Sun Jun 21 2026

Logo

ઝબાન સંભાલ કે: આખા ગામનું ખાડું આપ્યું

2026-06-14 10:24:00
Author: Henry Shastri
Article Image

 

 

 

- હેન્રી શાસ્ત્રી



 

કહેવત પાછળ રહેલી કથા જાણવાથી જ્ઞાન સાથે ગમ્મત તો મળે જ, સાથે સાથે સમજણનો વિસ્તાર થાય છે. આ સમજણ જ જીવન વિકાસમાં નાનું પણ મહત્ત્વનું યોગદાન આપે છે. સાથે સાથે ભાષાની બારીકીઓથી વાકેફ થવાય છે અને એના માધુર્યનો પરિચય પણ થાય છે. આજે એક કહેવત જાણીએ અને એના પાછળની કથાથી વાકેફ થઈ એનો મર્મ જાણીએ. કહેવત છે આખા ગામનું ખાડું આપ્યું. એક સમય હતો જ્યારે ગામડાના લોકો માટે મનોરંજનના વિકલ્પો અત્યંત મર્યાદિત હતા. જોકે, ભવાઈ મંડળીઓ ગામે ગામ ફરી ભવાઈના ખેલ કરતી જે જોઈ લોકો આનંદમાં આવી જતા. એમાંય જ્યારે ભવાઈ મંડળી વેશ કાઢતી ત્યારે લોકો હરખાઈ જતા.

 

એક ગામમાં ભવાઈયાની મંડળી આવી. ગામના નાના મોટા સહુ લોકો ભેગા થઈ ગયા. લોકો ગેલમાં આવ્યા એટલે મંડળીએ રમત માંડી. એમણે એક પછી વેષ કાઢવા માંડ્યા. ગણેશ, જુઠણ, મિયાંબીબી, ઝંડાઝૂલણ, કેરબા એમ જાતજાતના વેષ કાઢતા જાય અને પોતાની કળા બતાવતા જાય. એમાંય કેરબાનો વેષ (હાસ્યરસ અને કટાક્ષ પ્રધાન)માં જુદા જુદા પ્રકારનાં નૃત્યો જોઈ ગામના લોકો ખુશખુશાલ થઈ ગયા. અનેક લોકોએ રાજીખુશીથી આપી શકાય એવી ભેટ - બક્ષિસ નટ મંડળીને આપી. ગામડામાં ભવાઈની ટિકિટના દર બહુ સામાન્ય રાખવા પડતા હતા. એટલે એમાંથી જે આવક થાય એ ગુજારો કરી શકે એટલી પૂરતી નહોતી. આ પ્રકારે ગામના લોકોએ હોંશથી આપેલી બક્ષિસની રકમ બહુ કામ આવી જતી. 

 

ભવાઈ જોવા આવેલા લોકોમાં એક વાણિયો પણ હતો. ગામના લોકો જે રીતે ઈનામની લહાણી કરતા હતા એ જોઈ વાણિયો રાજી રાજી થઈ ગયો. બીજાનું જોઈ એનાથી પણ બોલાઈ ગયું કે ‘જા એક ભેંસ આપી.’ આવી મોટી બક્ષિસની જાહેરાત થતા ભવાઈયા એકદમ ગેલમાં આવી ગયા અને વાણિયાના નામની ભૂંગળ વગાડી ‘થેઈ થેઈ તા તા થેઈ થેઈ’ કરીને જય બોલાવી.

 

વાણિયાથી બોલતા તો બોલાઈ ગયું, પણ પછી એને વિચાર આવ્યો કે ‘ડાહી માના દીકરા થઈ મેં આ શું કાચું કાપ્યું? વાણિયો રીઝે તો લે તાળી, પણ આખી ભેંસ આપવાની વાત કરી એ તો કેમ ખમાય? આ તો પથરા તળે હાથ આવી ગયો જે કેમે કરી કાઢવો જ રહ્યો.’

 

વાણિયાનું મનોમંથન ચાલી રહ્યું હતું અને આ બાજુ ભવાઈયાઓએ કજોડાનો વેષ કાઢ્યો. લોકોને મોજ પડી. કેટલાક લોકોએ ફરી ઈનામ આપ્યા અને વાણિયાએ પણ કહ્યું કે ‘મારા તરફથી બે ભેંસ.’ ભવાઈયા તો જાણે ન્યાલ થઈ ગયા. એમને પણ તાન ચડ્યું અને એક પછી એક વેષ કાઢવા માંડ્યા. વાણિયાને પણ જાણે પોરસ ચડ્યું હોય એમ બે - ત્રણ - ચાર ભેંસ બોલી ગયો. આ જોઈ ગામવાસીઓ ચોંકી ગયા કે પાઈ પણ છોડે નહીં એવા આ વાણિયાને આજે શેનું ભૂત ભરાણું છે? 

