Sun Oct 04 2026

Logo

એઆઇની ઝડપ બેકાબૂ: સંશોધકોની ચેતવણી છતાં ટ્રમ્પ બ્રૅક મારવા તૈયાર નથી

New York   2026-09-13 21:15:16
Author: Mumbai Samachar Team
એઆઇની ઝડપ બેકાબૂ: સંશોધકોની ચેતવણી છતાં ટ્રમ્પ બ્રૅક મારવા તૈયાર નથી

સૅમ ઑલ્ટમેન, ઇલોન મસ્ક અને ડારિયો અમોદેઇની ચેતવણી ફગાવતા ટ્રમ્પે કહ્યું - 'ચીનથી પાછળ રહી જવાય તે મંજૂર નથી'

ન્યૂ યૉર્ક: આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ (એઆઇ)ના અગ્રણી ઍન્થ્રોપિકના ડારિયો અમોદેઇ, ઑપનએઆઇના  સૅમ ઑલ્ટમેન અને ઇલોન મસ્કે એઆઇના વિકાસની ઝડપ ધીમી કરો નહીં તો એઆઇ માનવના નિયંત્રણની બહાર નીકળી જશે એવી ચેતવણી ઉચ્ચારી એ પછી આ મામલે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે રવિવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એઆઇના વિકાસને ધીમો પાડવાનો સવાલ નથી થતો. તેમણે એઆઇની ગતિ પર બ્રૅક મારવાની સાફ ના પાડતા કહ્યું હતું કે, અમેરિકા એઆઇ રૅસમાં ચીનથી પાછળ રહી જવા માગતુ નથી.

ઍન્થ્રોપિકના સીઇઓ ડારિયો અમોદેઇએ શનિવારે એઆઇ ઉદ્યોગની ઝડપી ગતિ ધીમી કરવાની હિમાયત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો એઆઇ મૉડેલે આટલી ઝડપી ગતિએ સુધરતા રહેશે, તો માનવીઓ આ સિસ્ટમોને સમજવા અને નિયંત્રિત કરવાની ક્ષમતામાં પાછળ રહી શકે છે.

ઍન્થ્રોપિક સાથે સંકળાયેલા સંશોધકોના જાહેર રાજીનામા બાદ અમોદેઇએ એઆઈ વિકાસને ધીમો પાડવાની તેમની યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઍન્થ્રોપિક પોતાની સિસ્ટમ સુધી ત્રીજા પક્ષના મૂલ્યાંકનકારોને કાયમી અને કર્મચારીઓના સ્તરની પહોંચ આપશે જેથી તે સુરક્ષા પગલાંનું પાલન ચકાસી શકે, ઘટનાઓને રિપોર્ટ કરી શકે અને તાલીમ દરમિયાન માનવ હિતોમાં મોડલોની સુસંગતતાનું મૂલ્યાંકન કરી શકે.

અમોદેઇએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, આપણે એઆઇની સીમાઓ પર વિકાસની ગતિ નક્કી કરવી જોઈએ. મેં એક નવો લેખ લખ્યો છે કે એઆઇ ઉદ્યોગ શા માટે ધીમો પડવો જોઈએ અને ત્રણ ભાગની યોજના આવું કરવા માટે કેવી હોઈ શકે છે.

ઍન્થ્રોપિક આમાંથી પ્રથમ પગલાંને એકપક્ષી રીતે અપનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે થર્ડ પાર્ટી મૂલ્યાંકનકારોને અમારી સિસ્ટમ્સમાં કાયમી, કર્મચારી-સ્તરની ઍક્સેસ પ્રદાન કરીશું જેથી તેઓ અમારા સુરક્ષા પગલાંનું પાલન ચકાસી શકે, ઘટનાઓને રિપોર્ટ કરી શકે અને તાલીમ દરમિયાન માનવ હિતો સાથે મોડેલોની સુસંગતતાનું મૂલ્યાંકન કરી શકે.

તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે એઆઇ જીવનની ગુણવત્તા સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, પરંતુ તેના ફાયદાઓ ગંભીર જોખમો સાથે પણ આવે છે. તેમણે લખ્યું, "હું છેલ્લા 12 વર્ષથી એઆઈ પર કામ કરી રહ્યો છું કારણ કે મારું માનવું છે કે તે માનવ જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. મેં ઘણીવાર આ જબરદસ્ત ફાયદાઓ વિશે લખ્યું છે. 

મારું માનવું છે કે એઆઈ આગામી 5-10 વર્ષોમાં મોટા ભાગના મુખ્ય રોગો માટે ઉપચાર શોધવામાં મદદ કરી શકે છે, આર્થિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપી શકે છે, વિપુલતા અને સશક્તીકરણની દુનિયા બનાવી શકે છે અને લોકશાહી અને સ્વતંત્રતાના નવા યુગની શરૂઆત કરી શકે છે.