Sat Jul 18 2026

Logo

સાણંદમાં છેડતીના આક્ષેપમાં પકડાયેલા આરોપીઓને પોલીસે આપી તાલિબાની સજા! ઝાડ સાથે બાંધીને માર્યા

2026-07-18 16:03:00
Author: Devayat Khatana
Article Image

સાણંદ: સામાન્ય રીતે આપણે કાયદો પોતાના હાથમાં લઈને કોઇને અમાનુષી સજા આપવામાં આવે ત્યારે તેને તાલિબાની સજાની વ્યાખ્યામાં મુક્ત હોઈએ છીએ પણ અમદાવાદ જિલ્લાના સાણંદમાં કાયદાના રક્ષક એવા પોલીસ પર જ આરોપીઓને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. અહેવાલો અનુસાર, કથિત રીતે છેડતીના આક્ષેપમાં પકડાયેલા આરોપીઓને પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાના વાયરલ થયેલી તસવીરોએ ચકચાર મચાવી છે. 

મળતી વિગતો અનુસાર, અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. થોડા સમય પહેલા જ રાજ્યના પોલીસ વડાએ આવા કોઇપણ પ્રકારના હોવા છતાં, પોલીસે પકડાયેલા બે આરોપીઓને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ એક ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. આ તાલિબાની સજાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે ચકચાર મચી છે. જો કે આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈએ નિવેદન આપીને સ્વીકાર્યું હતું કે તેઓએ આરોપીઓને 'પનીશમેન્ટ' આપી છે.

આ સમગ્ર ઘટના પાછળનું કારણ એક યુવતીની ગંભીર છેડતી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સાણંદ વિસ્તારમાં રહેતી એક યુવતી તેના મંગેતર સાથે પાણીપુરી ખાવા ગઈ હતી, ત્યારે આ બે યુવકોએ તેની છેડતી કરી હાથ પકડી લીધો હતો. આ આરોપીઓ સતત યુવતીનો પીછો કરીને તેને એટલી હદે હેરાન-પરેશાન કરતા હતા કે પીડિતા આપઘાત કરવા સુધી મજબૂર થઈ ગઈ હતી. યુવતીની આ ફરિયાદના આધારે જ સાણંદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

જોકે, ધરપકડ બાદ ન્યાયિક કાયદાકીય પ્રક્રિયા અપનાવવાના બદલે પોલીસે પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓને ઝાડ સાથે બાંધીને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો. આ ગેરકાયદેસર કૃત્ય વખતે પીઆઈ પોતે પણ સાદા કપડામાં ત્યાં હાજર હતા. એટલું જ નહીં, જ્યારે એક વ્યક્તિ પોતાના મોબાઈલ કેમેરામાં આ આતંકનો વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે પોલીસે તેનો ફોન પણ આંચકી લીધો હતો.