Mon Oct 05 2026

Logo

શિવ રહસ્ય: તો પિતાશ્રી તમારે વરદાન આપતી વખતે ચેતવણી આપવાની

2026-09-14 08:16:00
Author: Bharat Patel
શિવ રહસ્ય: તો પિતાશ્રી તમારે વરદાન આપતી વખતે ચેતવણી આપવાની

 

- ભરત પટેલ

ક્રોધિત થયેલા ભગવાન ગણેશને જોઈ માતા પાર્વતી તેમને શાંત પાડે છે અને કહે છે `પુત્ર ગણેશ તમે ક્રોધિત ન થાઓ, સિંદૂરાસુર એટલી હિંમત તો નહીં જ ધરાવતો હોય કે એ વૈકુંઠલોક અને કૈલાસ પર આક્રમણ કરે. તમારી જરૂર જણાતા હું તમારું આવાહન કરીશ, તુરંત મદદે દોડી આવજો.' માતાની વાત યોગ્ય લાગતાં ભગવાન ગણેશ શાંત થઈ જાય છે. બીજી તરફ સિંદૂરાસુર વૈકુંઠલોક પહોંચી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પડકારે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મીને ઈશારો કરતાં જ માતા લક્ષ્મી પણ અદૃશ્ય થઈ જાય છે. વૈકુંઠલોકમાં સિંદૂરાસુરને કંઈ દેખાતું નથી, ફક્ત ભગવાન શ્રીહરિ વિષ્ણુની નાગશૈયા દેખાય છે. સિંદૂરાસુર વિચારે છે કે, `આ શું છે? આ વૈકુંઠલોકમાં તો કંઈ જ નથી. અહીં વિજેતા બનીને શું મળે. આ નાગશૈયા પર શું આરામ મળે? સ્વર્ગલોકમાં તો મખમલની શૈયા હોય છે.

હવે મારે કૈલાસ લોક જવું પડશે, ત્યાં શું છે એ જોવું છે.' આટલું કહી એ કૈલાસ તરફ પ્રયાણ કરે છે. સિંદૂરાસુર કૈલાસ પહોંચતાં જ દેવગણો ભગવાન શિવને પોકારવા લાગે છે. દેવગણોનો કોલાહલ સંભળાતાં ભગવાન શિવ તપને ત્યાગે છે. સમસ્ત દેવતાઓ ભગવાન શિવની પાછળ છુપાઈ જાય છે. સામે સિંદૂરાસુર પોતાને મહાકાય બનાવી ભગવાન શિવ સહિત સમસ્ત દેવતાઓને પોતાની ભુજામાં ઊંચકી લે છે. ભગવાન શિવ સિંદૂરાસુરને કહે છે, `સિંદૂરાસુર આ યોગ્ય નથી, તમને ખબર જ છે કે હું શિવ છું, મારું ત્રીજું નેત્ર જો ખોલીશ તો સિંદૂરાસુર તમે ભસ્મ થઇ જશો.' સિંદૂરાસુર ભગવાન શિવને કહે છે, `પ્રભુ હું કાંઈ મૂર્ખ નથી, કે તમને છુટા કરી દઉં, મેં મારી ભુજાઓના બાહુપાશમાં બાંધી દીધા છે, તમે જો ત્રીજું નેત્ર ખોલશો તો તમારી સાથે બધા દેવતાઓ પણ ભસ્મ થઈ જશે.

પરિસ્થિતિ વિકટ જણાતાં માતા પાર્વતીના આવાહન પર ભગવાન ગણેશ તુરંત પ્રગટ થાય છે. ભગવાન ગણેશ સિંદૂરાસુરને ચેતવણી આપે છે. અજ્ઞાની સિંદૂરાસુર કહે છે, `હે વિચિત્ર દેખાતા બાળક! તને ખબર છે હું કોણ છું, હું સ્વર્ગલોક અને વૈકુંઠલોક વિજેતા છું, મને વરદાન મળ્યું છે. આ ભગવાન શિવ મારું કંઈ બગાડી શકતા નથી તો તું શું કરી લેશે.' આટલું સાંભળતાં જ ભગવાન ગણેશ પોતાને સિંદૂરાસુરથી ય વધુ મહાકાય બનાવે છે. સિંદૂરાસુર જોઈને આભો થઈ જાય છે. તેના બાહુપાશમાં સમસ્ત દેવતાઓ હોવાથી કંઈ કરી શકતો નથી.

