કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ કૅપ્ટન અને રણજી ટ્રોફીના ટોચના બૅટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલાં એક મૅચમાં ફટકાબાજી કરીને ટીકાકારોને સંકેત આપી દીધો છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની કૅપ્ટન્સી સંભાળવાની તેની ક્ષમતા વિશે તેમ જ તેની બૅટિંગ બાબતમાં જો તેમના મનમાં કોઈ શંકા હોય તો એ દૂર થઈ જવી જોઈએ.
સોમવારે કેકેઆરના જ ખેલાડીઓ વચ્ચે એક મૅચ (MATCH) રમાઈ હતી જેમાં રહાણે (Rahane)એ પચીસ બૉલમાં 58 રન કર્યા હતા. રહાણેની આક્રમક ફટકાબાજી જોઈને ટીમના સાથી ખેલાડીઓને કોઈ નવાઈ નહોતી લાગી, પણ રહાણેના કેટલાક ટીકાકારોને જરૂર આશ્ચર્ય થયું હશે. રહાણેએ ટીમના મુખ્ય બોલર્સની બોલિંગમાં ધમાકેદાર બૅટિંગ કરી હતી.
નવોદિત સૌરભ દુબેએ ઍલન ફિનને આઉટ કર્યો
કેકેઆરનો કૅમેરન ગ્રીન જેને આ ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં 25.20 કરોડ રૂપિયાના વિક્રમજનક ભાવે ખરીદ્યો હતો તેણે સોમવારની ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચમાં 30 બૉલમાં બાવન રન કર્યા હતા, જ્યારે તાજેતરના ટી-20 વર્લ્ડ કપના ન્યૂ ઝીલૅન્ડની ટીમના હીરો ફિન ઍલને પણ થોડી ફટકાબાજી કરી હતી, પરંતુ તેને સૌરભ દુબે નામના કેકેઆરના નવા બોલરે આઉટ કરી દીધો હતો. સૌરભને ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યો છે.
કેકેઆરે રહાણેમાં વિશ્વાસ જાળવ્યો
કેકેઆરની ટીમ 2025ની આઇપીએલમાં આઠમા નંબર પર રહી હતી. એ ટીમ 14માંથી માત્ર પાંચ મૅચ જીતી હતી. જોકે ટીમમાં કૅપ્ટન રહાણેના 390 રન હાઇએસ્ટ હતા એમ છતાં તેના કેટલાક નિર્ણયો બાબતમાં તેની ત્યારે ટીકા થઈ હતી. જોકે કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ તેની કૅપ્ટન્સીમાં વિશ્વાસ જાળવી રાખીને આ વખતે પણ તેને સુકાન સોંપ્યું છે.