 

પછી તો વાણિયાએ એકદમ જાહેરાત કરી દીધી કે ‘જાઓ આખા ગામનું ખાડું (ભેંસનું ટોળું) આપ્યું.’

 

વાણિયાની આ જાહેરાતથી ગામના લોકો ચોંકી ગયા. સાગમટે બોલી ઉઠ્યા કે ‘અરે શેઠ! ગામનું ખાડું તમારાથી થોડી આપી દેવાય? ઘેલા થયા છો?’ વાણિયાને તો એટલું જ જોઈતું હતું. એણે તરત ફેરવી તોળ્યું. હેં હેં હેં કરી હસી પડ્યો અને ગામ લોકોને સામું સંભળાવી દીધું કે ‘આપવા બેઠા હોઈએ ત્યારે જીભના મોળા ન ઊતરાય. જો ખાડું ના અપાય તો આખી ભેંસ કોઈ આપી દે એવું સાંભળ્યું છે ક્યાંય? તમ તમારે સાંભળ્યા કરો ને. કહેનાર ઘેલો ને સાંભળનાર પણ....’ વાણિયાએ ચતુરાઈ વાપરી લપસેલી જીભમાંથી છૂટી ગયેલી ભેંસ બચાવી લીધી.

 

ભાષા વૈભવ 

 

 એક કહેવત-અનેક સ્વરૂપ  

 

બાર ગાઉએ બોલી બદલાય એ નિયમ અનેક કહેવતોને પણ લાગુ પડે છે. એક જ કહેવત જુદા જુદા રૂપક સાથે સરખો ભાવાર્થ જાળવી પ્રચલિત થયેલી જોવા મળે છે. આ વાત ઉદાહરણોથી સ્પષ્ટ થઈ જશે. તમે ઊલમાંથી નીકળી ચૂલમાં પડ્યા કહેવત જરૂર સાંભળી હશે. અમુક લોકોને તો જાત અનુભવ પણ થયો હશે. એક મુશ્કેલીમાંથી માંડ નીકળ્યા ત્યાં બીજી વધુ મોટી મુશ્કેલીમાં અટવાઈ ગયા એ એનો ભાવાર્થ છે. આ જ કહેવત અલા ગઈ ને બલા આવી સ્વરૂપે પણ પ્રસિદ્ધ છે. સુભાગ્ય ગયું અને દુર્ભાગ્ય આવ્યું એ અર્થ અહીં અભિપ્રેત છે. એનો અન્ય અવતાર છે ઘરનાં ઉઠ્યા વનમાં ગયા ને વનમાં લાગી લાહ્ય. નસીબ બે ડગલાં આગળ ને આગળ, મુસીબત પીછો ન છોડે જેવી વાત થઈ. ઘરમાં ખાધે રાંડે ને બહાર ખાધે ભૂતે કહેવતમાં પણ પરિસ્થિતિનો વિરોધાભાસ જોવા મળે છે. બેઉ જગ્યાએ તકલીફ. આ જ ભાવ ભૂત મરે ત્યાં પલીત જાગે કહેવતમાં જોવા મળે છે. એક પીડા પૂરી થાય ત્યાં બીજી હું આવી ગઈ એમ કહી જાણે હાજર થઈ જાય એવી વાત છે. કફનફાડુ ગયો ને મેખમારુ આવ્યો કહેવતમાં પણ એવો જ ભાવ પ્રગટ થાય છે. કફનફાડુ એટલે શબને ઓઢાડેલું કપડું ઉઠાવી જનારી વ્યક્તિ. મેખમારુ એટલે બહુ કનડગત કરનારો માણસ. એકથી બીજું વધુ નઠારું એ ભાવ છે. કોડીલી ક્ધયાના સંદર્ભમાં આ કહેવત સુખને માટે સાસરે ગઈ ત્યાં દુ:ખનાં ઊગ્યાં ઝાડ સ્વરૂપે જોવા મળે છે. 

 

ગરીબને માથે તૂટી પડતા મુશ્કેલીના પહાડના ભાવના પ્રતિબિંબ સમી કહેવત છે બાર સાંધે ત્યાં તેર તૂટે. જાણે કે મુસીબતો લાઈનમાં જ ઊભી હોય.