માતા પાર્વતી કહે છે, `મૂર્ખ સિંદૂરાસુર! આ અમારો પુત્ર ગણેશ છે, તારા વરદાનમાં ક્યાંય નથી કહ્યું કે ગજમુખ દેવ તારો વધ નહીં કરી શકે.' માતા પાર્વતીની વાત સાંભળવામાં વ્યસ્ત સિંદૂરાસુર કંઈ વિચારે એ પહેલાં ભગવાન ગણેશે તેમની સૂંઢથી સિંદૂરાસુરની ડોકને જકડી લીધી. ભગવાન ગણેશના સૂંઢની પકડ એટલી મજબૂત હતી કે સિંદૂરાસુર શ્વાસ પણ લઈ ન શક્યો. સિંદુરાસુરના બાહુપાશની પકડ ઢીલી થતાં સમસ્ત દેવગણો છુટકારો મેળવે છે. સિંદૂરાસુર નિશ્વાસ થઈ ઢળી પડે છે. સમસ્ત દેવતાઓ ભગવાન ગણેશનો જયજયકાર કરે છે. કૈલાસ ખાતે આનંદનું વાતાવરણ થઈ જતાં સમસ્ત દેવગણો અને શિવગણો નૃત્ય કરી ઉત્સવ ઉજવે છે.
* * *

કૈલાસ ખાતે ઉજવાઈ રહેલા ઉત્સવમાં માતા સરસ્વતી, બ્રહ્માજી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, દેવર્ષિ નારદ, દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો સામેલ થાય છે.

માતા પાર્વતી: `અહીં હાજર દેવતાઓને હું વિનંતી કરીશ કે જો આ ઉત્સવમાં તમે સામેલ થઈ થોડા દિવસ અહીં નિવાસ કરો.'

દેવરાજ ઇન્દ્ર: `માતા તમે અમને વિનંતી કરો એ યોગ્ય નથી, તમે અમને આદેશ આપી શકો છો.'

માતા પાર્વતી: `નિયતીએ દરેક દેવતાને તેમની જવાબદારી સોંપી છે, એમાં હું ખલેલ ન આપી શકું, તમે જો થોડા દિવસ અહીં નિવાસ કરો તો ઉત્તમ.'

દેવરાજ ઇન્દ્ર: `માતા તમે જો આદેશ આપો તો હું હંમેશ માટે જ કૈલાસ નિવાસ કરું.'

દેવર્ષિ નારદ: `દેવરાજ માતા પાર્વતી ખરું કહે છે આપણને નિયતીએ જે જવાબદારી સોંપી છે એ આપણે પૂરી કરવી જરૂરી છે. માતા હું તો થોડા દિવસ અવશ્ય અહીં રહી તમારી ખીરનો રસાસ્વાદ માણીશ.'

અગ્નિ દેવ: `માતા હું પણ થોડા દિવસ અહીં અવશ્ય રહીશ.'

ત્યારબાદ એક પછી એક દેવતાઓએ કૈલાસ ખાતે નિવાસ કરવાની તૈયારી દર્શાવી.

ભગવાન શિવ: `પાર્વતી તમે દેવતાઓને કૈલાસ નિવાસ કરવાની વાત તો કરી રહ્યા છો પણ તેમને અહીં તેમના લોક જેવી વ્યવસ્થા નહીં મળે.'

દેવર્ષિ નારદ: `પ્રભુ તમારા સાંનિધ્યમાં રહેવાનું કોણ પસંદ ન કરે, અહીં ભલે મહેલમાં મળતી સુખ સુવિધા ન મળે પણ તમારું સાંનિધ્ય મળે એ અલભ્ય છે. અમે દેવગણો અહીં અવશ્ય રહીશું.'

ભગવાન શિવ: `પ્રથમ વખત કૈલાસ ખાતે દેવગણો નિવાસ કરવાના છે નંદી તમારે શિવગણો સાથે બધી વ્યવસ્થા સંભાળવાની છે.'

નંદી: `પ્રભુ, કૈલાસ ખાતે દેવતાઓને કોઈ વસ્તુની ઊણપ નહીં આવવા દઉં.'

નંદી શિવગણોને આદેશ આપતાં કહે છે, `ચાલો શિવગણો વ્યવસ્થામાં લાગી જાઓ.'

બીજી તરફ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ, સિદ્ધિ-બુદ્ધિ, માતા સરસ્વતી, બ્રહ્માજી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, દેવર્ષિ નારદ, દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો ચર્ચા કરતાં હોય છે.

સિદ્ધિ: `હે પિતાશ્રી! તમે અને અન્ય દેવતાઓની તપસ્યા કરીને અસુરો વરદાની બને છે અને ત્યારબાદ તેઓ તમારા પર જ આક્રમણ કરે છે, એમને કઈ રીતે અટકાવવા.'

