Sat Apr 18 2026

Logo

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ: ફાયર બ્રિગેડનો મેજર કોલ...

2026-02-17 21:32:34
Author: Tejas
Article Image

અમદાવાદ: શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા પીપળજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આજે બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલી એક જાણીતી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની ગંભીરતા જોતા અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે 'મેજર બ્રિગેડ કોલ' જાહેર કર્યો છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, પીપળજમાં આવેલી 'હર્ષ એન્ટરપ્રાઈઝ' નામની કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી છે. ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં ઓઈલ અને જ્વલનશીલ કેમિકલનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી પ્રચંડ છે કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા લગભગ 2 કિલોમીટર દૂરથી પણ આકાશમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની 25 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ફાયર સ્ટેશનથી વધારાની કુમક પીપળજ ખાતે રવાના કરવામાં આવી છે. ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને આગ બુઝાવવાની કામગીરીનું સીધું નિરીક્ષણ કરી રહ્યા છે. જોકે આગની જ્વાળાઓ હવે શાંત પડી છે, પરંતુ કેમિકલના કારણે ગરમી વધુ હોવાથી ફાયર વિભાગ દ્વારા અત્યારે 'કૂલિંગ ઓપરેશન' ચાલુ રાખવામાં આવ્યો છે, જે મોડી રાત સુધી ચાલશે.

આગની લપેટો ફેક્ટરીની બહાર મુખ્ય રોડ સુધી પહોંચી જતાં સુરક્ષાના કારણોસર આસપાસના રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આગના કારણે ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે ફાયર ફાઈટરોને પણ દૂર ઉભા રહીને પાણીનો મારો ચલાવવાની ફરજ પડી રહી છે. હાલમાં પ્રાથમિક રીતે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.