હેમંત વાળા
સ્વતંત્ર ભારતમાં બનેલાં બધાં જ એપાર્ટમેન્ટ ચીલાચાલુ તથા બોરિગ કહી શકાય તેવા જણાતા હોય છે. આ બધામાં એક એપાર્ટમેન્ટે આગવી તથા અનોખી ઓળખ ઊભી કરી છે અને તે છે સ્થપતિ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલ મુંબઈનું કંચનજંગા એપાર્ટમેન્ટ. આ સ્થપતિને વર્ષ 1972માં પદ્મશ્રી અને 2006માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયેલાં.
શહેરી જરૂરિયાત મુજબ આદર્શ એપાર્ટમેન્ટ કેવાં હોવાં જોઈએ, તેનાં જવાબ સ્વરૂપે વિશ્વભરમાં જે પ્રયોગો થયા છે તેમાં ત્રણ પ્રયોગો ખાસ ચર્ચામાં રહ્યા છે. પ્રથમ, મોન્ટ્રિયલનું સ્થપતિ મોસે સાફદીનું `હેબિટાટ 67', બીજું બારસીલોનાનું સ્થપતિ લી કાર્બુઝિએરનું `યુનાઇટેડ ધ હેબીટાટ' અને ત્રીજું મુંબઈનું આ કંચનજંગા. પ્રથમ રચનામાં ઘનાકાર ચોસલાઓને એકબીજા પર ગોઠવીને નિયમબદ્ધ ઢગલાં જેવી રચના તૈયાર કરાઈ છે.
બીજા પ્રયોગમાં એક વિશાળ જમીનથી એક માળ જેટલું ઊંચકાયેલું ચોસલું ઊભું કરી તેમાં દ્વિસ્તરીય પણ અતિ સાંકડા કહી શકાય તેવાં આવાસ ગોઠવાયાં છે. કંચનજંગામાં જાણે સ્વતંત્ર બંગલાઓને એકબીજા પર ગોઠવીને રચના કરાઇ છે. ત્રણેયનું પોતાનું મહત્વ છે પરંતુ કંચનજંગામાં આવાસ-રચના સાથે જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન વધુ સંન્નિષ્ઠાથી થયો હોય તેમ જણાય છે.
કંચનજંગા મુંબઈના પેડર રોડ પર આવેલું સ્થાપત્યની દૃષ્ટિએ એક પ્રતિષ્ઠિત અને ભારતનાં આધુનિક સ્થાપત્યમાં સીમાચિન્હ ગણાતું રેસિડેન્શિયલ બિલ્ડિંગ - બહુમાળી આવાસ-સંકુલ છે. તેનું બાંધકામ વર્ષ 1970માં શરૂ થયું હતું પરંતુ જે તે તકનીકી તેમ જ કાયદાકીય કારણોસર તે વર્ષો બાદ પૂર્ણ થયું. આ એક લાંબો સમયગાળો કહેવાય, જેમાં મકાનની કિમત પણ વધે અને ખરીદનાર ની ધીરજ પણ ખૂટી જાય, પરંતુ અંતે જે પરિણામ પ્રાપ્ત થયું તેમાં પૈસો ગૌણ બની રહ્યો અને ખરીદનાર ગૌરવવંતા માલિક બન્યાં. આ એક 21 × 21 ચોરસ મીટર તળ-ક્ષેત્ર વાળી કોન્ક્રીટની 28 માળ ધરાવતી આશરે 84 મીટરની ઊંચાઈની માળખાકીય રચના છે જેમાં ત્રણ થી છ બેડરૂમના માત્ર 32 રહેણાકીય એપાર્ટમેન્ટ્સ ગોઠવાયાં છે.
જ્યાં યોગ્ય માત્રામાં ગોપનીયતા જળવાઈ રહે તેવી દરેક એપાર્ટમેન્ટને મળતી કુદરતી હવા-ઉજાસથી સંપન્ન વિસ્તૃત અને જીવનશૈલીમાં અતિ ઉપયોગી બની રહે તેવી ક્યાંક છ મીટર કરતાં પણ વધુ ઊંચાઈવાળી અને ક્યારેક એક દિશા તરફી તો ક્યારેક બે દિશા તરફી બાલ્કની તથા સંભવિત ટેરેસ ગાર્ડન, આ બાલ્કની સાથે સંકળાયેલા આવાસના અગત્યનાં કૌટુંબિક સ્થાનો, ઊભા-છેદ પર `ઇન્ટરલોકિગ'- પરસ્પરમાં ગોઠવાયેલાં એપાર્ટમેન્ટ્સ, આ પ્રકારની ગોઠવણને કારણે એપાર્ટમેન્ટના બાહ્ય-દેખાવમાં સ્થાપિત થતી રસપ્રદ વિવિધતા,
સ્થાનિક આબોહવા તેમજ આજુબાજુ મળી રહેતાં દૃશ્ય-સૌંદર્યને અપાયેલો ન્યાય, દરેક એપાર્ટમેન્ટમાં પ્રાપ્ત થતી બંગલા જેવી અનુભૂતિ સાથે દરેકને મળતી મળતી આગવી ઓળખ, આવાસના સ્તરમાં- ફ્લોર લેવલમાં બદલાવ થકી ઊભું કરાયેલું અર્થપૂર્ણ સ્થાન-વિભાજન અને તેનાથી ઉદ્ભવતી રસપ્રદ નાટકીયતા, આવાસનાં દરેક સ્થાનને મળેલું યોગ્ય મહત્ત્વ, એપાર્ટમેન્ટમાં સામાન્ય રીતે અનુભવાતાં બંધિયારપણાંનો સદંતર અભાવ અને આ બધામાં સર્જનાત્મકતા, સંવેદનશીલતા તેમ જ યથાર્થતાને મળતું મહત્ત્ - આ રચનાની આ કેટલીક વિશેષતાઓ છે. અહીં બહારનાં દેખાવ માટે પણ ખાસ વિશેષ પ્રકારનું સંવેદનશીલ વિગતિકરણ કરાયું છે.