ભગવાન શિવ: `પુત્રી સિદ્ધિ-બુદ્ધિ તમે તો જાણતા જ હશો કે, તપસ્યા કરનાર આરાધક જ્યારે જ્યારે પોતાના આરાધ્યને પ્રેમથી પોકારે છે ત્યારે આરાધ્ય દોડતાં દોડતાં તેમની પાસે પહોંચી જાય છે. આરાધ્ય તેમના આરાધકથી બંધાયેલા છે.'

બુદ્ધિ: `તો પિતાશ્રી તમારે વરદાન આપતી વખતે ચેતવણી આપવાની કે જો વરદાનનો ઉપયોગ ખોટા માર્ગે કરશો તો ભગવાન ગણેશ તમારો વધ કરશે.'

માતા પાર્વતી: `પુત્રી આરાધક જ્યારે વરદાન માગે છે ત્યારે આવું કહેવાથી એ વરદાન લેવાનો ઈન્કાર કરશે અને આરાધ્યનું અપમાન કરશે.'

ભગવાન ગણેશ: `અહીં ઉપસ્થિત દેવતાઓને વિનંતી કરીશ કે તમે જેમને વરદાન આપ્યું હોય અને તેઓ ગેરમાર્ગે દોરાય તો તેમને દંડ આપવાનો અધિકાર મને આપી રાખો, જેથી સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે.'

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: `પ્રિય ગણેશ, અમે જ્યારે જ્યારે વરદાન આપીએ છીએ, ત્યારે એ વરદાનમાં એવી એક છૂપી કડી રાખીએ છીએ જેમાં યોગ્ય સમયે કોઈપણ એક દેવતા એ વરદાની અસુરનો વધ કરે. તો પણ અમે તમને અનુમતિ આપીએ છીએ કે તમને જ્યારે પણ એવું લાગે કે આ વરદાની અસુર ખોટા માર્ગે જઈ રહ્યો છે તો તમે એમને અવશ્ય દંડ આપી શકશો, પણ તે પહેલાં તમારે તમારા પિતાની અનુમતિ અવશ્ય લેવી.'
ભગવાન ગણેશ: `અવશ્ય, હું પિતાશ્રીની અનુમતિ લઈને જ એ અસુરને દંડ આપીશ.'
* * *

ઘણા દિવસો સુધી દેવતાગણ કૈલાસ ખાતે મહેમાનગતિ માણી પોતપોતાના લોક તરફ પ્રયાણ કરે છે.

ભગવાન ગણેશ: `પિતાશ્રી મને અને સિદ્ધિ-બુદ્ધિને ગણેશ લોક જવાની પરવાનગી આપો જેથી અમે જઈ શકીએ.'

ભગવાન શિવ: `પુત્ર આ કૈલાસ પણ તમારું જ છે, તમે અહીં વધુ સમય નિવાસ કરો તો વધુ ઉત્તમ કહેવાશે.'

ભગવાન શિવના કહેવાથી ભગવાન ગણેશ સિદ્ધિ-બુદ્ધિ સાથે થોડો વધુ સમય કૈલાસ ખાતે રોકાય છે.
* * *

એક દિવસ સંધ્યા ટાણે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને સિદ્ધિ-બુદ્ધિ સાથે ગગન વિહાર માટે નીકળે છે. આકાશ માર્ગેથી આગળ વધતાં તેમને પૃથ્વી પર એક ઋષિ અને ઋષિપત્ની ભગવાન શિવની આરાધના કરતા દેખાય છે.

બુદ્ધિ: `માતા નીચે જુઓ સંસારમાં એવા યુવાન યુગલો પણ છે જે આરાધના કરતા નજરે પડે છે, મને એવું પ્રતિત થાય છે કે આ ઋષિ યુગલે હાલમાં જ ઘરસંસાર માંડયો હોય તેવું લાગે છે. આવા નવયુગલો આરાધના કરે એ અત્યંત પ્રભાવિત કરનારી બાબત છે.

માતા પાર્વતી: `આપણે જે જોઈ રહ્યા છીએ એ નવયુગલ નથી, તેઓ ઘણા વરસોથી આરાધના કરી રહ્યા છે.'

સિદ્ધિ: `ઘણા વરસોથી આરાધના કરતા હોય તો તેઓ આટલા યુવાન કઈ રીતે હોઈ શકે, માનવ માત્ર હંમેશાં યુવાન રહેતા નથી.'

માતા પાર્વતી: `પુત્રી જે ઋષિ છે તેમનું નામ ચ્યવન ઋષિ છે અને તેમની પત્ની છે એ રાજા શર્યાતીની પુત્રી સુક્નયા છે. હું તેમના વિશે વિગતવાર સમજાવું.  
 (ક્રમશ:)