Mon Sep 14 2026

Logo

મુંબઈના વૃક્ષો થશે કેબલ-વાયર મુક્ત

2026-09-02 09:10:38
Author: Sapna Desai
મુંબઈના વૃક્ષો થશે કેબલ-વાયર મુક્ત

AI Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:  મુંબઈના તમામ સાર્વજનિક વૃક્ષોનું સર્વેક્ષણ કરીને તેના પર બાંધવામાં આવેલા અથવા તેના નુકસાનકારક રહેલા કેબલ, વાયરોને ઓળખીને સંબંધિત યંત્રણા સાથે સમન્વય સાધીને તેને હટાવવાની અથવા તેનું સ્થળાંતર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા બાબતે મુંબઈ મહાનગરપાલિકા વિચારાધીન છે.

મુંબઈમાં ઠેર ઠેર વૃક્ષો પર લગાડવામાં આવતી લાઈટો અને તેના પર બાંધવામાં આવતા કેબલો અને અન્ય યુટિલિટીઝ કેબલને કારણે વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દો પાલિકાની ટ્રી ઓથોરિટીની બેઠકમાં ચર્ચા માટે આવ્યો હતો. નગરસેવક અને કમિટીના સભ્ય સિદ્ધાર્થ શર્માએ આ બાબતે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને વૃક્ષોના સંરક્ષણ માટે તાત્કાલિક ઉપાયયોજના અમલમાં મૂકવાની માગણી કરી હતી. તેમણે પાલિકા કમિશનર અને ટ્રી ઓથોરિટીના અધ્યક્ષને આ બાબતે નિવેદન પણ રજૂ કર્યું હતું.

સિદ્ધાર્થ શર્માએ ટ્રી ઓથોરિટીની બેઠકમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા કહ્યું હતું કે મુંબઈના ઝાડ કોઈ ખાનગી ટેલિકોમ અથવા ખાનગી કંપનીની મિલકત નથી. આ લોકો તેનો યુટિલિટિઝ પોલ તરીકે  ઉપયોગ કરી રહ્યા છે. ઝાડની આજુબાજુ કેબલ વીંટાળીને અને તેની ડાળખીઓ પર લટકતા વાયર તેમ જ ઝાડના થડને ખોદીને તેમાં નાખવામાં આવતા સ્ક્રૂ સહિત અન્ય સાધનોને કારણે ઝાડને નુકસાન થઈ રહ્યું છે. તેથી પાલિકાની મંજૂરી વગર ઝાડ પર કરવામાં આવતી લાઈટિંગ, કેબલ વાયરો વગેરે નાંખનારી ટેલિકોમ કંપની, કેબલ ઓપરેટરની માહિતી, આવશ્યક પાલિકાના લાઈસન્સ, એનઓસીની તપાસ કરીને ઝાડને નુકસાન પહોંચાડનારાની ઓળખ કરીને તેમની સામે યોગ્ય પગલાં લેવા આવશ્યક છે.

સિદ્ધાર્થ શર્માએ  ઝાડના સંવર્ધન અને સંરક્ષણ માટે ‘વૃક્ષ સંજીવની -કેબલ-ફ્રી-ટ્રી’ ઝુંબેશ હાથ ધરી તે અંતર્ગત સાર્વજનિક ઝાડનું સર્વેક્ષણ કરીને ઝાડને બાંધવામાં આવેલા કેબલને ઓળખીને સંંબંધિત યંત્રણા સાથે સમન્વય સાધીને તેને દૂર કરવા અથવા સ્થળાંતર કરવા માટે એક્શન પ્લાન ઘડવાની માગણી કરી હતી. તેમ જ ૩૦ દિવસની અંદર સંબંધિત  વિભાગને નિર્દેશ આપીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની માગણી પણ તેમણે કરી હતી, જેના પર કમિશનરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.