અમદાવાદ: રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આ સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં વધારો કર્યો છે. વાજબી ભાવની દુકાનના સંચાલકોને કમિશનમાં રૂ. 150 થી વધારીને રૂ. 185 કરવાની મંજૂરી આપવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવના દુકાન સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનમાં વધારો કર્યો છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર વાજબી ભાવના દુકાન સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 150 કમિશન ચૂકવવામાં આવતું હતું તેમાં રૂ. 35નો વધારો કરવામાં આવ્યો છે. આમ, હવે પ્રતિ ક્વિન્ટલ રૂ. 185 કમિશન ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના 17,000થી વધુ રેશનિંગની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના ઠરાવ મુજબ વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે રૂ. 67.20 કરોડની જોગવાઈ કરી છે.
વાજબી ભાવની દુકાનના સંચાલકોએ વાહન-વ્યવહાર, મજૂરી ખર્ચ, જાળવણી તેમજ અન્ય સંચાલન ખર્ચમાં વધારો થયો હતો અને તેને ધ્યાનમાં લઈને આર્થિક સહયોગની માગ કરવામાં આવી હતી. ઠરાવ મુજબ વધારેલા કમિશન માટે ફાળવાયેલા રૂ. 67.20 કરોડમાંથી રૂ. 52.61 કરોડ સામાન્ય શ્રેણી હેઠળ, રૂ. 4.11 કરોડ અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ તેમજ રૂ. 10.48 કરોડ જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ ખર્ચવામાં આવશે.