મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાને ફરી ફૂંફાડો માર્યો છે. દેશમાં કોરોનાના કેસની બાબતે મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા ક્રમે છે. 1 જુલાઈથી અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં કોવિડ-19ના 339 કેસ નોંધાયા છે.
કયા રાજ્યમાં છે કોરોનાના સૌથી વધુ કેસ
કેરળમાં દેશમાં સૌથી વધુ 115 કેસ સામે આવ્યા છે. કર્ણાટક 64 કેસ સાથે બીજા અને મહારાષ્ટ્ર 48 કેસ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય તમિલનાડુમાં 39, આંદામાન-નિકોબાર અને દિલ્હીમાં 18-18, તેમજ રાજસ્થાનમાં 12 કેસ નોંધાયા છે, જ્યારે બાકીના કેસ અન્ય રાજ્યોમાં સામે આવ્યા છે.
મળતી વિગત પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ફરીથી વધી ગયો છે. છેલ્લા 10 દિવસમાં કોવિડના કેસોમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. જો કે, નવી લહેરના કોઈ સંકેતો નથી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ કોઈ નવી લહેર નથી, પરંતુ ઇન્ફ્લુએન્ઝાની જેમ વાયરસના ઉતાર-ચઢાવનો એક ભાગ છે.
આ વર્ષે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કુલ 48 કેસ નોંધાયા છે, જ્યારે કોઈ દર્દીનું મોત થયું નથી. જુલાઈ મહિનામાં સૌથી વધુ 21 કેસ સામે આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા 8-10 કોવિડના દર્દીઓની સંખ્યા વધી છે. જોકે તમામ કેસ હળવા લક્ષણો વાળા છે. સંક્રમિત દર્દીઓમાં ખાંસી, શરદી, ગળામાં ખરાશ અને થાક જેવા લક્ષણો હતા અને 3 થી 5 દિવસમાં સાજા થઈ ગયા હતા.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, મોટા ભાગના દર્દીઓ કોવિડ ટેસ્ટ કરાવવા આવ્યા નહોતા. તેઓ ઑપરેશન પહેલાની તપાસમાં કે ડૉક્ટરની સલાહ પર કરાવેલા ટેસ્ટમાં પોઝિટિવ મળ્યા હતા. શરદી-ખાંસીવાળા અનેક લોકો ટેસ્ટ નથી કરાવતાં, તેથી આ સંખ્યા અનેક ગણી વધારે હોઈ શકે છે.
કોરોનાના કેવા હોય છે પ્રારંભિક લક્ષણો
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
- 100 ડિગ્રીથી વધારે તાવ
- છાતીમાં દુઃખાવો
- તાવ-શરદી ઠીક થયા પછી ફરી થવા
- જૂની બીમારી ફરી થવી
- માંસપેશીમાં દુઃખાવો