એક ઊભા ઘનાકારમાંથી બાલ્કનીઓ કોરી કાઢીને તેને વાઇબ્રન્ટ રંગોથી ઓપ આપવાનો પ્રયત્ન થયો છે, જે સાદગી સાથે દૃશ્ય અનુભૂતિમાં સમૃદ્ધિ લાવે છે. અહીં એક પણ દિશા કે એક પણ બાબત જાણે ધ્યાન અપાયાં વગરની નથી રહી. એમ કહી શકાય કે અહીં કશું જ બિનજરૂરી નથી, ક્યાંય આડંબર કે ભપકો નથી, ઘોંઘાટ કે બિનજરૂરી વિસ્મય નથી. જે છે તે સ્પષ્ટ છે, સરળ છે, સાદગીપૂર્ણ છે, મૂળભૂત છે અને વિનમ્ર છે.
એપાર્ટમેન્ટની રચનામાં આજનાં સમયનો સ્થપતિ તો વેચવા લાયક વધુ બાંધકામ કેવી રીતે મળે તેની ગણતરી જ કરતો હોય છે. આ માટે તેને માત્ર બાહ્ય દેખાવમાં સ્ટાઈલ ઊભી કરવાની આવશ્યકતા જણાય તો તે પણ સ્વીકાર્ય બની રહે છે. એમ કહી શકાય કે કંચનજંગા એક એવી રચના છે જ્યાં ધંધાકીય બાબતો ઉપર સ્થાપત્યની ગુણવત્તાએ વિજય મેળવ્યો છે, પરંતુ આ વિજયનું પુનરાવર્તન જોવાં નથી મળતું. આમ પણ સાંપ્રત સમયે આવાસની ગુણવત્તાને બદલે જ્યાં આવાસના કદને વધુ મહત્વ અપાતું હોય ત્યાં સ્વાભાવિક રીતે આ પ્રકારની રચના ન તો સમાજને ન તો ડેવલોપરને માન્ય હોય.
ભાગદોડવાળી મુંબઈની જિંદગીમાં આરામ સંતોષ શાંતિ તેમ જ ગૌરવની અનુભૂતિ કરાવી શકીએ તેવી આ રચના છે. સ્થાનિક આબોહવા પ્રત્યે યોગ્ય પ્રતિભાવ, મુંબઈ જેવાં મેટ્રોપોલિટન મહાનગરની જીવનશૈલીના પ્રશ્નો પ્રત્યે દર્શાવાયેલી સંવેદનશીલતા, એપાર્ટમેન્ટ હોવાં છતાં વ્યક્તિગત આવાસ જેવી થતી પ્રતીતિ, સ્થાપિત સગવડતાજનક મર્યાદાઓને તોડવાનો હિંમતભેર પ્રયાસ તથા જથ્થાબંધ આવાસનાં સ્થાને આ ગુણવત્તા ભરેલાં આવાસ માટે પ્રસ્તુત કરાયેલી દલીલ- આ રચનાની આ કેટલીક મહત્ત્વની બાબત છે. આ એક સ્થાપત્ય-રચના માત્ર નથી, તે સ્થાપત્યના ક્ષેત્રનું એક સર્જનાત્મક ઉકેલ-લક્ષી વિધાન છે. એક મજાની વાત એ છે કે અતિ ધનિક કુટુંબોનું આ આવાસ-સંકુલ હોવાં છતાં તેમાં અદભુત નમ્રતા છે.
સ્થાપત્યની દૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ રચના હોવા છતાં તેને મોડલ ગણીને અન્ય આવાસ સંકુલની રચના થઈ નથી. એ વાત આ રચનાની નિષ્ફળતા ગણાય. શક્ય છે કે તેની રચનામાં વ્યાપારી ધોરણે જરૂરી ગણાતી એફએસઆઇની ગણતરી ઇચ્છિત નફો દર્શાવતી ન હોય. આ પ્રકારની રચનાની લાગત કિમત પણ સરેરાશ કરતાં ઘણી વધુ રહેવાની. આ પ્રકારની રચનાનું ભારવાહક માળખું સાથે તેમજ તેમાં પરોવાયેલી સંરચનાની વ્યવસ્થા પણ જટિલ બની રહે. બહુમાળી મકાન માટે ખૂબ અગત્યની ગણાતી અગ્નિશામક વ્યવસ્થા જેવી મૂળભૂત બાબત પણ અહીં સરળતાથી ગોઠવી નથી શકાતી. આમ કેટલાક વ્યાપારી તેમ જ તક્નીકી કારણોસર વિશ્વમાં બીજું કંચનજંગા નથી બન્યું.