Fri Sep 04 2026

Logo

30 લાખવાળા અર્જુન તેન્ડુલકરે 27 કરોડના રિષભ પંતને યૉર્કરથી પરેશાન કરી મૂક્યો!

2026-04-07 17:34:38
Author: Ajay Motiwala
30 લાખવાળા અર્જુન તેન્ડુલકરે 27 કરોડના રિષભ પંતને યૉર્કરથી પરેશાન કરી મૂક્યો!

કોલકાતાઃ આઇપીએલ-2026માં અર્જુન તેન્ડુલકરને હજી સુધી લખનઊ સુપર જાયન્ટ્સની બેમાંથી એકેય મૅચની પ્લેઇંગ-ઇલેવનમાં કે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મોકો નથી મળ્યો અને ગુરુવારે અહીં ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાનારી મૅચ (સાંજે 7.30 વાગ્યાથી)માં તેને રમવા મળશે કે કેમ એ હજી નક્કી નથી, પરંતુ એ પહેલાં તે નેટ પ્રૅક્ટિસમાં તો છવાઈ જ ગયો છે. એક વીડિયો અને ફોટો મુજબ તેણે કૅપ્ટન રિષભ પંતને એક પછી એક યૉર્કરથી પરેશાન કરી દીધો હતો.

અર્જુન (Arjun) અગાઉ મુંબઈ ઇન્ડિયન્સમાં હતો, પણ હવે લખનઊની ટીમમાં છે. આ ટીમ તેને એક સીઝન રમવાના 30 લાખ રૂપિયા આપે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તે મુંબઈ છોડીને ગોવા વતી રમે છે અને તે છેલ્લી સ્પર્ધાત્મક મૅચ ગોવા વતી 29મી જાન્યુઆરીએ રમ્યો હતો જેમાં તેણે બે વિકેટ લીધી હતી.

કોલકાતા સામેની ગુરુવારની મૅચ માટે લખનઊના ખેલાડીઓ ઈડન ગાર્ડન્સમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુને રિષભ પંત (Rishabh Pant) ઉપરાંત ટીમના બીજા બૅટ્સમેનોને પણ નેટમાં છોડ્યા નથી. તેઓ પણ અર્જુનના યૉર્કર સામે સાવધ થઈને રમ્યા હતા અને સંઘર્ષ કરી રહ્યા હતા. એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા મેળવતો રિષભ પંત તો અર્જુનના યૉર્કર સામે ડિફેન્સિવ મોડમાં આવી ગયો હતો. કહેવાય છેને કે બ્લૉકહૉલમાં બૉલ ફેંકનાર અર્જુન સામે પંત જાણે લાચાર હતો. અર્જુનની સચોટ બોલિંગથી ટીમના સૌ કોઈ પ્રભાવિત થઈ ગયા હતા. ગુરુવારે અર્જુનને રમવા મળશે તો નવાઈ નહીં લાગે. નેટમાં તેની પાસે વધુ બોલિંગ કરાવવામાં આવી એના પરથી કહી શકાય કે બહુ જલદી તેને મૅચમાં રમવાનો મોકો અપાશે.

અર્જુનની સચોટ બોલિંગ જોઈને સોશ્યલ મીડિયામાં તેના ચાહકો સવાલ કરી રહ્યા છે કે `શા માટે હજી સુધી અર્જુનને તક નથી આપવામાં આવી?' તાજેતરમાં જ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે અર્જુનની બોલિંગના ખૂબ વખાણ કર્યા હતા. યુવીએ કહ્યું છે, `અર્જુન ખૂબ શાર્પ છે અને ગેમ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા શાનદાર છે.'