Thu Jun 18 2026

Logo

ઍડના શૂટિંગમાં નીચે બે ગાદી રાખવા છતાં બાબર આઝમ કૅચ ન ઝીલી શક્યો! વીડિયો વાઇરલ થયો

Lahore   2026-03-28 18:11:26
Author: Ajay Motiwala
Article Image

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઈજામુક્તિ બાદ હવે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં પેશાવર ઝલ્મી ટીમનું સુકાન સંભાળી રહેલા બાબર આઝમ (BABAR AZAM)ની બૅટિંગ નબળી પડી જવા બદલ ઘણા સમયથી તેની ખૂબ ટીકા થતી જ રહી છે, તેની ફીલ્ડિંગની કચાશ પણ સોશ્યલ મીડિયામાં તેના ટીકાકારોના રડારથી બચી નથી અને એટલે જ બાબરે તાજેતરમાં એક જાહેરખબરના શૂટિંગમાં કૅચ (CATCH) છોડ્યો એનો વીડિયો મીડિયામાં વાઇરલ થયો છે.

પીએસએલમાં ગુરુવારે પ્રથમ મૅચમાં શાહીન આફ્રિદીની કૅપ્ટન્સીમાં લાહોર કલંદર્સે માર્નસ લાબુશેનની હૈદરાબાદ કિંગ્સમેન ટીમને 69 રનથી હરાવી હતી અને શુક્રવારે ડેવિડ વૉર્નરના સુકાનમાં કરાચી કિંગ્સનો સાઉદ શકીલની કૅપ્ટન્સીવાળી ક્વેટા ગ્લૅડિયેટર્સ ટીમ સામે 14 રનથી વિજય થયો હતો.

બાબરે શનિવારે રાવલપિંડી પિન્ડીઝ ટીમ સામેની પોતાની ટીમ પેશાવર ઝલ્મીની પ્રથમ મૅચ પહેલાં એક ઍડના શૂટિંગમાં હાજરી આપી હતી. વાઇરલ થયેલા વીડિયો પરથી જાણવા મળ્યું કે બાબરને ઍડના શૂટિંગમાં ડાઇવ મારીને કૅચ ઝીલવાનું કહેવામાં આવ્યું હતું. ફરસ પર બે ગાદી રાખવામાં આવી હતી અને એ તરફ બૉલ ફેંકવામાં આવ્યો હતો. જોકે બાબર એ ગાદીનો સપોર્ટ હોવા છતાં કૅચ ઝીલવા પર એકાગ્રતા નહોતો રાખી શક્યો અને કૅચ છૂટી ગયો હતો. તરત જ એનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો અને બાબર હાસ્યાસ્પદ થઈ ગયો હતો.

એક ક્રિકેટપ્રેમીએ કમેન્ટમાં લખ્યું, `બાબર આઝમ તો બબ્બે ગાદી રાખી હોવા છતાં બૉલ ઝીલી ન શક્યો. મેદાન પર રમાતી મૅચની વાત અલગ હોય છે, પણ જાહેરખબરના શૂટિંગમાં તો બૉલની ગતિ અને સ્થિતિનો ચોક્કસ અંદાજ હોય જ છે એમ છતાં બાબર કૅચ ઝીલવામાં નિષ્ફળ રહ્યો.'