મુંબઈઃ ઇંગ્લૅન્ડના ઍલેક સ્ટુઅર્ટ યાદ છેને? આજે તેમનો જન્મદિન (Birthday) છે અને એ નિમિત્તે તેમને સોશ્યલ મીડિયામાં અનેક મિત્રો તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટરોની શુભેચ્છા મળી.
ટેસ્ટ-ક્રિકેટના શ્રેષ્ઠ વિકેટકીપર-બૅટ્સમેનોમાં ગણાતા ઍલેક સ્ટુઅર્ટ (Alec Stewart)નો જન્મ 1963માં થયો હતો અને આજે તેમણે જીવનના 63 વર્ષ પૂરા કર્યા. કેવો સુંદર યોગ છે, ખરુંને? તેમના વિશે આનાથી પણ વધુ રસપ્રદ આંકડાબાજી જાણવા જેવી છે.
ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટીના મર્ટોન શહેરમાં તેમનો જન્મ જે દિવસે થયો હતો એની તારીખ સાથે યોગાનુયોગ તેની ટેસ્ટ-કરીઅરના કુલ રનનો આંકડો બંધબેસતો છે. તેમનો જન્મ 8-4-63ના રોજ થયો હતો અને તેમણે સપ્ટેમ્બર, 2003માં પૂરી કરેલી ટેસ્ટ-કારકિર્દીમાં જેટલા રન કર્યા હતા એનો આંકડો છે 8463.
ઍલેક સ્ટુઅર્ટે આંતરરાષ્ટ્રીય કારકિર્દી 1989માં (સચિન તેન્ડુલકર કરતાં એક મહિનો વહેલી) શરૂ કરી હતી. સચિન નવેમ્બર, 1989માં પ્રથમ ટેસ્ટ રમ્યો હતો, જ્યારે સ્ટુઅર્ટની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચ વન-ડે હતી જે તેઓ ઑક્ટોબર, 1989માં રમ્યા હતા.

મહાન ખેલાડી ઍલેક સ્ટુઅર્ટે 1990થી 2003 સુધીની 13 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં 8,463 રન 133 ટેસ્ટમાં કર્યા હતા જેમાં તેમની 15 સેન્ચુરી અને 45 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમણે 1,121 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. સ્ટમ્પ્સની પાછળથી તેમણે 263 કૅચ ઝીલ્યા હતા અને 14 બૅટ્સમેનને સ્ટમ્પ-આઉટ કર્યા હતા. વન-ડે ફૉર્મેટમાં પણ તેઓ ખૂબ સારું રમ્યા હતા. તેમણે 170 વન-ડેમાં ચાર સદી અને 28 અડધી સદીની મદદથી કુલ 4,677 રન કર્યા હતા, 159 કૅચ ઝીલ્યા હતા અને 15 બૅટ્સમેનને સ્ટમ્પ-આઉટ કર્યા હતા. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 48 સેન્ચુરી અને 148 હાફ સેન્ચુરી સાથે કુલ 26,165 રન બનાવનાર સ્ટુઅર્ટે સ્ટમ્પ્સની પાછળથી કુલ 750થી વધુ શિકાર કર્યા હતા.