Thu Jun 18 2026

Logo

સ્મૃતિ મંધાના અને શ્રેયસના સ્થાને અભિષેક-અક્ષરના નામ લખાયાઃ જાણો, શેની તપાસ થવાની છે...

2026-04-15 18:33:01
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ કેફી દૃવ્યોનું કે પ્રતિબંધિત દવાનું સેવન કરવામાં આવ્યું છે કે નહીં એની તપાસ માટે વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (ડબ્લ્યૂએડીએ-WADA)ના નેજા હેઠળ ભારતની નૅશનલ ઍન્ટિ-ડોપિંંગ એજન્સી (NADA)ના રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં હમણાં સુધી ભારતની મહિલા વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી સ્મૃતિ મંધાના અને મેન્સ ક્રિકેટના અગ્રગણ્ય ખેલાડી શ્રેયસ ઐયરના નામ હતા, પરંતુ હવે નાડાના લિસ્ટમાં તેમના સ્થાને અભિષેક શર્મા અને અક્ષર પટેલના નામ સમાવવામાં આવ્યા છે.

ટી-20 ઇન્ટરનૅશનલના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા અને ભારતના ઑલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ 348 સ્પોર્ટ્સપર્સન્સવાળી એવી યાદીમાં કરવામાં આવ્યો છે જેમણે તપાસ માટે નાડાના અધિકારીનો કૉલ આવે ત્યારે પોતે ક્યાં છે એની જાણકારી આપવી પડશે તેમ જ નિર્ધારિત તારીખે તપાસ માટે હાજરી આપવી પડશે. સામાન્ય રીતે ખેલાડી કે ઍથ્લીટને ડ્રગ્સ સંબંધિત તપાસ માટે યુરિનના સૅમ્પલ પહોંચાડવાનું કહેવામાં આવતું હોય છે.

જો કોઈ ખેલાડી કે ઍથ્લીટ અધિકારી તરફથી આવતા કૉલનો ત્રણ વખત સંતોષકારક જવાબ ન આપે અથવા જવાબ આપવાનું ટાળે તો એને ડોપિંગ સંબંધિત કાનૂનનું ઉલ્લંઘન કર્યું કહેવાય અને એ પ્લેયર કે ઍથ્લીટ વિરુદ્ધ કડક પગલાં લઈ શકાય.

હાલમાં નાડાના લિસ્ટમાં ભારતના જે ખેલાડીઓના નામ છે એમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, કે. એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને તિલક વર્માનો સમાવેશ છે. મહિલા ક્રિકેટરોમાંથી દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને રેણુકા સિંહ ઠાકુરના નામ પણ આ યાદીમાં છે.