Thu Jun 18 2026

Logo

પિચ પર દોડી આવેલા ડૉગને અભિષેક પોરેલે વ્હાલપૂર્વક મેદાનની બહાર મોકલી દીધો, વીડિયો વાઇરલ થયો

2026-03-27 16:43:33
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર કૂતરું દોડી આવે તો એને ડરાવીને ભગાડવામાં આવે છે, પણ તાજેતરમાં દિલ્હી કૅપિટલ્સના ખેલાડીઓની પ્રૅક્ટિસ ચાલી રહી હતી ત્યારે ગ્રાઉન્ડ પર દોડી આવેલા શ્વાનને વિકેટકીપર-બૅટ્સમૅન અભિષેક પોરેલે ઊંચકીને વહાલપૂર્વક મેદાનની બહાર મોકલી દીધો હતો.

આઇપીએલ શનિવાર, 28મી માર્ચે બેંગ્લૂરુમાં શરૂ થઈ રહી છે, પરંતુ દિલ્હી કૅપિટલ્સની પ્રથમ મૅચ બુધવાર, પહેલી એપ્રિલે લખનઊમાં લખનઊ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રમાશે. અક્ષર પટેલ દિલ્હીની ટીમનો કૅપ્ટન છે.

દિલ્હીની ટીમના ખેલાડીઓની પ્રૅક્ટિસ ચાલી રહી હતી અને અભિષેક પોરેલ (Porel) બૅટિંગની પ્રૅક્ટિસમાં મશગૂલ હતો ત્યારે એક ડૉગ (Dog) પિચ પર દોડી આવ્યો હતો. ડૉગ ભયભીત હતો અને આમથી તેમ દોડી રહ્યો હતો ત્યારે પોરેલ તેની નજીક ગયો હતો. ડૉગ પણ તેની પાસે આવ્યો હતો. બૅટ નીચે રાખીને પોરેલે ડૉગને પ્રેમપૂર્વક ઊંચકી લીધો હતો. એટલું જ નહીં, તેને ખભા પર તેડી લીધો હતો અને બાઉન્ડરી લાઇન તરફ દોડ્યો હતો.

ડૉગ મેદાનની બહાર જવા જાણે તૈયાર નહોતો એમ નીચે ઊતર્યા પછી પોરેલની સાથે તે દોડવા લાગ્યો હતો અને તેની સાથે કૂદકા મારીને બે ઘડી રમવા માંડ્યો હતો. દોડતાં દોડતાં ડૉગ બાઉન્ડરી લાઇનની બહાર ગયો હતો અને પોરેલનું કામ પૂરું થઈ જતાં તે પિચ તરફ પાછો આવી ગયો હતો.