બેંગલુરુ: T20I અને ODI ક્રિકેટમાં ડંકો વગાડી રહેલી ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ટેસ્ટ ફોર્મેટમાં ખુબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. વર્ષ 2024માં ન્યુઝીલેન્ડ અને 2025માં દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને કારમી હાર મળી, હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) નવી પેઢીના ક્રિકેટરોને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરવા એક ખાસ યોજના બનાવી રહ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટર વીવીએસ લક્ષ્મણના નેતૃત્વ હેઠળના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)એ એક રોડમેપ તૈયાર કર્યો છે. જૂન-જુલાઈમાં ઇન્ટ્રા-COE ટુર્નામેન્ટ ચાર દિવસીય રેડ-બોલ મેચ યોજાશે, જેમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા 'જેન ઝી' પ્રીભાશાળી 64 યુવા ખેલાડીઓ ભાગ લેશે.
આ ઇન્ટ્રા-COE ટુર્નામેન્ટનો હેતુ 25 વર્ષથી ઓછી ઉંમરના યુવા ક્રિકેટરોને આગામી દાયકા માટે ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરવાનો છે.
સંપૂર્ણ ધ્યાન રેડ-બોલ ક્રિકેટ પર:
અહેવાલ મુજબ સિનિયર, પાથવે (ઇન્ડિયા એ, ઇન્ડિયા અંડર-23) અને એજ-ગ્રુપ (અંડર-19, અંડર-16) ના સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે સંકળાયેલા તમામ કોચ અને નેશનલ સિલેકટર્સને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં દરમિયાન સંપૂર્ણ ધ્યાન રેડ-બોલ ક્રિકેટને પાટા પર પાછું લાવવા પર રહેશે, નજીકના અને દૂરના ભવિષ્યને ધ્યાનમાં રાખીને.
અહેવાલ મુજબ ઈન્ડિયા ઇમર્જિંગ ટીમમાં ફક્ત અંડર-25 ખેલાડીઓ હશે, અને જેમાંથી શેડો ટૂર માટે ઈન્ડિયા A ટીમો બનાવવામાં આવશે. ચીફ સિલેક્ટર્સ અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરીને રાખીને એક રોડમેપ બનાવવામાં આવશે.
IPL બાદ ભારતની અંડર-19 અને ઇમર્જિંગ (અંડર-25) ટીમો ચાર દિવસીય મેચો માટે માટે શ્રીલંકાના પ્રવાસે જશે, COE ટુર્નામેન્ટમાં પ્રદર્શનના આધારે એક ટીમ તૈયાર કરવામાં આવશે.
યોજના મુજબ શરૂઆતમાં 64 યુવા ક્રિકેટરો પસંદ કરવામાં આવશે, જેમને પછી 16-16 ની ચાર ટીમોમાં વહેંચવામાં આવશે. દરેક ટીમ COE ખાતે બે ચાર-દિવસીય રેડ-બોલ મેચ રમશે. આ દરમિયાન ખેલાડીઓને યોગ્ય પ્રેક્ટિસ માટે અલગ-અલગ પ્રકારની પીચ પર મેચ રમાડવામાં આવશે.