Sun Apr 26 2026

Logo

વિશ્વની પ્રથમ માતૃભાષા ભાગવત સપ્તાહને હિમાલય સફળતા

2026-04-26 11:12:00
Author: Mumbai Samachar Team
Article Image

દિવસ સાતમો - 8-4-2026

204 વર્ષ જૂના એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ આયોજિત દેશની વિવિધ માતૃભાષાના રક્ષણ અને સંવર્ધન માટે મુંબઈના પરા બોરીવલીના ચીકુવાડી વિસ્તારના સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલમાં બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ દરમિયાન આયોજિત વિશ્વની પ્રથમ માતૃભાષા ભાગવત સપ્તાહને હિમાલય જેવી ઉત્તુંગ સફળતા મળી હતી. 

મુંબઈના ઈતિહાસમાં પહેલી જ વાર બે લાખ સ્કવેર ફીટના એર-કન્ડિશન્ડ ડોમમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ‘મુંબઈ સમાચાર’ દ્વારા ગુજરાતી ભાષાના આદરણીય સાહિત્યકારોનું ભાઈશ્રી રમેશ ભાઈ ઓઝાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું ત્યારે અખબારના તંત્રી નીલેશ દવેએ ભાઈશ્રીને આ પ્રકારની ભાગવત સપ્તાહના આયોજનની રૂપરેખા આપી હતી. એ વિચારનો અમલ થયો અને એક અસાધારણ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું.

મુંબઈ સમાચાર પ્રેરિત માતૃભાષા પ્રતિષ્ઠાનના નેજા હેઠળ વિશાળ ફલક પર આયોજિત કરવામાં આવેલી ભવ્ય માતૃભાષા ભાગવત સપ્તાહમાં ઝાઝા હાથ રળિયામણા હોય એ જરૂરી અને સ્વાભાવિક કહેવાય. આર્થિક, શારીરિક, માનસિક એમ દરેક સ્તરે સહકાર આવશ્યક હોય. 

આર્થિક સહકારમાં અદાણી ગ્રૂપ, મુખ્ય મનોરથી ‘સ્કાયલાઈન ઈન્ફ્રા ફોર્જ’ના શ્રી સૌરભ મહેતા, સહ મનોરથી ‘ગંધાર ગ્રૂપ ઓફ કંપનીઝ’ના શ્રી રમેશભાઈ પારેખ, ‘મુંબઈ સમાચાર’ મેનેજમેન્ટ (હોરમસજી કામા), ડેન્યુબ પ્રોપર્ટીઝ દુબઈ ઉપરાંત બ્રાઈટ આઉટડોર મીડિયા, નીલકંઠ ગ્રૂપ, સુરભિ ગ્રૂપ, નીલા ફિલ્મ પ્રોડક્શન્સ, અજમેરા ગ્રૂપ, એમઆઈસીએલ, શોગ્લીટઝ, નેચરપયોર વેલનેસ, જેવીએમ ચેરિટેબલ ફાઉન્ડેશન, મુંજાલ, હેમ અગરબત્તી, અપાર એડવર્ટાઈઝર્સ, હાઈટેક ઈવેન્ટ્સ, રુદ્રમાર, રાજશ્રી બિલ્ડર્સ, અરવિંદભાઈ ખત્રી એન્ડ સન્સ, સિલ્વર બિલ્ડર્સ અને માતૃભાષા માનવવંદનાનો સમાવેશ હતો.

વ્યક્તિગત ધોરણે શ્રી પરાગ શાહ, શ્રી જિજ્ઞેશ ભુતા, શ્રી નિરવ મહેતા, શ્રી સંતોષ સિંહ, શ્રી જસ્મીન શાહ, શ્રી જિજ્ઞેશ હિરાણી, શ્રી મુકેશ પટેલ, શ્રી જિતેન્દ્ર મહેતા, શ્રી શોભિત દેસાઈ, શ્રી રાજુ સાવલા, શ્રી જગદીશ ઓઝા, શ્રી મિલન ત્રિવેદી (રાજકોટ), શ્રી અરવિંદ શાહ, શ્રી ભાર્ગવ પટેલ, શ્રી દુષ્યંત સોની (દુબઈ), શ્રી યોગેશ સાગર, શ્રી સંજય ઉપાધ્યાય, શ્રી અસીતકુમાર મોદી, શ્રી જે. ડી. મજેઠિયા, શ્રી સંજય છેલ, શ્રી મુકેશ મહેતા, શ્રી ભૂપેન્દ્ર મહેતા, શ્રી વિપુલ પારેખ, શ્રી વિરલ ચિતલિયા અને શ્રીમતી માધવી મહેતાના સાથ - સહકાર મળ્યાં હતાં. 

આ માતૃભાષા ભાગવત સપ્તાહની કેટલીક લાક્ષણિકતાઓ હતી. જેમકે દરરોજ પ્રભુ પ્રીતિ સાથે ભાષા પ્રીતિને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કથા વાંચનની સમાપ્તિ પછી દરરોજ સાંજે મરાઠી, ગુજરાતી તેમ જ હિન્દી ભાષામાં સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ વીસેક હજાર (ક્યારેક તો એનાથી વધુ) ભાવિકોએ ભાઈશ્રીની કથાનું રસપાન કર્યું એ જ ઉત્સાહ અને લગન સાથે સંગીત જલસાનો પણ આનંદ લીધો હતો. એસી ડોમમાં કથા શ્રવણ વિનામૂલ્યે હતું અને દરરોજ પ્રસાદ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આ વિશિષ્ટ ભાગવત સપ્તાહ અને સંગીત કાર્યક્રમનો લાભ દેશ વિદેશના ભાવિકો વર્ચ્યુઅલી લઈ શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈ સમાચારની ટીમના ડિજિટલ માધ્યમના સભ્યો અને પ્રિન્ટ થતાં અખબાર સાથે સંકળાયેલા સભ્યોએ દૈનિક કાર્યક્રમને આવરી લેવામાં તેમજ 151 સાહિત્યકારોની જાણકારી આપવામાં સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત મંચ પરથી વિવિધ એનાઉન્સમેન્ટમાં  રાજકોટના શ્રી મિલન ત્રિવેદી, દેવાંશુ ત્રિવેદી અને દેવ દવેનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું. 

