Sun Jul 12 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ યોગ પછી ભોગ-પ્રયોગનું આડું-અવળું

2026-07-09 08:41:00
Author: Pragya Vashi
Article Image

 

પ્રજ્ઞા વશી

‘અન્ન પારકું છે, કંઈ પેટ પારકું નથી.’ આ કહેવત કહી કહીને વડીલો થાકી ગયા, પણ પેટને વારંવાર ભોગ ધરાવનારાઓની સંખ્યા એટલી વધી ગઈ કે આખરે સરકારશ્રીએ આ પ્રશ્નનાં તેમ જ પેટુઓની સમસ્યાના નિરાકરણ માટે અને સાથે સાથે મન ઉપર પણ કાબૂ પ્રાપ્ત કરવા ‘યોગ-ડે’ જાહેર કરવો પડ્યો હશે. એવું ગહન ચિંતન બાંકડે બેસીને બેપેટુઓ પોતાના ગોળમટોળ (એમના મતે તંદુરસ્ત) પેટ ઉપર હાથ ફેરવીને કરી રહ્યા હતા. આ ગાઢ મિત્રોને હજી કોઈ કન્યા વરમાળા પહેરાવવા તૈયાર થઈ નથી. 

એટલે એમના વડીલોએ બગીચામાં ચાલતા ફ્રી યોગાક્લાસમાં મોકલ્યા હતા, પણ સમદુ:ખિયા બન્ને મિત્રો પોતાના આ પેટને તંદુરસ્તીની નિશાનીમાં ખપાવીને ઘરેથી તો નીકળતા, પણ બગીચાના બાંકડે બેસીને માત્ર વધેલા પેટ અને શરીર ઉપર જ ચિંતન જ કરતા હતા. તેમજ બહાર ઊભેલી લારીઓમાંથી ગરમાગરમ લોચો, ખમણ, ભજિયાં તેમજ જાત જાતનાં જ્યુસનો ભોગ પોતાના પેટને ધરાવીને ઓડકાર ખાતાં-ખાતાં ઘરે પહોંચતા હતા.

ઘણીવાર થાય છે કે આ નિયમિત પેટને ભોગ ધરનારાઓ યોગ કરશે ખરા? સરકારી યોજનાઓને ઊંધી પાડનારા આવા પેટુઓની સંખ્યા સામે યોગ કરાવનારા યોગીઓ જીતશે ખરા?  

છ મહિનાના યોગપ્રયોગ બાદ વજનકાંટે ચડેલા એ બંને પેટુઓનું વજન સિત્તેરની જગ્યાએ નેવું થયું! ત્યારે મા-બાપને ખ્યાલ આવ્યો કે બગીચાની અંદર યોગ અને બગીચાની બહાર ભોગનો પ્રબંધ પણ મોટા પાયા ઉપર ચાલે છ. અમારા નબીરાઓએ બાગમાં જઈને માત્ર પેટને ભોગ ધરાવવાનું પુણ્યનું કામ જ કર્યું છે અને બાંકડે બેસીને ‘યોગ કરનારાઓ કેટલા મૂરખ છે!’ એ વિષય ઉપર ગહન ચિંતન જ કર્યું છે. એમાંના એક વડીલે તો કહ્યું કે બગીચાની બહાર સવાર-સવારમાં નાસ્તા તેમજ જ્યુસની લારીઓ ઉપર બાન મૂકવું જોઈએ. 

સુંદર અપ્સરાઓ નર્તન કરતી હોય તો સ્વાભાવિક છે કે મહાન સંતો કે પછી દેવાધિદેવ પણ ચલિત થઈ શકે છે. તો પછી સામાન્ય માણસનું તો શું ગજું? સરકારે વહેલામાં વહેલી તકે બગીચાની બહારની ભૂંસા, ભજિયાં, ખમણ, લોચાની લારીઓ દૂર કરવી. અને હા, બહેનો તેમ જ ભાઈઓના યોગના વર્ગો અલગ-અલગ દૂર-દૂરના બાગમાં રાખવા, જેથી ન બનવા જેવી બીજી કોઈ દુર્ઘટના ઉદ્ભવે નહીં. બહેનો માટે બહેન પ્રશિક્ષક અને ભાઈઓ માટે પ્રશિક્ષક રૂપે ભાઈ જ હોય તે ભૂલવું નહીં. બની શકે તો સરકારે દરેક યોગ કરનારને સંપૂર્ણ શરીર ઢાંકી શકાય એવાં વસ્ત્રોની પણ સત્વરે જોગવાઈ કરવી જોઈએ.

