Fri May 15 2026

Logo

મુંબ્રામાં પિતાના ઘરે આવેલી મહિલાએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

2026-05-13 17:47:20
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં પિતાના ઘરે આવેલી 33 વર્ષની મહિલાએ ઇમારતના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આયખું ટૂંકાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇ-પુણે માર્ગ પર દોસ્તી પ્લાનેટ નોર્થ કોમ્પ્લેક્સમાં બુધવારે સવારે 11.15 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૃતકની ઓળખ શર્મિન ફૈઝલ નાખવા (33) તરીકે થઇ હતી.

પ્રાથમિક માહિતી મુજબ મુંબ્રામાં રહેતી શર્મિન નાખવા એ જ વિસ્તારમાં ઇમારતના છઠ્ઠા માળે રહેતા પિતા શબ્બીર ડિંગાના ઘરે આવી હતી.

શર્મિને બુધવારે સવારના છઠ્ઠા માળે ફ્લેટની બારીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. શર્મિનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.

મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શર્મિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી આવી ન હોવાથી શર્મિને ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ કહ્યું હતું.