Tue Oct 13 2026

Logo

સૌરાષ્ટ્રના કયા શહેરમાં ભાજપ મહિલા મોરચાએ લગાવ્યા ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા ને પછી......

2026-10-13 08:10:00
Author: Mayur Patel
સૌરાષ્ટ્રના કયા શહેરમાં ભાજપ મહિલા મોરચાએ લગાવ્યા ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા ને પછી......

 

 

 

સૌરાષ્ટ્રના કયા શહેરમાં ભાજપ મહિલા મોરચાએ લગાવ્યા ‘હાય રે ભાજપ હાય હાય’ના નારા ને પછી......

ભાવનગર: ભાવનગરમાં ભારતીય જનતા પાટી મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક હાસ્યાસ્પદ ઘટના બની હતી. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી ભાજપ મહિલા મોરચાની મહિલા કાર્યકરોએ આવેશમાં આવીને ભૂલથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દેતા ત્યાં હાજર સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા. 

શું છે મામલો

કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સંત કવંરામ ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલા જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. મહિલાઓના સન્માન અને સ્વાભિમાનના મુદ્દે એકજૂથ થઈને ભાજપ મહિલા મોરચાની ટીમ વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ કાર્યાલય તરફ રવાના થઈ હતી. 

કોંગ્રેસ કાર્યાલય આગળ પહોંચ્યા બાદ પ્રદર્શન દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓ આવેશમાં આવી ગયા હતા અને ભાન ભૂલીને રાહુલ ગાંધી કે કોંગ્રેસના બદલે “હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડી ક્ષણો સુધી આ નારેબાજી ચાલુ રહી હતી. ત્યારબાદ ત્યાં હાજર મહિલા આગેવાનોને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો કે, તેઓ પોતાના જ પક્ષ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. ભૂલ સમજાતા જ તમામ બહેનો હસી પડ્યા હતા અને વાતાવરણ હળવું બની ગયું હતું. તુરંત જ ભૂલ સુધારીને કાર્યકર્તાઓએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધી નારા લગાવવાના શરૂ કર્યા હતા અને પ્રદર્શન આગળ ચાલુ રાખ્યું હતું. 

જોકે, ભાજપ મહિલા મોરચા દ્વારા પોતાના જ પક્ષ સામે નારેબાજી કરવાનો આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. રાહુલ ગાંધીનો વિરોધ કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓનો આ ભાંગરો વટાયાનો કિસ્સો હાલ સમગ્ર ભાવનગરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને અંગે જાતજાતની પ્રતિક્રિયાઓ આપી હતી, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી.