Sat Oct 17 2026

Logo

'હૈવાન' ને બોક્સઓફિસ પર ફટકો, અક્ષય-સૈફની જોડીએ કેટલી કરાવી કમાણી?

2026-09-13 14:21:36
Author: Mumbai Samachar Team
'હૈવાન' ને બોક્સઓફિસ પર ફટકો, અક્ષય-સૈફની જોડીએ કેટલી કરાવી કમાણી?

મુંબઈ: અક્ષય કુમાર અને સૈફ અલી ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાની નવી ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'હૈવાન' ને લઈને ચર્ચામાં હતા. આ ફિલ્મ હવે ફિલ્મી પડદે રિલીઝ થઈ ચુકી છે. બોક્સ ઓફિસ પર હાલમાં ધાર્મિક ફિલ્મ 'હનુમાન અંશ' ની બોલબાલા જોવા મળી રહી છે, જે 200 કરોડના આંકડાને પાર કરી ચુકી છે. બીજી તરફ 'મિર્ઝાપુર: ધ મુવી' પણ પોતાનો જાદુ વિખેરી રહી છે. ત્યારે આ બંને ફિલ્મ વચ્ચે રિલીઝ થયેલી  'હૈવાન' બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફ્ળ રહી છે. અક્ષય કુમાર અને સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં હોવા છતાં આ ફિલ્મ ઓપનિંગ ડે પર ફક્ત 3 કરોડ રૂપિયાનું જ કલેક્શન કરી શકી અને બીજા દિવસે પણ તેમાં વધારો જોવા મળ્યો નહોતો. 

'હૈવાન' બોક્સ ઓફિસ કલેક્શન ડે 2 

એક રિપોર્ટ અનુસાર 7,224 શોઝ સાથે પહેલા દિવસે 3 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મ 'હૈવાન' બીજા દિવસે 5,759 શોઝ સાથે 2.50 કરોડ રૂપિયાનું જ કલેક્શન જ કરી શકી હતી આ સાથે આ ફિલ્મ 10 કરોડના આંકડાથી ઘણી દૂર છે. તે અત્યારસુધીમાં ફક્ત 5.50 કરોડ રૂપિયાની કમાણી જ કરી શકી છે. હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મ બોક્સઓફિસ પર અન્ય ફિલ્મોને ટક્કર આપવામાં કેટલી સફળ રહેશે. 

'હૈવાન' ફિલ્મની બોક્સઓફિસ પર હરીફાઈ 

હાલમાં સિનેમાઘરોમાં અલગ અલગ ઝોનરની અનેક ફિલ્મો ચાલી રહી છે. જેમાં ક્રાઇમ થ્રિલર 'મિર્ઝાપુર: ધ મુવી', માઈથોલોજીકલ ફિલ્મ 'હનુમાન અંશ', 'મંદાદી', 'સરદાર 2', 'એપિક' અને 'વીડિયો' જેવી ફિલ્મો સામેલ છે. જેમાં 'હનુમાન અંશ' અને 'મિર્ઝાપુર: ધ મુવી' ને દર્શકોનો સૌથી વધારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મો સાથે 'હૈવાન' ફિલ્મને બોક્સઓફિસ પર કેવી પ્રતિક્રિયા મળશે તે આવનારા સમયમાં જ જોવા મળશે. 

'હૈવાન' ફિલ્મની કહાની 

'હૈવાન' ની કહાનીની વાત કરીએ તો આ ફિલ્મ એક શ્યામ નામના દ્રષ્ટિહીન વ્યક્તિની આજુબાજુ ફરે છે, જેનું પાત્ર સૈફ અલી ખાને ભજવ્યું છે. જયારે તે એક રિટાયર્ડ જજ અને એક રહસ્યમય મહિલાથી જોડાયેલા ગંભીર મામલામાં ફસાઈ જાય છે ત્યારે કહાની વળાંક લે છે. જેમ જેમ કહાની આગળ વધે છે તેમ તેનામાં બદલાની ભાવનાથી ભરેલા એક દયાહીન હત્યારા પરશુરામનો સામનો કરવો પડે છે, જેનું પાત્ર અક્ષય કુમારે ભજવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સિવાય બોમન ઈરાની, સંયમી ખેર, શ્રિયા પિલગાંવકર અને શારિબ હાશ્મીએ પણ મહત્વના કિરદારો ભજવ્યા છે.