Mon Jun 01 2026

Logo

PM મોદીની અપીલનું શું? રાજ્યપાલના કાફલા માટે 30 મિનિટ ટ્રાફિક રોકતા ગર્ભવતી મહિલા ફસાઈ

2026-06-01 17:18:14
Author: Devayat Khatana
Article Image

બેંગલુરુ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકો અને સરકારી તંત્રને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા તેમ જ વર્ક ફ્રોમ હોમ કરવા સહિત કુલ ૧૧ જેટલી ભલામણો કરી હતી. આ ભલામણોને અનુસરીને અનેક ચૂંટાયેલા પદાધિકારીઓ, રાજ્યપાલો અને સરકારી અધિકારીઓએ VIP કલ્ચરને હડસેલીને પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા બેથી ૪ સુધી ઘટાડી દીધી છે. 

વધુમાં, સરકારી વાહનોને બદલે ટ્રેન, મેટ્રો, બસ અને કાર-પૂલિંગનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ, આ સમયગાળા દરમિયાન કર્ણાટકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે આ ભલામણોનો સરેઆમ ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આક્ષેપ છે કે બેંગલુરુમાં રાજ્યપાલના કાફલા માટે લગભગ ૩૦ મિનિટ સુધી ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો, જેને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમાંય અંડરપાસનું બાંધકામ ચાલુ હોવાથી આ સમસ્યા વધુ વકરી હતી અને સેંકડો મુસાફરો રસ્તા પર અટવાઈ ગયા હતા.

આ ટ્રાફિક જામમાં પોતાની ગર્ભવતી પત્ની સાથે મુસાફરી કરી રહેલો એક વ્યક્તિ પણ ફસાયો હતો. લાંબા સમય સુધી અટવાઈ રહેવાથી પરેશાન થયેલો આ પતિ VIP કલ્ચરનો વિરોધ કરવા સીધો રસ્તાની વચ્ચે જ બેસી ગયો હતો. ત્યાં હાજર અન્ય વાહનચાલકોએ પણ સામાન્ય જનતાની સુવિધા કરતાં VIP મૂવમેન્ટને વધુ પ્રાથમિકતા આપવા બદલ પોલીસ અને તંત્રની આકરી ટીકા કરી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસે ૩૦ મિનિટ સુધી વાહનો રોકવામાં આવ્યા હોવાની વાતને નકારી કાઢી છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇસરો જંક્શન નજીક ઝીબ્રા ક્રોસિંગ પર બેઠેલો આ વ્યક્તિ પોલીસ સાથે દલીલ કરી રહ્યો છે કે તેની પત્ની ગર્ભવતી છે. તેનો આક્ષેપ હતો કે રાજ્યપાલ એરપોર્ટની બહાર પણ નહોતા નીકળ્યા છતાં સામાન્ય વાહનચાલકોને સિગ્નલ પર કારણ વગર રોકી દેવામાં આવ્યા હતા. ફરજ પરના ટ્રાફિક પોલીસ સાથે ભારે દલીલબાજી બાદ આખરે તે વ્યક્તિ રસ્તા પરથી ઊભો થયો હતો અને રાજ્યપાલના કાફલાની અવરજવર માટે રસ્તો ખુલ્લો કર્યો હતો.