Wed Sep 30 2026

Logo

ગણેશોત્સવ અને નવરાત્રીમાં જાહેરાત લગાવનારા માટે બીએમસીની ગાઈડલાઈન

2026-09-13 22:23:00
Author: Sapna Desai
ગણેશોત્સવ અને નવરાત્રીમાં જાહેરાત લગાવનારા માટે બીએમસીની ગાઈડલાઈન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગણેશોત્સવ અને એ બાદ નવરાત્રી દરમ્યાન સાર્વજનિક સ્થળો સહિત ફૂટપાથ પર કમર્શિયલ હૉર્ડિંગ્સ લગાવનારાઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગાઈડલાઈન બહાર પાડી છે. પાલિકાના નિયમ વિરુદ્ધ તહેવારો દરમ્યાન કોઈ પણ સ્થળે હૉર્ડિંગ્સ લગાડેલા દેખાયા તો તેમની સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. એ દરમ્યાન જ પાલિકાએ તેની ‘પેડિસ્ટ્રયન ફર્સ્ટ’ પૉલિસીનો પણ અમલ કરવા પર ભાર આપ્યો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં મોટા પ્રમાણમાં ગણેશભક્તો જુદા જુદા મંડપોમાં ગણપતિબાપ્પાના દર્શન માટે જતા હોય છે. ઘરની બહાર નીકળેલા નાગરિકોને ચાલવાનો રસ્તો ખુલ્લો હોય અને કોઈ અવરોધ નિર્માણ થાય નહીં તેની સંબંધિતોએ તકેદારી લેવાની રહેશે, જેમા મુખ્યત્વે રસ્તા અને ફૂટપાથ પર હૉર્ડિંગ્સ લગાવીને રાહદરીઓને અડચણ થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે.

પાલિકાના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગણેશોત્સવ અને નવરાત્રી દરમ્યાન કમર્શિયલ જાહેરાત પ્રદર્શિત કરવા માટે પ્રશાસન અને લાઈસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નિયમ નક્કી કરવામાં આવ્યા છે, તેનું પાલન કરવાનું રહેશે. ગણેશોત્સવ અને નવરાત્રૌત્સવ મંડળોએ ગુટખા, તંબાકુજન્ય અને અન્ય પ્રતિબંધિત ઉત્પાદનોની જાહેરાતનું પ્રદર્શન કરવાનું ટાળવાનું રહેશે. જાહેરાતના પ્રદર્શન કરતા સમયે ફૂટપાથ પર રાહદારીઓને ચાલવામાં તેમ જ રસ્તા પરના ટ્રાફિકને કોઈ પણ પ્રકારે અડચણ ન થાય તેની કાળજી લેવાની રહેશે. 

મંડળો પારંપારિક પ્રવેશદ્વારની જમણી અને ડાબી બાજુએ દાન આપનારાઓ કમર્શિયલ જાહેરાત લગાવી શકશે. સામાજિક અને નાગરી સંદેશો પ્રદર્શિત કરીને નાગરિકોમાં જનજાગૃતિ લાવી શકશે. તેમ જ ગણેશોત્સવ અને નવરાત્રી મંડળોને ડિજિટલ માધ્યમથી જનહિતની અને આરોગ્યને લગતા સંદેશા તેમ  જ કમર્શિયલ જાહેરાત પ્રદર્શિત કરવા માટે ૧૦ બાય ૧૦ની મર્યાદા સુધીના આકારના ડિજિટલ સ્ક્રિન બેસાડવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસ પાસેથી નો ઓબ્જેકશન લીધા બાદ મંજૂરી આપવામાં આવશે. સાર્વજનિક મંડળોને તહેવાર દરમ્યાન તેમ જ વિસર્જનના બીજા દિવસે સંબંધિત જાહેરાતના બોર્ડ સંબંધિત મંડળોએ જાતે આગળ આવીને કાઢી નાખવાના રહેશે.