Mon Oct 12 2026

Logo

ગણેશોત્સવનો આવતીકાલથી શુભારંભ: મુંબઈમાં બંદોબસ્ત માટે 16,800થી વધુ પોલીસ અધિકારી-કર્મચારી રહેશે ખડેપગે

2026-09-13 20:31:00
Author: Yogesh D. Patel
ગણેશોત્સવનો આવતીકાલથી શુભારંભ: મુંબઈમાં બંદોબસ્ત માટે 16,800થી વધુ પોલીસ અધિકારી-કર્મચારી રહેશે ખડેપગે

ChatGPT Image


મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફ, ક્યુઆરટી, હોમ ગાર્ડસ રહેશે તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાનું સોમવારે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે મહાનગરમાં બંદોબસ્ત માટેની તૈયારી કરી લીધી છે. મુંબઈમાં નાગરિકો સુરક્ષિત રીતે અને નિર્ભયતાથી ગણેશોત્વની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે તેમ જ તહેવારના સમયગાળા દરમિયાન કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે 16,800થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ બાપ્પાના આગમન અને વિસર્જન દરમિયાન વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા પોતાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક મંડળો દ્વારા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિ અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભાવિકો પણ મોટા પ્રમાણમાં ગણપતિના દર્શન કરવા માટે આવતા હોય છે. 

આથી ગણેશોત્સવ વખતે મુંબઈ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં સાત એડિશનલ પોલીસ કમિશનર, 37 ડેપ્યુટી પોલીસ કમિશનર અને બાવન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ઉપરાંત 2,650 પોલીસ અધિકારી અને 14,150 પોલીસ કર્મચારી તહેનાત રહેશે.

મહત્ત્વનાં સ્થળોએ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી), રાયટ્સ ક્ધટ્રોલ ટીમ (આરસીટી) અને હોમ ગાર્ડસ બંદોબસ્તમાં રહેશે. એ સિવાય બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે. 

ભીડ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટે પણ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે.

લોકોને ગિરદીના સ્થળે લોકોને સંયમ જાળવવા, પોલીસને સહકાર્ય કરવા તેમ જ નધણિયાતી કે શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક તેની માહિતી પોલીસને આપવા અને મદદ માટે પોલીસ હેલ્પલાઇન નંબર 100/112 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.