નાશિક: નાશિકમાં ચાકુથી ગળું ચીરી 20 વર્ષની યુવતીની હત્યા કર્યાના થોડા કલાકો બાદ યુવક એ જ વિસ્તારમાં વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એકતરફી પ્રેમમાં યુવકે ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હોઇ પોલીસે આ પ્રકરણે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ સાહિલ અશોક લવારે (26) તરીકે થઇ હતી, જેણે ઇન્દિરાનગર વિસ્તારમાં મંદિર નજીક શુક્રવારે રાતે વૈષ્ણવી અવારે નામની યુવતીની હત્યા કરી હતી અને ત્યાર બાદ શનિવારે મળસકે આ જ વિસ્તારમાં જોગિંગ ટ્રેકની નજીક તેણે આત્મહત્યા કરી હતી.
આરોપી સાહિલ લવારેએ ચાકુથી વૈષ્ણવી પર હુમલો કર્યો હતો અને બાદમાં તેનું ગળું ચીરી નાખ્યું હતું. વૈષ્ણવીની ચીસો સાંભળીને રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે આરોપી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. વૈષ્ણવીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાં તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી.દરમિયાન શનિવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં જોગિંગ ટ્રેક નજીક આરોપી વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે સ્થાનિક પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસે રાહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા બાદ તપાસ આદરી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વૈષ્ણવી સ્ટુડન્ટ હતી અને તે આ વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. વૈષ્ણવી અને સાહિલ શુક્રવારે સાંજે એકબીજાને મળ્યાં હતાં અને એકતરફી પ્રેમમાં સાહિલે ગુનો આચર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સાહિલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)