(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ગણેશમૂર્તિનું આગમન લગભગ મહિના પહેલાથી શરૂ થઈ ગયું હતું અને સોમવારથી ગણેશોત્સવનો આરંભ થઈ રહ્યો છે, છતાં રવિવાર સવાર સુધીમાં મુંબઈમાં કુલ ૨,૭૦૨ ગણપતિ મંડળને જ મુંબઈ મહાનગરપાલિકા તરફથી મંજૂરી મળી હતી.
મુંબઈ મહાનગરપાલિકા તરફથી ગણેશમંડળોને મંજૂરી આપવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ રાખવામાં આવી છે, છતાં રવિવાર સવાર સુધીમાં માત્ર ૨,૭૦૨ મંડળને મંજૂરી મળી હતી, જે આંકડો ગયા વર્ષની સંખ્યાની લગભગ સમાન છે. છેલ્લી ઘડીએ મંજૂરી મળ્યા બાદ સોમવાર સુધીમાં મંજૂરીઓની સંખ્યામાં થોડો વધારો થવાની શક્યતા છે.
પાલિકાના રેકોર્ડ મુજબ મુંબઈના કુલ ૪,૧૬૪ મંડળોએ મંજૂરી માટે અરજી કરી હતી, જેમાંથી મોટાભાગનાં મંડળોએ રસ્તાની બાજુમાં મંડપ ઊભા કરવા માટે અરજી કરી હતી. તેમાંથી અત્યાર સુધીમાં ૨,૭૦૨ મંડળોને મંજૂરી મળી ગઈ છે, જ્યારે ૧૭ મંડળોની અરજીઓ હજુ પણ વોર્ડ-સ્તરે આસિસ્ટન્ટ કમિશનરો પાસે મંજૂરીની રાહ જોતી પેન્ડિંગ છે.
મુંબઈના સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કાર્યકર્તાના જણાવ્યા મુજબ પાલિકા મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ તેમાં હજુ પણ સુધારાને અવકાશ છે. પાલિકાએ મંડળોને પાંચ વર્ષની મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. જોકે તેનો અર્થ એ નથી કે મંડળોએ પાલિકામાં અરજી કરવાની રહેતી નથી, કારણ કે પોલીસનું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મુંબઈ મહાનગરપાલિકા મારફત મેળવવાનું હોય છે. ઘણા કેસમાં ગણેશ મંડળો તેમના મંડપ કે સ્થાપનાનું કદ વધારે છે, જેના કારણે પોલીસની નવી મંજૂરી લેવી જરૂરી બની જાય છે. ક્યારેક પોલીસ વેરિફિકેશનમાં અપેક્ષા કરતા વધુ સમય લાગે છે, જેનાથી આયોજકો ચિંતામાં મુકાય છે.
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રમુખ નરેશ દહીબાંવકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે તહેવારોમાં પોલીસ કર્મચારીઓ અન્ય કામોમાં વ્યસ્ત હોય છે, જેના કારણે મંજૂરીઓમાં વધુ વિલંબ થઈ શકે છે. પોલીસની અન્ય જવાબદારીઓ પણ હોય છે, ખાસ કરીને વીઆઈપીની અવરજવર દરમ્યાન તેમના કામ વધી જતા હોય છે. જોકે છેલ્લી ઘડીની દોડધામ ટાળવા માટે મંડળોની મંજૂરીની પ્રક્રિયા અગાઉથી જ પૂર્ણ કરી લેવી જોઈએ.