વિશ્વમાં કયા દેશના બાળકો સૌથી વધુ બુદ્ધિશાળી છે એ જાણવા માટે ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) એક મહત્વનું અને વિશ્વસનીય માપદંડ માનવામાં આવે છે. વર્ષ 2026ના તાજેતરના અહેવાલ મુજબ, આ રેન્કિંગમાં કયા એશિયન દેશોએ ફરી એકવાર મેદાન માર્યું છે અને આ યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે એ તમામ વિગતો જાણીશું...
સમગ્ર વિશ્વમાં બુદ્ધિના સ્તરની સરખામણી કરવા માટે ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ એટલે કે આઈક્યૂ સ્કોરનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ સામે આવેલા ગ્લોબલ રિપોર્ટ અનુસાર, પૂર્વી એશિયાના દેશો શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતામાં વિશ્વના અન્ય દેશો કરતાં ખૂબ જ નોંધપાત્ર રીતે આગળ પડતાં છે. હવે આવી સ્થિતિમાં ભારતનું સ્થાન આ યાદીમાં કેટલામું છે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે.
વિશ્વના સૌથી વધુ આઈક્યૂ ધરાવતા બાળકોની આ યાદીમાં જાપાન નંબર વન પર છે. જાપાન 106.48ના એવરેજ આઈક્યૂ સ્કોર સાથે વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી દેશ તરીકે ઉભરી આવ્યો છે. જાપાનને ટક્કર આપીને તાઈવાન બીજા નંબર પર છે. તાઈવાનનો ઓન એન એવરેજ આઈક્યૂ સ્કોર 106.47 જેટલો છે.
આ ગ્લોબલ રિપોર્ટમાં એશિયન દેશોનો પણ દબદબો જોવા મળ્યો છે. ચીન, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશો પણ સરેરાશ 106-107ના આઈક્યૂ સ્કોર સાથે સતત ટોપ રેન્કિંગમાં જળવાઈ રહ્યા છે.
શા માટે આ દેશો આગળ છે?
નિષ્ણાતોના મતે, ઉંચા આઈક્યૂ સ્કોર પાછળ માત્ર આનુવંશિકતા જ નહીં, પરંતુ અન્ય અનેક કારણો જવાબદાર છે. જેમ કે શિક્ષણ પ્રણાલી, બાળપણનો વિકાસ, યોગ્ય પોષણ વગેરે વગેરે. જાપાન અને સિંગાપોર જેવા દેશોએ શિક્ષણ ક્ષેત્રે જંગી રોકાણ કર્યું છે. બાળકના શરૂઆતના વર્ષોમાં તેના માનસિક વિકાસ પર આપવામાં આવતું ધ્યાન મહત્વનો ભાગ ભજવે છે. સંતુલિત આહાર અને યોગ્ય પોષણ પણ બુદ્ધિના સ્તરને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ યાદીમાં ભારતનું સ્થાન ક્યાં?
ગ્લોબલ રેન્કિંગમાં ભારતનો સરેરાશ આઈક્યૂ સ્કોર 76.24 જેટલો છે અને આ સ્કોર સાથે ભારતની ગ્લોબલ રેન્કિંગ 143મી છે. ભારતની આટલી ઓછી રેન્કિંગના કારણ વિશે વાત કરીએ તો ભારતમાં શિક્ષણ સુધી મર્યાદિત પહોંચ, આરોગ્ય સેવાઓનો અભાવ અને સામાજિક-આર્થિક અસમાનતાઓને આ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સરેરાશ સ્કોર ઓછો હોવા છતાં, ભારત દુનિયાના કેટલાક સૌથી તેજ મગજ ધરાવતા લોકોનું ઘર છે. આઈક્યૂ સ્કોર સમગ્ર દેશની સરેરાશ દર્શાવે છે, તે વ્યક્તિગત ક્ષમતા કે સંભવિતતાનું માપદંડ નથી