નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2008ની સાલથી રમાય છે, આ વખતે 19મી સીઝન શરૂ થઈ છે અને એમાં રમી ચૂકેલા સેંકડો ખેલાડીઓમાંથી 10 પ્લેયર એવા છે જેમને ક્યારેય આઇપીએલમાં ચૅમ્પિયન (CHAMPION) નથી બનવા મળ્યું. આ 10 ખેલાડીમાંથી બે એવા છે જેઓ તાજેતરમાં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમના સ્ટાર છેઃ
(1) એબી ડિવિલિયર્સઃ સાઉથ આફ્રિકાનો આ ખેલાડી આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ વતી રમ્યો હતો, પરંતુ તેની કરીઅર દરમ્યાન આ બે ટીમ ચૅમ્પિયન નહોતી બની. તે આઇપીએલમાં કુલ 184 મૅચ રમ્યો હતો. 2025માં આરસીબીએ પહેલી વખત ટાઇટલ જીતી લીધું ત્યારે ડિવિલિયર્સે ટીમના નિવૃત્ત ખેલાડી તરીકે સેલિબે્રશનમાં ભાગ લીધો હતો.
AB de Villiers
(2) સંજુ સૅમસનઃ આઇપીએલમાં કુલ 177 મૅચ રમી ચૂકેલો સૅમસન અગાઉ રાજસ્થાન રૉયલ્સ ટીમમાં હતો અને આ વખતથી ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાયો છે. તે ભારતની 2026ના વર્ષની ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો સુપરસ્ટાર છે, પણ હજી સુધી તેને આઇપીએલની ટ્રોફી ઊંચકવા નથી મળી.
(3) યુઝવેન્દ્ર ચહલઃ આઇપીએલમાં 174 મૅચ રમી ચૂકેલો ચહલ વધુ એક ભારતીય પ્લેયર છે જેને ક્યારેય આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતવાનું સૌભાગ્ય નથી મળ્યું. ગયા વર્ષે તે પંજાબ કિંગ્સ ટીમમાં હતો અને એ ટીમ ફાઇનલમાં બેંગ્લૂરુ સામે હારી ગઈ હતી. ચહલ 2013થી 2025 સુધીમાં ચાર ટીમ (મુંબઈ, પંજાબ, બેંગ્લૂરુ, રાજસ્થાન) વતી રમી ચૂક્યો છે અને અત્યારે તમામ બોલર્સમાં 221 વિકેટ સાથે મોખરે છે, પરંતુ ક્યારેય આઇપીએલ ચૅમ્પિયન નથી કહેવાયો.
Amit Mishra
(4) અમિત મિશ્રાઃ આઇપીએલમાં ત્રણ વખત હૅટ-ટ્રિક લેનાર એકમાત્ર બોલર અમિત મિશ્રા આ ટૂર્નામેન્ટમાં કુલ 162 મૅચ રમવા છતાં ક્યારેય ચૅમ્પિયન પ્લેયર નથી કહેવાયો. તે દિલ્હી તેમ જ ડેક્કન, લખનઊ અને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝી વતી રમી ચૂક્યો છે.
(5) અક્ષર પટેલઃ તાજેતરની ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો આ ઑલરાઉન્ડર દિલ્હી કૅપિટલ્સનો સુકાની છે અને આઇપીએલમાં કુલ મળીને 162 મૅચ રમ્યો છે, પણ ક્યારેય તે ચૅમ્પિયન ખેલાડી નથી બની શક્યો. તે દિલ્હી ઉપરાંત પંજાબ વતી પણ રમ્યો છે.
(6) કે. એલ. રાહુલઃ ટીમ ઇન્ડિયાનો આ મહત્ત્વનો ખેલાડી આઇપીએલમાં કુલ 145 મૅચ રમ્યો છે અને દિલ્હી, પંજાબ કિંગ્સ, લખનઊ, કિંગ્સ ઇલેવન પંજાબ, બેંગ્લૂરુ, હૈદરાબાદ સહિત કુલ છ ટીમ વતી રમ્યો છે, પણ ક્યારેય તેને ચૅમ્પિયન ટીમનો મેમ્બર બનવા નથી મળ્યું. તેણે આઇપીએલની કુલ 145 મૅચમાં કુલ 5,222 રન કર્યા છે.
Chris Gayle
(7) ક્રિસ ગેઇલઃ એબી ડિવિલિયર્સની જેમ ગેઇલ પણ એવો કમનસીબ ખેલાડી છે જેની નિવૃત્તિ પછી આરસીબીની ટીમ ચૅમ્પિયન બની. આઇપીએલમાં તે કુલ 142 મૅચ રમ્યો અને અનેક વિક્રમ પોતાના નામે લખાવ્યા એમ છતાં તેને ક્યારેય ચૅમ્પિયન નથી બનવા મળ્યું.
(8) ગ્લેન મૅક્સવેલઃ ઑસ્ટ્રેલિયાનો આ ખેલાડી વારંવાર ઈજાનો શિકાર થયો છે. તે આઇપીએલમાં કુલ 141 મૅચ રમ્યો છે, પરંતુ ક્યારેય ચૅમ્પિયન ટીમનો ખેલાડી નથી કહેવાયો. તે પંજાબની બન્ને ટીમ (કિંગ્સ ઇલેવન પંજાબ અને પંજાબ કિંગ્સ) ઉપરાંત દિલ્હી, મુંબઈ અને બેંગ્લૂરુ વતી પણ રમ્યો છે.
Sandeep Sharma
(9) સંદીપ શર્માઃ સારા-સારા બૅટ્સમેનોને સ્વિંગની કળાથી ગૂંચવી નાખતા આ પેસ બોલરે પંજાબની બન્ને ટીમ (કિંગ્સ ઇલેવન પંજાબ તથા પંજાબ કિંગ્સ) ઉપરાંત રાજસ્થાન અને હૈદરાબાદની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે અને કુલ 146 વિકેટ લીધી છે. જોકે તેને ક્યારેય ચૅમ્પિયન ટીમનો હિસ્સો નથી બનવા મળ્યું.
(10) રિષભ પંતઃ આ વિકેટકીપર-બૅટ્સમૅન આઇપીએલમાં કુલ 125 મૅચ રમ્યો છે, પરંતુ ક્યારેય ફાઇનલ નથી જીત્યો. 2025ની આઇપીએલનો 27 કરોડ રૂપિયાની કિંમતનો આ સૌથી મોંઘો ખેલાડી આ વખતે લખનઊને ચૅમ્પિયન બનાવી શકશે કે કેમ એ જોવું રહ્યું.