Sat Jul 18 2026

Logo

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નર્મદા ડેમની સપાટીમાં વધારો, રાજ્યના 11 જળાશયો હાઈ-એલર્ટ પર

2026-07-18 19:52:16
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગુજરાત પર આ વર્ષે ચોમાસાની સિઝન ખૂબ જ મહેરબાન સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના કારણે જગતનો તાત ખુશખુશાલ છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેતી કાર્યોએ વેગ પકડ્યો છે. તાજેતરના સરકારી આંકડાઓ અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 26.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં 36.71 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 28.84 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતાં 18.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા અને કચ્છ ઝોનણાં 3.42 ટકા વરસાદ નોંધાયો છે.  વરસાદના બીજા રાઉન્ડને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ડેમ હાલમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67.04 ટકા જેટલો ભરાઈ ગયો છે.

ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને કારણે ડેમનું પાવર હાઉસ ફરીથી સક્રિય કરવામાં આવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં વીજ ઉત્પાદનમાં મોટો ફાયદો થશે. રાજ્યના કુલ 206 અન્ય જળાશયોમાં પણ 40.88 ટકા જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે. તેમાંથી 6 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. ડેમોમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર ચોવીસ કલાક નજર રાખી રહ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે 11 ડેમને હાઈ-એલર્ટ, 3 ડેમને એલર્ટ અને 13 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાનો ધાતરવાડી અને સુરજવાડી ડેમ, ભાવનગરનો રોજકી, શેત્રુંજી અને રંગહોળા, સુરેન્દ્રનગરનો વંસલ ડેમ, તાપીનો દોસવાડા ડેમ, મહીસાગરનો વણાકબોરી ડેમ અત્યારે હાઈ-એલર્ટ પર છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા, ભાવનગરના માલણ અને ગીર સોમનાથના રાવળ ડેમને એલર્ટ પર જાહેર કરવામાં આવ્યો છે.