100થી વધુ પોથીઓ માટે આવેલા ભૂદેવોને દક્ષિણા મુખ્ય મનોરથી સૌરભ મહેતા તરફથી આપવામાં આવી હતી.

આ માતૃભાષા ભાગવત સપ્તાહમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી ‘મુંબઈ સમાચાર’ના પ્રયાસની પ્રશંસા કરી હતી. પ્રસંગોચિત વક્તવ્યમાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણના પરિપૂર્ણ ચરિત્ર  અને રુક્મિણી વિવાહ સંદર્ભે રુક્મિણી વિદર્ભના (ફડણવીસ નાગપુરના છે જે વિદર્ભનો હિસ્સો છે) હતા અને વિદર્ભથી જ તેમણે પ્રભુને પત્ર લખ્યો હોવાની રજૂઆત કરી હતી.

આ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર ભાઈશ્રી ઉપરાંત શંકરાચાર્ય, વૈષ્ણવાચાર્ય, યદુનાથજી મહારાજ અને જૈન મુનિ નમ્ર મુનિની હાજરી અને એમના આશીર્વચનનો લાભ ભાવિકોને મળ્યો હતો.

ભવ્ય માતૃભાષા ભાગવત સપ્તાહની ભાવુક પૂર્ણાહુતિ 

બીજી એપ્રિલથી શરૂ થયેલા મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થઈ ત્યારે થોડી વાર માટે વ્યાસપીઠ પર ભાઈશ્રી ગળગળા થઈ ગયા હતા. હજી રવિવારે આનંદ - ઉલ્લાસના વાતાવરણમાં કૃષ્ણજન્મના વધામણાં કર્યા પછી ‘એકલા જ આવ્યા ને એકલા જ જવાના’ પદની રજૂઆત સાથે ભગવાનની લીલા સંકેલી લેવાની વાત લાગણીવશ કરી દેનારી હતી. 

‘પ્રાચીના પીપળે દ્વારિકાધીશ એકલા હતા ત્યારે તેમણે આ ધરતી પરથી લીલા સંકેલી લીધી’ રજૂઆત કરતી વખતે ભાઇશ્રીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. દરેક જીવમાં પરમાત્મા વસે છે એનો આ ઉચ્ચ અનુભવ હતો. પ્રાચી તીર્થ (સોમનાથ નજીક) ખાતે આવેલો પવિત્ર પીપળો ભગવાન શ્રી કૃષ્ણ (દ્વારિકાધીશ) સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ પ્રાચીન પીપળાના વૃક્ષ નીચે ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ (ભાલકા તીર્થ) પૂર્વે વિશ્રામ કર્યો હોવાની લોકવાયકા છે.

ભાઈશ્રીએ ઈન્દ્રિયોના નિગ્રહ-ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાની વાત કરી જે આજના સમયકાળમાં બહુ જ મહત્ત્વ ધરાવે છે. ભાઈશ્રીએ જણાવ્યું કે ‘આંખથી શું જોવું અને શું ન જોવું, કંટ્રોલ કરો, સ્વ નિયંત્રણ રાખો. આંખો ફોડી ન નખાય,નહીંતર હરિ દર્શન કેમ થશે? કાનના પડદા તોડી ન નખાય, નહીંતર હરિકથાનું શ્રવણ કેવી રીતે કરશો? કૂથલી સાંભળવાનું બંધ કરો. કથા સાંભળો. વાત નિયંત્રણની છે, કંટ્રોલ કરવાનો છે. 

જીભને સ્વાદના બહુ ચટકા લાગ્યા હોય તો જીભને કાપીને ફેંકી થોડા દેવાય છે? એને કાબૂમાં રાખો, નહીંતર કૃષ્ણ કીર્તન કેમ થશે? ઈન્દ્રિયોનો નાશ નથી કરવાનો નિગ્રહ કરવાનો છે. કૃષ્ણએ કાળી નાગનો નિગ્રહ કર્યો. કાળી નાગમાં વિષ હતું, ઈંદ્રિયોમાં પણ વિષ હોય છે પણ જો એને કાબૂમાં રાખી શકાય તો એ વિષ દૂર થઈ જાય છે અને મન પ્રભુમય બની જાય છે.’ આ જ છે ભાગવત વાંચનનો આશય.

પૂર્ણાહુતિ બાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયેલા અનેક લોકોનું સન્માન કરવામાં આવ્યું.  મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ આભાર પ્રગટ કરતાં જણાવ્યું હતું કે ‘આ કથા માટે જેમણે મને એક જ મિનિટ માટે હકારમાં જવાબ આપ્યો એવા પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો હું ઋણી છું. થોડી વાર પહેલા મને કોઈએ પૂછયું કે તમારું સપનું સાકાર થયું? મેં એ ભાઈને કહ્યું કે ‘આ તો સપનાની શરૂઆત છે.’ આ વાતને હજારોની સંખ્યામાં હાજર રહેલા ભાવિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. અનેક મનમાં પ્રશ્ન રમતો થયો હશે કે ‘મુંબઈ સમાચાર’નું નવું આયોજન શું હશે?