાન કર્યા. જોકે અમુક સ્ત્રીઓ સમજદાર હોય છે.
કોઈ કારણસર કમલામાની પ્રભુભક્તિ દાદાને ગમતી પણ ખરી. એ જુલાઈ મહિનો હતો. વરસાદી વાતાવરણ જામ્યું હતું. મારા પપ્પાની જરાય ઈચ્છા નહોતી, પણ દાદાને કારણે તે નાથદ્વારા જવા તૈયાર થયા. તેમણે વિમાનમાં અમદાવાદ જઈ ત્યાંથી કારમાં જવાની વાત મૂકી. કમલામાએ એ વાતનો પણ વિરોધ કર્યો. તેમણે મુંબઈથી બાય કાર જવાનો જ આગ્રહ રાખ્યો. એ વખતે ઘરમાં નવી કાર આવી હતી. કમલામાંએ કારને પણ શ્રીનાથજીના દર્શન કરવાવા માગતા હતા. કિસ્મત અહીંથી જ પોતાનો તખ્તો તૈયાર કરતી હતી.
લગભગ સાતેક વાગે કાર મુંબઈથી રવાના થઈ. કમલામાએ પ્રણ લીધું હતું કે તે નાથદ્વારા પહોંચી દર્શન કર્યા પછી જ ખાશે પીશે. એ લોકો સવારે નીકળ્યા ત્યારે કોઈને અંદાજ નહોતો કે આગળ મુસીબતો રાહ જોઈ રહી છે. કમલામાની ગણતરી એવી હતી કે બીજા દિવસે તે નાથદ્વારા પહોંચી જશે. સુરત છોડ્યા પછી વરસાદ શરૂ થઈ ગયો. ભરૂચ પહોંચ્યા ત્યારે માઠા સમાચાર મળ્યા કે નર્મદા નદીમાં પૂર આવ્યું છે અને સરદાર બ્રીજ અને ગોલ્ડન બ્રીજ બેય બંધ કરી દેવામાં આવ્યા છે.
મુંઝાયેલા પપ્પાએ રાજપીપળા થઈને જવાનું વિચાર્યું. પણ થોડા કિલોમીટર ચાલ્યા પછી મારા પપ્પાએ માથું કૂટી લીધું. એ જંગલ વિસ્તાર હતો અને ભયંકર ટ્રાફીક જામ થઈ ગયો હતો. બેય તરફ વાહનોની કતાર લાગી ગઈ હતી. એ લોકોએ ખાવાનું કંઈ લીધું નહોતું. સાથે બે નાના છોકરા હતા. એમણે પણ ભૂખ વેઠી, કંઈ થાય તેમ નહોતું. દાદા અને પપ્પા કમલામા સામે સખત નારાજ થયા. સાંજ ઢળવાની સાથે કમલામાને તાવ ચડ્યો. આગલી સાંજ પછી પેટમાં પાણીનું ટીપુંય નાખ્યું નહોતુ. ગાડીઓ થોડું ચાલીને અટકી જતી હતી.
થાકેલા છોકરા સૂઈ ગયા હતા. બીજા દિવસે આઠેક વાગે અમદાવાદ આવ્યું. દાદાએ કમલામાને ઉપવાસ છોડી દેવા સમજાવ્યું પણ તે ન માન્યા. સામાન્ય રીતે બાય કાર મુંબઈથી લગભગ ચોવીસ કલાકમાં નાથદ્વારા પહોંચી જવાય. તેના બદલે ચાલીસ કલાક જેટલો સમય લાગ્યો. બીજી રાતે દસેક વાગે તેઓ નાથદ્વારા પહોંચ્યા. કમલામાંની તબિયત બગડતી જોઈ મારા દાદાએ તેમને દવા લેવા જવાનું કહ્યું તો કમલામાએ વિરોધ કર્યો.
એમણે પ્રણ લીધું હતું કે તે શ્રીનાથજીના દર્શન કર્યા વગર પેટમાં કઈ નહીં મૂકે. જો દવાખાને જાય તો દવા ખાવી પડે અથવા ઈંજેક્શન લેવું પડે. દાદા અને પપ્પાએ ખૂબ સમજાવ્યા પણ તેમણે રીતસર જીદ કરી કે હું મરી ભલે જાઉં પણ દવા નહીં ખાઉં. કમલામાં આખી રાત તાવમાં તરફડતા રહ્યા. વહેલી સવારે પાછા નાહ્યા અને મંગળા આરતીના દર્શન કરવા ભીડમાં ઊભા રહ્યા. મારા પપ્પાને એટલી ખીજ ચડી હતી કે તે દર્શન કરવા જ ન ગયા.
દર્શન કર્યા પછી કમલામાએ પ્રસાદ લઈ ઉપવાસ તો છોડ્યો. પણ તેમને ફરી તાવ ચડ્યો. થોડો દિવસ ચડ્યા પછી દવાની વ્યવસ્થા થઈ. એમની સ્થિતિમાં સુધારો પણ થયો. લગભગ બપોરે એમણે ફરી એકવાર દર્શન કર્યા અને એ લોકો મુંબઈ પાછા જવા રવાના થયા. કમલામાને ખરેખર ભગવાન બોલાવતા હશે. જેમ જેમ દિવસ ઢળતો હતો તેમ કમલામાનું શરીર બગડતું જતું હતું.
ચિંતામાં પડેલા દાદા અને પપ્પાએ વચ્ચે આવતા શહેરની કોઈ હોસ્પિટલમાં એડમિટ થઈ જવાની વાત કરી પણ કમલામાની એક જ રટણ હતી. મને એકવાર મુંબઈ પહોંચાડો. હું ત્યાં જઈને દવા લઈશ. કમલામા બહુ જિદ્દી હતા. દાદા અને પપ્પા એમને સમજાવી ન શક્યા. બહાર ઝીણો ઝીણો વરસાદ પડતો હતો. કમલામા લવારીએ ચડી જતા હતા અને આખરે દોડતી કારના બંધ કાચમાંથી કમલામાના પ્રાણ ઉડી ગયાં.' સોનલ ચુપ થઈ ગઈ. એની આંખો પલકારા મારતી હતી. ઓરડાની હવા ભારઝલ્લી થઈ ગઈ. (ક્રમશ:)