Sat Jul 18 2026

Logo

ભુજ: પ્રથમ લગ્ન છુપાવી યુવતી સાથે નિકાહ કરનાર આણંદનો શખ્સ ઓડિયોથી તલાક આપી લંડન ભાગ્યો!

2026-07-18 11:40:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ ભુજની એક યુવતી સાથે પોતાના પ્રથમ લગ્નની વિગતો છુપાવીને નિકાહ કર્યા બાદ તેને શારીરિક-માનસિક ત્રાસ આપી, વોટ્સએપ પર ઓડિયો મેસેજ દ્વારા તલાક આપનારા આણંદના એક શખ્સ સામે ભુજ પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો હતો.

શું છે મામલો

ચોંકાવનારા કિસ્સા અંગે મળતી વિગતો મુજબ, ભુજની આરઠુબેન નામની યુવતી જ્યારે આણંદ ખાતે અભ્યાસ કરતી હતી, ત્યારે તેનો સંપર્ક ફિરોજઅલી નજીરઅલી સૈયદ નામના શખ્સ સાથે થયો હતો. સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓએ સમાજના રીત-રિવાજ મુજબ ભુજ ખાતે નિકાહ કરી લીધા હતા. જો કે, આ લગ્નથી અજાણ હોવાના કારણે યુવકના પરિવારજનો લગ્ન પ્રસંગે હાજર રહ્યા ન હતા.

નિકાહ બાદ આરોપી ફિરોજઅલી યુવતીને આણંદ લઈ ગયો હતો, પરંતુ પોતાના ઘરે લઈ જવાના બદલે તેને અલગ-અલગ હોટેલોમાં રાખતો હતો. યુવતી જ્યારે પણ સાસરે જવાની જીદ કરતી, ત્યારે આરોપી તેને ઘરમાંથી કાઢી મૂકવાની અને તલાક આપવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતો હતો. આ દરમિયાન આરોપીએ ‘મારા પરિવારજનો આપણા લગ્ન સ્વીકારશે નહીં, તું લોન લઈ લે આપણે કેનેડા સેટલ થઈ જઈએ’ તેમ કહેતાં યુવતી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઈ હતી. પરંતુ આરોપી ત્યાં ન આવતાં તે આણંદ પરત ફરી હતી. ત્યારબાદ પણ આરોપીએ તેને હોટેલમાં જ રાખી હતી.

દરમિયાન, યુવતીએ એક બાળકીને જન્મ આપ્યા બાદ બંને ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. થોડા સમય પછી ‘મારા ઘરના લોકોને આપણા સંબંધોની ખબર પડી ગઈ છે’ તેમ કહી આરોપી યુવતીને ભુજ મુકીને ગાયબ થઈ ગયો હતો અને પોતાનો ફોન બંધ કરી દીધો હતો. 

યુવતીએ તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, આરોપી ફિરોજઅલી પોતાની પ્રથમ પત્ની અને બાળકો સાથે લંડન ભેગો થઈ ગયો છે. આ છેતરપિંડી અંગે યુવતીના ભાઈએ આરોપીનો વોટ્સએપ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં, આરોપીએ યુવતીને ઓડિયો ક્લિપ મોકલી તલાક આપી દીધા હતા. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


(ઉત્સવ વૈદ્ય)