ભુજઃ કચ્છના બારડોલી પંથક તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે છેલ્લા બે વર્ષથી સીમાડાની કિંમતી ગૌચર જમીન એક ખાનગી કંપનીને માઇનિંગ લીઝ પર આપી દેવાના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ પરાકાષ્ઠાએ પહોંચે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલી વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ ‘ગૌચર બચાવો, પર્યાવરણ બચાવો’ ના બુલંદ નારા લગાવી સમગ્ર પંથક ગજવી મૂક્યો હતો. બીજી તરફ, સંબંધિત માઇનિંગ કંપનીએ લેખિત ખુલાસો જાહેર કરીને ગ્રામજનોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ઉગેડીના સરપંચ કરણ રબારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ હકભીની ગ્રામસભામાં સ્થાનિક નેતાઓ અને પશુપાલકોએ વહીવટી તંત્રની મેલી મુરાદ સામે રોષ ઠાલવ્યો હતો. સભાને સંબોધતા સરપંચ કરણ રબારીએ તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, "એક તરફ સરકારી તંત્ર ગૌચર અને સરકારી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે બુલડોઝર ફેરવી રહ્યું છે, જ્યારે બીજી તરફ ખુદ સરકાર જ મૂંગા પશુધનના મોંનો કોળિયો છીનવીને ઉદ્યોગપતિઓને ગૌચરની જમીન પર લીઝની મંજૂરીઓ આપી રહી છે."
તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે, સરકારી કાગળોમાં એકના બદલે બીજા સર્વે નંબરમાં ખોટી રીતે મંજૂરીઓ આપીને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો વહીવટી તંત્ર દ્વારા આ જટિલ પ્રશ્નનો સત્વરે કોઈ કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગ્રામજનો દ્વારા હાઈવે જામ કરવા સહિતનું ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
ગૌચર બચાવવાની આ લડતમાં ગામના તમામ જ્ઞાતિ-સમુદાયના લોકો એકતા બતાવી જોડાયા છે. આ ગ્રામસભામાં ઉપસરપંચ ભૂપતસિંહ સોઢા, પૂર્વ સરપંચ મીઠુ વાઘેલા સહિતના પંથકના સેંકડો પશુપાલકો અને અગ્રણીઓ હાજર રહી લડતને વેગ આપવા સંકલ્પ કર્યો હતો.
દરમ્યાન, ગ્રામજનોના આ આકરા વિરોધ અને આંદોલનની ચીમકી વચ્ચે આ વિવાદમાં સંકળાયેલી ખાનગી કંપની 'ક્રસ્ટ માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ'ના ડાયરેક્ટર દ્વારા એક સત્તાવાર લેખિત ખુલાસો જારી કરવામાં આવ્યો છે. કંપની પ્રશાસનના જણાવ્યા મુજબ, ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો અને કાયદા વિરુદ્ધનો છે.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, માનનીય હાઈકોર્ટના કાયદેસરના હુકમ અને તમામ સરકારી મંજૂરીઓ બાદ જ નવા સર્વે નંબર ૩૦૩ માં કંપનીને માઇનિંગ લીઝ ફાળવવામાં આવી છે. જે જમીન પર કામ શરૂ કરવામાં આવ્યું છે તે મહેસૂલી રેકોર્ડ મુજબ ગૌચરની જમીન નથી, પરંતુ સરકારી પડતર જમીન છે. આમ, એકતરફ ગ્રામજનો પશુધનની સુરક્ષા માટે મરણિયો જંગ લડવા તૈયાર છે, ત્યારે બીજી તરફ કંપની કાનૂની દસ્તાવેજો રજૂ કરી રહી હોઈ, આ વિવાદ આગામી દિવસોમાં વધુ વણસે તેવા એંધાણ છે.
(ઉત્સવ વૈદ્ય)