Thu Jun 18 2026

Logo

બેંગ્લૂરુ વિક્રમ બાદ જીતીને મોખરે, ચેન્નઈની હારની હૅટ-ટ્રિક

2026-04-05 23:23:00
Author: Ajay Motiwala
Article Image

Image Credit: BCCI


ભુવનેશ્વર 200 વિકેટ લેનાર પ્રથમ પેસ બોલરઃ ડેવિડ-પાટીદારના ધમાકા સામે યજમાન ટીમ ચીંથરેહાલ

બેંગ્લૂરુઃ
અહીં રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (Bengaluru)એ વિક્રમજનક 250 રન કર્યા બાદ ચેન્નઈ (Chennai)ને 43 રનથી હરાવીને પૉઇન્ટ્સમાં રાજસ્થાનના હાથમાંથી મોખરાનું સ્થાન આંચકી લીધું હતું. ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ચેન્નઈની ટીમ 251 રનના લક્ષ્યાંક સામે 207 રનમાં આઉટ થઈ જતાં સતત ત્રીજી મૅચ હારી છે. આ ટીમને ઈજાગ્રસ્ત એમએસ ધોનીની ખોટ વર્તાય છે. સંજુ સૅમસન (નવ રન) સતત ત્રીજી મૅચમાં ફ્લૉપ રહ્યો હતો. ખુદ કૅપ્ટન ગાયકવાડ સાત રન અને આયુષ મ્હાત્રે એક રન કરી શક્યો હતો. જૅમી ઓવર્ટન (37 રન)ની ઈનિંગ્સ પણ પાણીમાં ગઈ હતી.

14.20 કરોડવાળા બન્ને ખેલાડીએ નિરાશ કર્યા

વર્તમાન સીઝન રમીને કુલ 14.20 કરોડ રૂપિયા મેળવનાર ચેન્નઈનો 19 વર્ષીય કાર્તિક શર્મા ફક્ત છ રન કરીને કૃણાલ પંડ્યાના બૉલમાં આઉટ થયો હતો. 14.20 કરોડ રૂપિયાવાળો ચેન્નઈનો બીજો ખેલાડી પ્રશાંત વીર (29 બૉલમાં 43 રન) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં અને ટીમને જિતાડવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી. સરફરાઝ ખાન (પચીસ બૉલમાં 50 રન)ની વિકેટ કૃણાલ પંડ્યાએ અને શિવમ દુબે (18 રન)ની વિકેટ અભિનંદન સિંહ નામના નવા પેસ બોલરે લીધી હતી. ભૂવીએ કુલ ત્રણ વિકેટ તેમ જ ડફી, અભિનંદન સિંહ અને કૃણાલ પંડ્યાએ બે-બે વિકેટ મેળવી હતી. એક વિકેટ સૂયશ શર્માએ લીધી હતી.

આઇપીએલના ઇતિહાસના ટોચના બોલર

બેંગ્લૂરુના ભુવનેશ્વર કુમારે રવિવારે આયુષ મ્હાત્રે (એક રન)ની વિકેટ લીધી એ સાથે તે આઇપીએલમાં 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ પેસ બોલર બન્યો હતો. આઇપીએલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની વિગત આ મુજબ છેઃ (1) યુઝવેન્દ્ર ચહલ (સ્પિનર): 224 વિકેટ (2) ભુવનેશ્વર કુમાર (પેસ બોલર): 202 વિકેટ (3) સુનીલ નારાયણ (સ્પિનર): 193 વિકેટ (4) પીયૂષ ચાવલા (સ્પિનર): 192 વિકેટ (5) રવિચન્દ્રન અશ્વિન (સ્પિનર): 187 વિકેટ (6) જસપ્રીત બુમરાહ (પેસ બોલર): 183 વિકેટ (7) ડવેઇન બ્રાવો (પેસ બોલર): 183 વિકેટ (8) અમિત મિશ્રા (સ્પિનર): 174 વિકેટ (9) રવીન્દ્ર જાડેજા (સ્પિનર): 172 વિકેટ (10) લસિથ મલિન્ગા (પેસ બોલર): 170 વિકેટ.

ડેવિડ-પાટીદારની 99 રનની ભાગીદારી

એ પહેલાં, બેંગ્લૂરુએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 250 રન કર્યા હતા. બેંગ્લૂરુના 250 રન આ વખતનો સર્વોચ્ચ ટીમ-સ્કોર છે. તેમણે હૈદરાબાદનો (કોલકાતા સામેનો) 8/226નો વિક્રમ તોડ્યો હતો. ટિમ ડેવિડ (70 અણનમ, 25 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર) અને કૅપ્ટન રજત પાટીદાર (48 અણનમ, 19 બૉલ, છ સિક્સર, એક ફોર)ની જોડીએ ફક્ત 36 બૉલમાં 99 રનની અતૂટ ભાગીદારી કરીને પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું અને ચેન્નઈની ટીમને મુસીબતમાં મૂકી દીધી હતી. એ અગાઉ, ફિલ સૉલ્ટે 46 રન, વિરાટ કોહલીએ 28 રન અને દેવદત્ત પડિક્કલે 50 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈના કમ્બોજ, ઓવર્ટન અને શિવમ દુબેએ એક-એક વિકેટ મેળવી હતી. ચેન્નઈના તમામ છ બોલર (કમ્બોજ, નૂર અહમદ, ખલીલ, હેન્રી, ઓવર્ટન, શિવમ દુબે)ની બોલિંગમાં 30 કે 30થી વધુ રન થયા હતા.