Sat Jul 18 2026

Logo

ગાંધીનગરમાં કરોડોની જમીન પચાવી પાડવા માટે દીકરાએ મૃતક પિતાના નામે જ બનાવી દીધું નકલી સોગંદનામું!

2026-07-18 18:39:38
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: સામાન્ય રીતે કોઇપણ જમીનનું વેંચાણ કરવા માટે જે તે માલિકે તેનું સોગંદનામું કરવું પડતું હોય છે પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇ મૃતક વ્યક્તિના નામનું સોગંદનામું થયું હોય? તો આવો જ એક કિસ્સો ગાંધીનગર જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં મૃતકના નામે નકલી સોગંદનામું બનાવી કરોડોની કિંમતની જમીન હડપવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ફરિયાદી બરમનભાઈ સુખાભાઇ પટેલે ગાંધીનગર કલેક્ટરની સીટ (SIT) સમક્ષ કરેલી અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી પિયુષભાઈ રામાભાઈ પટેલ દ્વારા જમીન પચાવી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.  

ઘટનાની વિગતો મુજબ, કડજોદરા ગામની સર્વે નંબર 534ની વડીલોપાર્જીત જમીનમાં આરોપીએ ખોટા દસ્તાવેજોનો સહારો લીધો હતો. આરોપી પિયુષભાઈએ પોતાના પિતા રામાભાઈના નામે એક નકલી સોગંદનામું બનાવડાવ્યું હતું, જેમાં અલગ-અલગ નામ ધરાવતી વ્યક્તિઓ એક જ હોવાનું ખોટું લખાણ કરાવીને જમીનમાં ગેરકાયદેસર રીતે પોતાની વારસાઈ નોંધ નં. 6152  કરાવી લીધી હતી.  

આ સમગ્ર કૌભાંડમાં મૃતક વ્યક્તિના નામે સોગંદનામું તૈયાર કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ફરિયાદીની જમીનમાં ખોટા લીટિગેશન ઉભા થયા હતા. જ્યારે આ ગેરકાયદેસર નોંધ સામે ફરિયાદીએ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી, ત્યારે પ્રાંત અધિકારીએ નોંધ નં. 6152  રદ કરી આરોપીના વારસદારોના નામ કમી કરવાનો હુકમ કર્યો હતો.  

કલેક્ટર કચેરીની સીટ (SIT) ના આદેશ અને પોલીસ અધિક્ષકના હુકમ બાદ, આખરે દેહગામ પોલીસે આરોપી પિયુષભાઈ રામાભાઈ પટેલ વિરુદ્ધ આઈપીસી (IPC) ની કલમ 406, 420, 465, 467, 468 અને 671 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.