Sat Jul 18 2026

Logo

થાણે કોર્ટે 2014ના જાતીય સતામણીના કેસમાં શખસને નિર્દોષ જાહેર કર્યો

2026-07-18 17:36:25
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે સગીરાની જાતીય સતામણીના કેસમાં શખસને નિર્દોષ જાહેર કર્યો હતો અને નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ મૂળભૂત તથ્યો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો અને આરોપીને આ કેસમાં ફસાવવામાં આવ્યો હોવાની શક્યતા છે.વિશેષ જજ જી.ટી. પવારે સંતોષ ઉંદરુ પંડિત ઉર્ફે ઉંદર્યાને નિર્દોષ જાહેર કર્યો હતો અને બચાવ પક્ષની દલીલને સ્વીકારી હતી કે ફરિયાદીના પરિવારે તેમના ગેરકાયદે દારૂના વેપાર અંગેની જાણ પોલીસને કરવા બદલ પંડિતને ટાર્ગેટ કર્યો હતો.

સંતોષ પંડિત વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસ થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં પંદરમી ડિસેમ્બર, 2014ના રોજ દાખલ કરાયો હતો. તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર ઘટનાની રાતે પંડિતે 17 વર્ષની પીડિતાના પિતા, માતા અને બહેનની મારપીટ કરી હતી અને વાંધાજનક શબ્દો ઉચ્ચાર્યા હતા તેમ જ પીડિતાનું ગાઉન ખેંચીને ફાડી નાખ્યું હતું.

ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો, કારણ કે પીડિતાના પિતા દ્વારા ચલાવાતા ગેરકાયદે દારૂના વેપાર અંગે તેણે પોલીસને જાણ કરી હતી. પીડિતાના સંબંધીએ ઊલટતપાસ દરમિયાન કબૂલ્યું હતું કે પીડિતાના પિતા ગેરકાયદે દારૂનો વેપાર કરતા હતા અને અદાવતમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. (પીટીઆઇ)