Sat Oct 03 2026

Logo

મુંબઈમાં ગણપતિબાપ્પાના આગમન સાથે જ મેઘરાજાની જોરદાર એન્ટ્રી

2026-09-14 07:51:00
Author: Sapna Desai
મુંબઈમાં ગણપતિબાપ્પાના આગમન સાથે જ મેઘરાજાની જોરદાર એન્ટ્રી

મહિના બાદ વરસાદે મુંબઈગરાને ભીંજવી નાખ્યા
મુંબઈના અનેક વિસ્તારોમાં ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઑગસ્ટ મહિનો સૂકો રહ્યા બાદ લગભગ એક મહિનાના લાંબા વિરામ બાદ શનિવાર મોડી રાતથી મુંબઈમાં વરસાદે જોરદાર એન્ટ્રી કરી હતી. મુંબઈના અનેક વિસ્તારોમાં ત્રણ આંકડામાં એટલે કે ૧૦૦ મિલીમીટરથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. તેથી ભારતીય હવામાન વિભાગ  ૧૩ સપ્ટેમ્બર માટે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લા માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવાની ફરજ પડી હતી. મુંબઈમાં સૌથી વધુ વરસાદ બીકેસીમાં ૧૪૭ મિ.મી. જેટલો નોંધાયો હતો. 

આ વર્ષે નબળા ચોમાસાની આગાહી મુજબ જ જૂનમાં મોડેથી ચોમાસાનું આગમન થયું હતું. જુલાઈ મહિનામાં મુશળધાર પડયા બાદ ઑગસ્ટ મહિનાથી વરસાદ ગાયબ થઈ ગયો છે. સપ્ટેમ્બરમાં છૂટાછવાયા વરસાદની શકયતા વચ્ચે શનિવાર મોડી રાતથી મુંબઈ, થાણે, પાલઘર સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયું છે. શનિવાર મોડી રાતથી મુંબઈમાં શરૂ થયેલો વરસાદ રવિવારે પણ આખો દિવસ સતત પડી રહ્યો હતો. તેથી અગાઉ જાહેર કરવામાં આવેલા ‘યલો અલર્ટ’ને હવામાન વિભાગે અપગ્રેડ કરીને ‘ઓરેન્જ અલર્ટ’ ની ચેતવણી આપી હતી, જે છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સૂચવે છે.

શહેરનાં ઓટોમેટિક વેધર સ્ટેશનો દ્વારા અનેક સ્થળોએ ત્રણ આંકડામાં વરસાદ નોંધાયો હતો. રવિવારે સવારે એક થી ૧૦ વાગ્યાની વચ્ચે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) માં સૌથી વધુ ૧૪૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ માગાઠાણે (૧૩૩ મિ.મી.), ચેમ્બુર (૧૨૭ મિ.મી.), ગોવંડી (૧૨૧ મિ.મી.), શિવડી (૧૦૬ મિ.મી.) અને દાદર (૯૮ મિ.મી.)માં વરસાદ નોંધાયો હતો. 

રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન  કોલાબા અને સાંતાક્રુઝ વેધશાળા દ્વારા નોંધાયેલ સરેરાશ વરસાદ અનુક્રમે ૩૦ મિ.મી. અને ૮૦ મિ.મી. હતો. હવામાન વિભાગના વરસાદના વર્ગીકરણ મુજબ સાંતાક્રુઝ વેધશાળામાં ભારે વરસાદ (૬૪.૫ મિ.મી. - ૧૧૫.૫ મિ.મી.) નોંધાયો હતો, જ્યારે કોલાબા વેધશાળામાં મધ્યમ વરસાદ (૧૫.૬ મિ.મી. થી ૬૪.૪ મિ.મી.) નોંધાયો હતો. આ વરસાદી તબક્કો ઑગસ્ટના મધ્યથી શહેરમાં જોવા મળેલા પ્રમાણમાં સૂકા વાતાવરણથી તદ્દન વિપરીત સ્થિતિ દર્શાવે છે. 

એકાદ દિવસમાં વરસાદનું જોર ઘટશે
હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ૧૮ ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટીને સિંગલ  આંકડામાં આવી ગયું હતું અને ઘણા દિવસો સુધી બિલકુલ વરસાદ પડ્યો ન હતો. ૧૫ ઑગસ્ટ પછી મુંબઈમાં અનુભવાયેલો આ વરસાદનો પહેલો નોંધપાત્ર તબક્કો છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ) ક્ષેત્ર વિદર્ભ અને દક્ષિણ મધ્ય પ્રદેશ થઈને આગળ વધ્યું હતું. લો-પ્રેશર વિસ્તારમાંથી ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં વિસ્તરેલા ‘ટ્રફ’ (હવાના દબાણનો પટ્ટો) એ પણ વર્તમાન વરસાદી તબક્કામાં ફાળો આપ્યો છે. જોકે આ હવામાન સિસ્ટમ લાંબા સમય સુધી ટકી રહેવાની અપેક્ષા નથી. સોમવારથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. 

ચોમાસાની વિદાય નજીક
દેશમાં નૈર્ઋત્યનું ચોમાસું  ૧૭-૧૮ સપ્ટેમ્બરની આસપાસ પશ્ર્ચિમ રાજસ્થાનથી ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ થશે. તેથી  આ સિઝનમાં મુંબઈ માટે આ છેલ્લો નોંધપાત્ર વરસાદી રાઉન્ડ હોઈ શકે છે. મુંબઈમાં ચોમાસાની વિદાય વખતે થતા ગાજવીજ સાથેના વરસાદનો દોર સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. મુંબઈમાં ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ આઠ ઑક્ટોબર છે. જોકે ગયા વર્ષે ૧૫ ઑકટોબરે વિદાયની જાહેરાત કરવામાં આવી હતી. 

અત્યાર સુધી ૨,૩૫૩.૬ મિ.મી. વરસાદ
મુંબઈમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૨,૩૫૩.૬ મિ.મી. વરસાદ નોંધાયો છે, જેનો મોટો હિસ્સો જુલાઈ મહિનામાં પડ્યો હતો. જુલાઈ સૌથી વધુ વરસાદવાળો મહિનો હતો જેમાં ૧,૭૬૯.૮ મિ.મી. વરસાદ થયો હતો, ત્યારબાદ જૂનમાં ૫૪૯.૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીમાં ઓગસ્ટમાં વરસાદમાં ભારે ઘટાડો થઈને તે ૧૭૬.૮ મિ.મી. પર આવી ગયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં માત્ર ૧૪૨.૧ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે આ મહિનાના સામાન્ય વરસાદ ૩૫૯.૬ મિ.મી.ની સરખામણીમાં ઘણો ઓછો છે. આમ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદના માત્ર ૪૦ ટકા જેટલો જ વરસાદ થયો છે, જે દર્શાવે છે કે જુલાઈના ભારે વરસાદના તબક્કા બાદ ચોમાસું કેટલી ઝડપથી નબળું પડી ગયું હતું.

સૌથી વધુ વરસાદ બીકેસીમાં
સોમવાર, ૧૪ સપ્ટેમ્બર સુધીમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જોકે સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં પાંચ સ્થળે ૧૦૦ મિ.મી. થી  વધુ વરસાદ પડયો હતો, જેમાં સૌથી વધુ બીકેસીમાં ૧૪૭ મિ.મી., માગાઠાણેમાં ૧૨૭ મિ.મી., ચેમ્બુરમાં ૧૨૭ મિ.મી.,  ગોવંડીમાં ૧૨૧ મિ.મી. અને શિવડીમાં ૧૦૬ મિ.મી. અને દાદરમાં ૯૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.