સરકારશ્રીને ખબર જ હશે કે આજકાલ રીલ બનાવવાનું દૂષણ કેટલું વધી ગયું છે. ટૂંકાં વસ્ત્રો પહેરીને યોગ કરનારના ફોટાઓ વાઇરલ થાય તો આખરે આપણી સંસ્કૃતિ અને સભ્યતા ઉપર જ લાંછન લાગે એ સ્વાભાવિક છે. આપણા દેશના યોગા વિદેશોમાં પણ બધાએ અપનાવ્યા છે. પણ ત્યાં કોઈ ટૂંકાં કપડાંવાળાઓના રીલ બનાવતા નથી કે નથી ઝીણી આંખે કોઈ એકબીજાને જોવામાં યોગ કરવાનું ભૂલી જતા. સરકારશ્રી તો જાણે જ છે કે આપણા દેશમાં તો પોતે શું કરવાનું છે એના ઉપર ધ્યાન ન આપતાં બીજા બધા શું કરે છે એ જોવામાં જ પોતાની બધી યોગશક્તિ વાપરી નાખે છે. એટલે ‘દેખવું નહીં ને દાઝવું નહીં.’ આપણે બધાને માથાથી લઈ પગના તળિયા સુધીનાં કપડાં પહેરાવીને જ યોગા કરાવવા જરૂરી બને છે.

જોકે યોગ સાથે ભોગ (ભોજન) આપવું એ પણ એટલું જરૂરી બને છે. શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે યોગ કર્યા પછી હેલ્ધી ફૂડ-જ્યુસ પણ જો સરકાર પોતાની યોજનામાં સામેલ કરી દે, તો જ સશક્ત, હેલ્ધી મન-તનવાળા, તંદુરસ્ત શરીર સૌષ્ઠવવાળી પ્રજાતિઓ ભારતને મળશે. આવી મજબૂત પ્રજાતિ આવનારા મહારોગો, મહાયુદ્ધો કે પછી માનસિક-શારીરિક વિટંબણાઓ ઉપર ખરી ઊતરશે. વિદેશના રુષ્ટપુષ્ટ જવાનો સામે આપણા માયકાંગલા લાગતા યુવાનોનું દેહ સૌષ્ઠવ ખરાખરીનો જંગ જીતી શકશે.

આમ તો સરકારશ્રી વારંવાર નવી નવી યોજનાઓ બહાર પાડે છે અને એનો લાભ લેનારાઓ જ સરકારશ્રીને ભાંડે પણ છે. પણ ના, અમે આ સૂચન કરનારાઓ એવા સાવ નકામા નથી.

સમયે સમયે અમને પ્રજાહિત તેમજ રાષ્ટ્રહિત  પણ બધાના હિતાર્થે મજબૂત તેમ જ યથાયોગ્ય સૂચનો કરીને દેશ કેમ ચલાવવો અને લોકોને કઈ રીતે કામમાં રાખવા એ યુક્તિઓ બતાવવાનું પરમ કૃત્ય કરવું ગમે છે એટલે જ આવા એક પછી એક ‘ડે’ની ઉજવણી કરતાં રાખીને લોકોનું મગજ બને એટલું બંધ કરાવી દેવું. જેમ કે યુવાનો વેલેન્ટાઈન ડે, કિસ ડે, પતંગ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે-આમ તમામ વિદેશી ડે ઉપરાંત સ્વદેશી ડેની ઉજવણી પણ રંગેચંગે પાર પાડવામાં જીવન ધન્ય કરી રહ્યા છે. આ પ્રકારની ફીલિંગ આમ જનતામાં ઊછળતી રહે, પાંગરતી રહે તો દરેક બુદ્ધિશાળીઓ અને કારભારીઓને નિરાંતે ઊંઘ આવી જશે. ખોટાં કામ કે અન્યને ઊંધે પાટે ચડાવવાનું કૃત્ય પણ ઓછું થાય એમ છે.

-તો સત્વરે અમારાં સૂચનો ઉપર સરકારશ્રી તેમ જ દેશના આકાઓ ધ્યાન આપીને ઘટતુ ંકરશે તો દેશની પ્રગતિ અને જાહોજલાલીને ચાર ચાંદ લાગી જશે.

આમ તો બાકી વસ્તી વધારાથી સુશોભિત દેશમાં સવારે ડે ઊગશે અને સાંજે ડે આથમશે. રહી ઉજવણીની વાત, તો આ દેશનું ડીએનએ જ એટલું રંગીન છે કે લોકો જીવન તો શું, મૃત્યુને પણ મહોત્સવમાં ફેરવી શકે એમ છે. જાતજાતના યોગ અને યોગીઓથી ભરેલા આ દેશમાં એક પણ ડે રંગ વગરનો કે ઉત્સવની ઉજવણી વિનાનો નહીં રહે...