સુરતઃ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા 'ચુડેલ' ગામનું નામ બદલીને હવે 'ચંદનપુર' કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ, ગુજરાત સરકાર દ્વારા આ ફેરફાર અંગેના તા. ૦૭ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંથી તમામ સંબંધિત સરકારી વિભાગોને સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ ગામના નવા નામની વિવિધ ભાષાઓની લિપિ મુજબ રોમન લિપિમાં: "CHANDANPUR" , દેવનાગરી લિપિમાં: "चंदनपुर" અને ગુજરાતી લિપિમાં: "ચંદનપુર" તરીકે ઉલ્લેખ કરવાનો રહેશે.
ક્યાં આવ્યું છે આ ગામ
સુરત અને નવસારીની સરહદ પર આવેલું 'ચુડેલ' ગામ તેના નામને કારણે ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું. ગામનું નામ સાંભળીને જ લોકો ડરી જતા અથવા મજાક ઉડાવતા હતા. આ નકારાત્મક નામના કારણે ગામના યુવકો માટે કોઈ લગ્નની છોકરી આપવા પણ તૈયાર નહોતું થતું. આ સ્થિતિથી કંટાળીને ગ્રામજનો લાંબા સમયથી ગામનું નામ બદલવાની માંગ કરી રહ્યા હતા.
સરકારનો મોટો નિર્ણય
ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે હવે 'ચુડેલ' ગામનું નામ સત્તાવાર રીતે બદલીને 'ચંદનપુર' રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે.
વર્ષો પછી ગામને આ નવી અને સન્માનજનક ઓળખ મળતાં જ ગ્રામજનોમાં ભારે આનંદ છવાઈ ગયો છે. લોકોનું કહેવું છે કે આ માત્ર નામનો બદલાવ નથી, પરંતુ તેમના આત્મસન્માનની જીત છે.