ભુજઃ પશ્ચિમ કચ્છના નખત્રાણા પમથકના વિથોણ અને આસપાસના ગ્રામીણ પંથકોમાં મેઘરાજાની લાંબી ખેંચના કારણે ખેતી અને પશુપાલન પર આકાશી આફત ઉતરી આવી છે. પંથકના સાંગનારા, બેરૂ અને મોસુણા સહિતના વિસ્તારોના તમામ નાના-મોટા ડેમ તેમજ સીમના તળાવો સંપૂર્ણપણે તળિયાંઝાટક બની ગયા છે. જેના કારણે વગડામાં પશુધનને પીવા માટે પાણીનું એક ટીપું પણ ઉપલબ્ધ રહ્યું નથી. જળાશયો સુકાઈ જતાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે, તો બીજી તરફ પાછલા ચાર દિવસથી ફૂંકાતા તોફાની પવને ઊભા પાકને વેરવિખેર કરી નાખતાં ધરતીપુત્રો બેવડી મુશ્કેલીમાં મુકાયા છે.
વિથોણ પંથકની ખેતીની ખરા અર્થમાં જીવાદોરી ગણાતા મુખ્ય 'ભૂખી ડેમ'નું તળિયું સાવ સુકાઈ ગયું છે. ડેમ ખાલીખમ થઈ જતાં આજુબાજુની વાડીઓના કૂવા અને બોરવેલના તળ પણ અસાધારણ રીતે ઊંડા ઉતરી ગયા છે. પાકને બચાવવા માટે પિયત કરવું અનિવાર્ય હોઈ, ખેડૂતોને લાખો રૂપિયાના અણધાર્યા ખર્ચે બોરવેલની મોટરો વધુ ઊંડાણમાં ઉતારવાની કટોકટીભરી ફરજ પડી રહી છે. ચોમાસાની સીઝનના ખરે ટાંકણે જ પાણીના સ્ત્રોતો ખૂટી પડતાં ખેડૂતો માટે આ સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે. હાલ આકાશમાં વરસાદના કોઈ જ સંકેતો ન દેખાતા હોવાથી જગતનો તાત ઘેરી ચિંતામાં ડૂબ્યો છે.
બીજી તરફ, વરસાદના વિલંબ વચ્ચે પાછલા કેટલાક દિવસોથી સુસવાટા મારતા પવન સાથે ઉડતી ધૂળની ડમરીઓએ કપાસ અને મગફળીના કુમળા છોડવાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખુલ્લી વાડીઓમાં પવનના પ્રચંડ વેગના કારણે કપાસના છોડના કુમળા પાન તૂટીને ખરી પડ્યા છે, જેના લીધે અનેક વાડીઓમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતોને ફરીથી મોંઘા બિયારણો લાવીને 'ફેર વાવેતર' કરવાની નોબત આવી છે.
સાંગનારા, મોસુણા, બેરૂ અને રામપર વિસ્તારના ખેડૂતો અત્યારે કુદરતના અજીબોગરીબ પ્રકોપનો સામનો કરી રહ્યા છે. વરસાદની ચાતક નજરે રાહ જોતા પશુપાલકો અને ખેડૂતોએ તોફાની પવન અને ધૂળના આ અણધાર્યા આક્રમણની કલ્પના સુદ્ધાં કરી નહોતી. અહીંના ખેડૂત માવજીભાઈએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "સતત ફૂંકાતી ધૂળની ડમરીઓના કારણે પાકના છોડ પર અને આખી વાડીઓમાં ધૂળના જાડા થર જામી ગયા છે, જેનાથી પાકનો વિકાસ રૂંધાઈ જશે."
આ ભારે પવનના લીધે ગ્રામીણ વિસ્તારોમાં માર્ગો પર મોટા વૃક્ષોની ડાળીઓ તૂટી પડી છે, જ્યારે અંતરિયાળ વાડી વિસ્તારોમાં આવેલા કાચા મકાનો અને રેસિડેન્શિયલ કેબિનોના પતરાં-છાપરાં હવામાં ઊડી ગયાના અહેવાલો સાંપડ્યા છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવન અને ધૂળના કારણે સામાન્ય જનજીવન પર પણ ખૂબ જ માઠી અસર વર્તાઈ રહી છે.
(ઉત્સવ વૈદ્ય)