મુંબઈ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમી ફાઈનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આજની મેચ જીતનારી ટીમ ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે, આજની મેચ જીતવા બંને ટીમના ખેલાડીઓ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું પ્રેસર હશે. ભારતીય ક્રિકેટ ચાહકો આશા લગાવીને બેઠા છે કે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલો ઓપર બેટર અભિષેક શર્મા આજની મેચમાં મોટી ઇનિંગ રમે.
નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્મા નિષ્ફળ રહ્યો છે, છ મેચમાં તે માત્ર 80 રન બનાવી શક્યો છે, જેમાં ત્રણ મેચમાં તો ખાતું ખોલાવ્યા વગર પવેલિયન પરત ફર્યો હતો. પરંતુ આજે ચાહકોને અભિષેક પાસે ઘણી આશા છે. એક વર્ષ પહેલા વાનખેડેઅ મેદાન પર અભિષેકે ઇંગ્લેન્ડ સામે એક ધુંઆધાર ઇનિંગ રમી હતી.
અભિષેકે રમી હતી 135 રનની ઇનિંગ:
ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ સામેની પાંચ T20 સિરીઝની છેલ્લી મેચ 2 ફેબ્રુઆરી 2025ના રોજ વાનખેડે સ્ટેડીયમમાં રમાઈ હતી. એ સમયે અભિષેકે માત્ર 54 બોલમાં 135 રનની ઇનિંગ રમી હતી, તેણે 7 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા હતાં. ભારતે 9 વિકેટ ગુમાવીને 247 રનનો વિશાળ ટોટલ બનાવ્યો હતો, આ મેચમાં ઇંગ્લેન્ડને 150 રનથી કારમી હાર મળી હતી. આ ઇનિંગ અભિષેકની ક્ષમતાનો પુરાવો છે.
ભારતને અભિષેક પાસેથી આશા:
હાલ એવી પણ ચર્ચા છે કે કદાચ અભિષેકને આજે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન પણ આપવામાં આવે. ટીમના બોલિંગ કોચ, મોર્ને મોર્કેલે એક પ્રેસ કોન્ફરન્સમાં અભિષેકને સમર્થન આપ્યું હતું.
વાનખેડે સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકુળ હોવાથી, અભિષેક જેવા સ્ટ્રાઈકરને મદદ મળી શકે છે. આજે અભિષેક ભલે અગાઉની જેમ 135 રન ન બનાવી શકે. પણ ભારતીય ટીમને આશા છે કે તે પાવરપ્લેમાં ટીમને ઝડપી શરૂઆતની અપાવે.